Jan 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-054

 બૃહસ્પતિની 'વરસ્ત્રી' નામની બ્રહ્મવાદિની બહેન હતી,તે યોગમાં પરાયણ થઇ,જગતમાં અસંગચિત્તે ફરતી હતી,
તે પાછળથી આઠમા વસુ પ્રભાતની પત્ની થઇ હતી,તેણે શિલ્પવિદ્યાના નિર્માતા વિશ્વકર્માને જન્મ આપ્યો હતો.

દેવોના સુથાર,એ વિશ્વકર્માએ અણમોલ શિલ્પો ને દિવ્ય વિમાનો બનાવ્યા હતા,

એ મહાત્માની શિલ્પકળાથી આજે પણ મનુષ્યો પોતાની આજીવિકા ચલાવે છે,ને તેમને પૂજે છે (28-31)

સર્વ લોકને સુખ આપતા  'ધર્મ' બ્રહ્માજીના જમણા સ્તનને ભેદીને નીકળ્યો હતા,

જે 'ધર્મ' ને.શમ-કામ-ને હર્ષ નામના પુત્રો થયા.કામની પત્ની રતિ,શમની સ્ત્રી પ્રાપ્તિ,ને હર્ષની સ્ત્રી નંદા હતી.

બ્રહ્માના માનસપુત્ર મરીચિનો પુત્ર કશ્યપ હતો,કે જેનાથી સર્વ સુરો ને અસુરો જન્મ્યા હતા,

આથી તે કશ્યપ,સર્વ લોકના આદ્યપિતા કહેવાય છે (32-35)


ઘોડીનું રૂપ ધારણ કરનારી,ત્વાષ્ટ્રી નામની સૂર્ય-પત્નીએ,બે અશ્વિનીકુમારોનો આકાશમાં જન્મ આપ્યો હતો.

હે રાજન,અદિતિને,ઇન્દ્ર-આદિ બાર પુત્રો હતા.તે પુત્રોમાં સર્વ લોકના આશ્રયરૂપ વિષ્ણુ સૌથી નાના હતા.


હે રાજન,હવે તે તેત્રીસ દેવોના વંશને તથા તેમના પક્ષો અને કુળ પ્રમાણેના તેમના ગણોને હું કહું છું.

(નોંધ-આઠ વસુ,અગિયાર રુદ્ર,બાર આદિત્ય,પ્રજાપતિ અને વષટકાર-એ તેત્રીસ દેવો છે,

કેટલાક છેલ્લા બે (પ્રજાપતિ અને વષટકાર) ને બદલે બે અશ્વિનીકુમારોને ગણે છે -અનિલ)


રુદ્રો,સાધ્યો,મરુતો,વસુઓ.ભાર્ગવો અને વિશ્વદેવો-એ ગણોનો એક પક્ષ છે.

ગરુડ,અરુણ અને બૃહસ્પતિ-આદિત્ય-ગણમાં ગણાય છે.

બે અશ્વિનીકુમારો,સર્વ ઔષધિઓ અને પશુઓ-ગુહ્યક-ગણમાં જાણવા.હે રાજન,આ દેવગણો,

મેં તમને આદિથી અંત સુધી કહ્યા છે.તેના કીર્તનથી સર્વ પાપથી મુક્ત થવાય છે.(36-41)


ભૃગુ (ઋષિ) બ્રહ્માજીનું હૃદય ભેદીને નીકળ્યા હતા.તે ભૃગુને 'કવિ' નામે પુત્ર થયો,અને કવિના 

શુક્રાચાર્ય પુત્ર થયા.કે જે બ્રહ્માજીની આજ્ઞાથી ગ્રહરૂપ થઈને,વૃષ્ટિ-અનાવૃષ્ટિ,ભય-અભયમાં,ત્રણે લોકના

પ્રાણનિર્વાહને માટે ભૂમંડળમાં વિચરી રહ્યા છે.તે શુક્ર,બે સ્વરૂપે દૈત્યો તથા દેવોના ગુરુ થયા હતા.

બ્રહ્માજીએ જયારે તેમને,જગતના યોગક્ષેમ માટે નિયુક્ત કર્યા,ત્યારે,ભૃગુએ,ચ્યવન નામે,બીજો,પુત્ર 

ઉત્પન્ન કર્યો.માતાની મુક્તિ માટે તે રોષપૂર્વક ગર્ભમાંથી બહાર આવી પડ્યો હતો. (42-46)


ચ્યવનને,(મનુની કન્યા) આરુષી નામે પત્ની હતી,ઔર્વ,એ આરુષીની (ઉરુ) ચીરીને નીકળ્યા હતા.

તેમને ઋચીક નામનો પુત્ર હતો,તે ઋચીકનો પુત્ર જમદગ્નિ થયો.જમદગ્નિને ચાર પુત્રો થયા,

તેમાં રામ (પરશુરામ) સહુથી નાના હતા,પણ તે સર્વ ગુણોથી યુક્ત,સર્વ શસ્ત્રોમાં કુશળ,

જિતેન્દ્રિય અને સર્વ ક્ષત્રિયોના 'કાળ' હતા.(જેમને એકવીસ વાર પૃથ્વી નક્ષત્રિય કરી હતી)

ઔર્વના હજારો પુત્રો પ્રપુત્રો પૃથ્વીમાં વિસ્તરી રહ્યા હતા.(47-51)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE