Nov 29, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-029

 

અધ્યાય-૩૫-સર્પોના નામનું કથન 


II शौनक उवाच II भुजंगमानां शापस्य मात्रा चैव सुतेन च I विनतायास्त्वया प्रोत्त्कं कारणं सूतनन्दन  II १ II

શૌનક બોલ્યા-હે સૂતજી,સર્પોને માતા કદ્રૂએ અને પુત્ર અરુણે માતા વિનતાને જે શાપ આપ્યા તેનું કારણ તમે કહ્યું,

વળી,પતિ કાશ્યપથી કદ્રૂ અને વિનતાને વરદાન મળ્યું-તે પણ કહ્યું,વિનતાના બે પુત્રો (વરુણ ને ગરુડ)નાં નામ 

પણ તમે કહ્યાં,પણ તમે સર્પો (કદ્રૂના પુત્રો)નાં નામ કહ્યાં નથી,તેમનામાંના મુખ્ય નામો કહો.

સૂતજી બોલ્યા-હે તપોધન,સર્પોનાં નામો ઘણાં છે,પરંતુ હું,તે બધાનાં નામ કહીશ નહિ પણ મુખ્ય સર્પોનાં નામ કહું છું તે તમે સાંભળો.પ્રથમ શેષ (નાગ) થયા,પછી વાસુકી ઉત્પન્ન થયા,એ પછી,ઐરાવત,તક્ષક,કર્કોટક,ધનંજય,મણિ,

આપૂરણ,પિંજરક,એલાપત્ર,વામન.નીલ.અનીલ,આદિ નાગો થયા.આ મુખ્ય નાગો છે,વળી એમના પુત્રો અને પુત્રોના પુત્રો,અસંખ્ય છે,એટલે તે સર્વના અબજો નામો અહીં જણાવતો નથી,કેમ કે કહેવા અશક્ય છે.(1-19)

અધ્યાય-35-સમાપ્ત 


અધ્યાય-૩૬-શેષ (નાગ)નું ચરિત્ર 


II शौनक उवाच II आख्याता भुजगास्तात विर्यवंतो दुरासदः I शापं तं तेSभिविज्ञाय कृतवन्तः किमुत्तरम्  II १ II

શૌનક બોલ્યા-હે તાત,તે વીર્યવંત અને દુઃસહ સર્પોની કથા તમે કહી,

હવે માતાનો તે શાપ જાણીને તેઓએ શું કર્યું હતું? તે અમને કહો 

સૂતજી બોલ્યા-ત્યારે,એ સર્પોમાં અતિ યશસ્વી એવા શેષનાગે તો માતાનો તરત ત્યાગ કરી દીધો,

ને વાયુભક્ષી તથા વ્રતરત થઈને,પુણ્યતીર્થો તથા આશ્રમોમાં જઈને,જિતેન્દ્રિય રહીને ઘોર તપ કર્યું.

પછી,જેમનાં,માંસ,ચામડી ને સ્નાયુઓ સુકાઈ ગયા હતા તેવા,તેમને બ્રહ્માજીએ જોયા,બ્રહ્માજીએ પૂછ્યું કે-

'હે શેષ,તમે આ ઘોર તપ કેમ કરો છો? તમારા હૃદયમાં શી કામના છે? (1-7)


શેષ બોલ્યા-મારા સર્વ સહોદર ભાઈઓ મંદ બુદ્ધિના છે,એમની સાથે હું રહેવા ઈચ્છતો નથી,તો આપ તે માન્ય રાખો,તેઓ એકબીજાની સતત ઈર્ષા કરે છે,મારે તેમનાં મુખ જોવાં ન પડે,એ માટે હું તપમાં બેઠો છું,

મહા બળવાન,વિનતાના પુત્ર ગરુડનો પણ તેઓ સતત દ્વેષ કરે છે,આ કારણે તપ કરીને.

હું મારુ આ ખોળિયું છોડી દઈશ,એટલે બીજે જન્મે મારે આ ભાઈઓનો સંસર્ગ રહે જ નહિ (8-12)


બ્રહ્માજી બોલ્યા-હે સર્પશ્રેષ્ઠ શેષ,તમારા સર્વ ભાઈઓની ચેષ્ટા હું જાણું છું,માતાના શાપથી તેમને જે ભય થશે,

તેનો આગળથી જ ઉપાય કર્યો છે,તેથી ભાઈઓનો શોક તમે કરશો નહિ,તમારી બુદ્ધિ ધર્મમાં સ્થિર છે,

તેથી હું તમારા પર ઘણો પ્રસન્ન થયો છું,તમે મારી પાસેથી જે વરદાન માગો,તે હું આપીશ (13-17)


શેષ બોલ્યા-હે પિતામહ,હું એ જ માગું કે મારી બુદ્ધિ,સદા ધર્મ,શમ.તાપમાં રમતી રહે.

બ્રહ્મા બોલ્યા-તમારા શમ-દમથી હું પ્રસન્ન થયો છું,મારી આજ્ઞાથી તમારે પ્રજાહિતમાં રહેવું.હે શેષ,પર્વત,વન,

સાગર,પ્રજા-આદિ સર્વ સાથેની આ ડોલતી પૃથ્વીને તમે એવી રીતે ધારણ કરો કે તે અચલ થઇ જાય 

શેષ બોલ્યા-હે દેવ,આપે જે આજ્ઞા આપી છે,તે પ્રમાણે હું ધરાને ધારણ કરીશ,આપ એને મારા શિર પર મુકો 

બ્રહ્મા બોલ્યા-હે શેષ,તમે ધરા(પૃથ્વી)ની નીચે જાઓ,ધરતી,પોતે જ,તમને દર આપશે,

તમે આ ધરણીને ધારણ કરશો,તેથી તમારું પ્રિય થશે (18-22)


સૂતજી બોલ્યા-પછી,વાસુકિના મોટાભાઈ,શેષે 'તથાસ્તુ' કહીને દરમાં પ્રવેશ કર્યો અને પૃથ્વીને ચારે બાજુથી ઉપાડીને માથા પર ધારણ કરી,કે જે કર્મ,માત્ર  બ્રહ્મા અને ઇન્દ્ર જ કરી શકે તેમ છે.

આ રીતે,બ્રહ્માજીની આંગણથી અનંતનાગ (શેષ),પૃથ્વીને એકલા ધારણ કરીને પાતાળમાં રહે છે,

પછી,બ્રહ્માજીએ,વિનતાના પુત્ર,સુપર્ણ (ગરુડ)ને,આ અનંતનાગને સહાય કરવાની આજ્ઞા કરી (23-26)

અધ્યાય-36-સમાપ્ત 


અધ્યાય-૩૭-વાસુકિ-વગેરે સર્પોના વિચાર 


II सौतिरुवाच II मातुः सकाशात्तं शापं श्रुत्वा वै पन्नगोत्तमः I वसुकिश्चिन्तयामास शापोSयं भवेत् कथम् II १ II

સૂતજી બોલ્યા-નાગરાજ વાસુકિ,પોતાની માતાનો શાપ સાંભળીને વિચાર કરવા લાગ્યો હતો કે,કઈ રીતે 

આ શાપ નિષ્ફળ જાય? એટલે પછી,તેણે ઐરાવત-આદિ પોતાના ભાઈઓ સાથે મંત્રણા કરવા માંડી (1-2)

વાસુકિ બોલ્યો-માતાના શાપનો કોઈ વળતો ઉપાય નથી,વળી,તે બ્રહ્માજીની સમક્ષ આપવામાં આવ્યો છે,

આપણા સર્વનો વિનાશ નક્કી જ છે,કેમ કે બ્રહ્માજીએ,શાપ આપતી માતાને રોકી નહોતી.

આપણે સર્વેએ,આપણા વિનાશ માટેનો જન્મેજયનો યજ્ઞ થાય જ નહિ -

ને જો થાય તો તે નિષ્ફળ થાય,તેના વિષે વિચાર કરવો જોઈએ.,(3-10)


કોઈકોઈ નાગોએ કહ્યું કે-અમે દ્વિજશ્રેષ્ઠો (બ્રાહ્મણો) થઈને જન્મેજય પાસે ભિક્ષા માંગશું કે તારો આ યજ્ઞ ન થાઓ'

બીજા પાંડિત્યનો ડોળ રાખતા નાગોએ કહ્યું કે-આપણે બધા તેના માન્ય મંત્રીઓ થઈએ,કે જેથી તે સર્વ કાર્યોમાં આપણી સલાહ લે,અને જયારે સર્પયજ્ઞની વાત આવે ત્યારે આપણે એવી સલાહ આપીશું કે તે યજ્ઞ થાય જ નહિ.

કોઈ નાગે કહ્યું કે-તેના કરતાં તો તે યજ્ઞ કરનારને કે યજ્ઞ કરાવનાર (બ્રાહ્મણ)ને જ આપણે ડસીએ,કે જેથી, તેઓનું જો મરણ થાય તો તે યજ્ઞ થાય જ નહિ.તો ત્યારે,કોઈ દયાળુ નાગે કહ્યું કે-બ્રહ્મહત્યા આપણને શોભે નહિ.

તે અધર્મ છે,અને અધર્મથી આખું જગત વિનાશ પામે છે.નિર્દોષ ને ધર્મયુક્ત શાંતિનો ઉપાય જ શ્રેષ્ઠ છે.


બીજા નાગોએ કહ્યું કે-આપણે,મેઘો બનીને તે યજ્ઞ પર વર્ષા કરી,યજ્ઞાગ્નિ હોલવી નાખીએ,કે પછી રાત્રે ચૂપચાપ  જઈને યજ્ઞપાત્રો હરી લાવીએ,તો યજ્ઞમાં વિઘ્ન આવે,અથવા સર્વ સર્પો ભેગા થઈને સર્વ જનોને દાસીએ,તો પછી 

કોઈ ત્રાસ રહે જ નહિ,કે પછી યજ્ઞ-ભોજનને દુષિત કરવામાં આવે કે તેમાં ઝેર મેળવવામાં આવે.

તો,બીજા નાગો બોલ્યા-જળમાં ક્રીડા કરતા રાજાને આપણે બાંધીને ઘેર લાવીએ તો યજ્ઞ થઇ શકે નહિ.

આમ સર્વ મંત્રણાઓ પછી સર્વે નાગોએ વાસુકિને પૂછ્યું કે-બોલો તમારો શો મત છે? (11-30)


વાસુકિ બોલ્યા-તમારા સર્વના આ બુદ્ધિ-નિર્ણયો ને વિચારણાઓ મને માન્ય નથી,વિચાર કરતાં મને લાગે છે કે-

આપણે મહાત્મા કશ્યપને (કે બ્રહ્માજીને) જ પ્રસન્ન કરવા એ જ મને કલ્યાણદાયી લાગે છે.(31-34)

અધ્યાય-37-સમાપ્ત 


INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE