Dec 29, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-052

 
સંભવ પર્વ 

અધ્યાય-૬૫-દક્ષકન્યાની સંતતિ 


II वैशंपायन उवाच II अथ नारायणेनेन्द्रेश्चकार सः संविदम् I अवतर्तु महि स्वर्गादंशतः सहितः सुरैः  II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઇન્દ્રે,દેવતાઓ સાથે,સ્વર્ગમાંથી પૃથ્વી પર,અવતરવાનો,નારાયણ સાથે ઠરાવ કર્યો.

અને સર્વ દેવોને તે પ્રમાણે આજ્ઞા આપી,સર્વે નારાયણના નિવાસથી પાછા ફર્યા.

ત્યારે બાદ,દુશ્મનો (દૈત્યો)ના વિનાશ માટે અને લોકકલ્યાણ માટે દેવો,ક્રમેક્રમે પૃથ્વી પર અવતર્યા.

અને દાનવો,રાક્ષસો,ગંધર્વો,સર્પો અને અનેક માણસ-ખાઉ પ્રાણીઓને મારી નાખ્યા.(1-5)

જન્મેજય બોલ્યા-દેવ અને દાનવોના સમુહોના તથા ગંધર્વો અને અપ્સરાઓના તેમજ સર્વ મનુષ્યો

અને યક્ષ રાક્ષસોના તથા સર્વ પ્રાણીઓના જન્મ વિષે હું સાંભળવા ઈચ્છું છું તે કહેવા તમે યોગ્ય છો.

વૈશંપાયન બોલ્યા-સ્વયંભૂ ભગવાનને નમસ્કાર કરી,હું તમને સર્વ દેવ-આદિ લોકોના જન્મ વિષે કહું છું.(6-9)


મરીચિ,અત્રિ,અંગિરા,પુલસ્ત્ય,પુલહ,અને ક્રતુ-એ છ બ્રહ્માના માનસ પુત્રો છે.

મરીચિના પુત્ર કશ્યપમાંથી આ સર્વ પ્રજા ઉત્પન્ન થઇ છે.

દક્ષપ્રજાપતિને તેર કન્યાઓ થઇ હતી,અદિતિ,દિતિ,દનુ,કાલા,દનાયુ,સિંહિકા,ક્રોધા,પ્રાધા,વિશ્વા,

વિનતા,કપિલા,મુનિ અને કદ્રુ-એ તેર કન્યાઓના અનેક પુત્રો અને પૌત્રો થયા.


અદિતિને ઘેર (ઈશ્વર સમાન)બાર આદિત્યો જન્મ્યા.તેઓનાં નામ,ધાતા,મિત્ર,અર્યમા,

શક્ર,વરુણ,અંશ,ભગ,વિવસ્વાન પૂષા,સવિતા.ત્વષ્ટા અને વિષ્ણુ છે.કે જેમાં વિષ્ણુ સહુથી નાનો છે.

દિતિનો એક પુત્ર હિરણ્યકશિપુ કહેવાયો છે,કે જેને પાંચ પુત્રો થયા હતા.તેમાં પ્રહલાદ સહુથી મોટો,

ને તેના પછીના સંહલાદ,અનુહલાદ,શિબિ,અને બાસ્કલ -નામના પુત્રો થયા હતા.


પ્રહલાદના,વિરોચન,કુંભ અને નિકુંભ નામના ત્રણ પ્રખ્યાત પુત્રો થયા હતા,

જેમાં વિરોચનનો બલિ નામનો એક પ્રતાપી પુત્ર હતો,ને બલિનો બાણ નામનો વિખ્યાત પુત્ર થયો હતો.

કે જેને શ્રીમાન મહાકાલ નામના રુદ્રના અનુચર તરીકે પણ ઓળખવામાં આવે છે.


દનુના સર્વત્ર વિખ્યાત એવા ચાલીશ પુત્રો થયા હતા,તેમાં મહાયશસ્વી વિપ્રચિત્તિ પ્રથમ જન્મ્યો હતો.

તે પછી,શમ્બર,નમુચી,પુલોમા,અસિલોમા,કેશી,દુર્જયદાનવ,અયશિરા,અશ્વશિરા,અશ્વશંકુ,ગગનમૂર્ધા,

વેગવાન,કેતુમાન,સ્વર્ભાનુ,અશ્વ,અશ્વપતિ,વુષવર્મા,અજક,અશ્વગ્રીવ,સૂક્ષ્મક,ટુહુંડ,મહાબલ,ઈશુપાદ,

એકચક્ર,વિરુપાક્ષ,મહોદર,નિચંદ્ર,નિકુંભ,કુપટ,શરભ,શલભ,સૂર્ય અને ચંદ્ર એ પ્રખ્યાત દનુવંશી દાનવો કહ્યા છે.

દાનવોના આ સૂર્ય-ચંદ્ર એ દેવોના સૂર્ય-ચંદ્રથી ભિન્ન છે.અસુરોના અનેક પુત્રો ને પ્રપુત્રો થયા હતા.(14-36)


અસુરોના ઉપાધ્યાય શુક્રાચાર્ય,ઋષિપુત્ર હતા,કે જેને ચાર પુત્રો હતા,કે જેમાં ત્વષ્ટાધાર અને અત્રિ,પ્રખ્યાત છે.

હે રાજન,પરાક્રમી,સૂરો અને અસુરોની જે વંશોત્પતિ કથા,મેં પુરાણોમાં સાંભળી હતી,તે તને કહી,

આ સર્વની વિસ્તાર પામેલી અનંત સંતતિને સંપૂર્ણ રીતે ગણાવી શકાય તેમ નથી.


તાક્ષર્ય,અરિષ્ટનેમી,ગરુડ,અરુણ,આરુણિ,ને વારુણિ એ વિનતાના છ પ્રસિદ્ધ પુત્રો છે.

શેષ,અનંત,વાસુકિ,તક્ષક,કૂર્મ અને કુલિક એ કદ્રૂના પુત્રો કહેવાયા છે.

ભીમસેન,ઉગ્રસેન,સુપર્ણ,વરુણ,ગોપતિ,ધૃતરાષ્ટ્ર,સૂર્યવર્ચા,સત્યવાક,અર્કપર્ણ,પ્રયુત,ભીમ,

ચિત્રરથ,શાલિશિરા,પર્જન્ય,કાળ અને સોળમો નારદ-એ દેવ ગંધર્વો,દક્ષપુત્રી મુનિના થયા (37-45)


દક્ષપુત્રી પ્રાધાએ,અનવદ્યા,વંશા,અસુરા,અરૂપા,સુભગા,ભાસી-આદિ કન્યાઓનો અને,

સિદ્ધ,પૂર્ણ,બહિર,પૂર્ણાયુ,બ્રહ્મચારી,રતિગુણ,સુપર્ણ,વિશ્વાવસુ,ભાનુ અને સુચન્દ્ર-એ દશ વરિષ્ઠ દેવ-ગંધર્વોનો 

જન્મ આપ્યો હતો.વળી તે દેવી પ્રાધાએ,મહર્ષિથી,અપ્સરાઓના વંશને પણ જન્મ આપ્યો હતો,

તે અપ્સરાઓ,અલંબુષા,મિશ્રકેશી,વિદ્યુતપર્ણા,તિલોત્તમા,અરુણા,રક્ષિતા,રંભા,મનોરમા,કેશીની,સુબાહુ,સુરતા,

સુરજા ને સુપ્રિયા છે. તે ઉપરાંત,અતિબાહુ,હાહા.હૂહૂ ને તુમ્બરુ,એ ચાર ગંધર્વશ્રેષ્ઠો પ્રાધાથી જન્મ્યા છે.


અમૃત,બ્રાહ્મણો,ગાયો,ગંધર્વો,અપ્સરાઓ,એ બધાં દક્ષપુત્રી કપિલાની સંતતિ છે એમ પુરાણોમાં કહ્યું છે.

હે રાજન,આ પ્રમાણે ગંધર્વો,અપ્સરાઓ,સર્પો,સુપર્ણો,રુદ્રો,મરુતો,ગાયો,બ્રાહ્મણો-આદિ સર્વ ભૂતોની 

ઉત્પત્તિની કથા તમને કહી,જે મનુષ્ય આ વંશકથાઓનો નિયમિત પાઠ કરશે,તેને પુત્રલાભ થશે,

અનંત કીર્તિ ને લક્ષ્મી મળશે,ને મૃત્યુ પછી સુગતિ પ્રાપ્ત થશે (46-57)

અધ્યાય-65-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE