Jan 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-067


પિતૃઓએ,પુત્રને કુળ-વંશની પ્રતિષ્ઠારૂપ ને સર્વ ધર્મમાં ઉત્તમ કહ્યો છે,માટે પુત્રનો ત્યાગ કરવો ન ઘટે.

ધર્મ ને કીર્તિને વધારનાર અને મનુષ્યના મનની પ્રીતિ વધારનાર પુત્રો જન્મ લઈને,ધર્મ-રૂપી-નાવ બની 

પિતૃઓને નરકમાંથી બચાવે છે,તેથી,હે રાજન,પુત્રનો ત્યાગ કરવો તમારા માટે યોગ્ય નથી.

જેમ,સો કુવાઓ કરતાં એક વાવ ચડિયાતી છે,સો વાવો કરતાં એક યજ્ઞ ચડિયાતો છે,સો યજ્ઞો કરતાં એક પુત્ર ચડિયાતો છે,અને સો પુત્ર કરતાં એક સત્ય ચડિયાતું છે,હજાર અશ્વમેઘ યજ્ઞો ને સત્યને તોલવામાં આવે તો 

સત્ય ચડિયાતું જ સાબિત થયું છે,તો,તમારે,કપટ નહિ કરતા,સત્યનું રક્ષણ કરવું ઘટે છે.

હે રાજન,સર્વ તીર્થોમાં સ્નાન અને સર્વ વેદોનાં અધ્યયન-એ પણ સત્ય વચનની તોલે આવતાં નથી.

સત્ય સમાન કોઈ ધર્મ નથી,સત્યથી ચડિયાતું કશું પણ નથી,ને અસત્યથી વધુ કોઈ પાપ નથી.

સત્ય જ પરબ્રહ્મ છે,સત્ય જ પરમનિયમ છે,માટે તમે પ્રતિજ્ઞાનો ત્યાગ ન કરો,મારી સાથેનો તમારો સમાગમ 

સત્ય છે,પણ હજુ જો તમને વિશ્વાસ ન આવતો હોય,તો હું હવે આ ચાલી.તમારા જેવા સાથે મારે મળવાનું ન હોય.

તમારા વિના પણ આ મારો પુત્ર,ચાર છેડાવાળી પૃથ્વીનું અવશ્ય પાલન કરશે (99-110)


વૈશંપાયન બોલ્યા-રાજાને આ પ્રમાણે કહી શકુંતલા ત્યાંથી ચાલી નીકળી.ત્યારે સભામાં દૈવીવાણી થઇ,

સભામાં બેઠેલા,દુષ્યંતને દૈવીવાણીએ કહ્યું કે-માતા તો જાણે,ચામડાની એક કોથળી છે,પુત્ર તો પિતાનો જ છે,

ને આ પુત્ર તારાથી જ જન્મેલો છે,તો તું એનું ભરણ કર અને શકુંતલાનો અનાદર ન કર.

હે રાજન,સ્વવીર્યથી ઉત્પન્ન થયેલો પુત્ર યમરાજ ભવનમાંથી ઉગારે છે,તું જ આનું ગર્ભાધાન કરનાર છે,

શકુંતલાએ સાચું જ કહ્યું છે,માટે શકુન્તલાનું પણ તું ભરણ કર.હે રાજન,જીવતા પુત્રને ત્યજી દઈને જીવતા રહેવું દુર્ભાગ્ય છે.અમારા વચનથી પણ તારે એનું ભરણ કરવું જોઈએ,તેથી આ પુત્રનું નામ ભરત થાઓ (111-117)


દેવદૂતનું આવું કહેવું સાંભળીને પ્રસન્ન થયેલા દુષ્યન્તે,સભામાં બેઠેલા પુરોહિતો ને પ્રધાનોને કહ્યું-

'દેવદૂતના આ કથન મુજબ હું પણ તેને મારો પુત્ર જ જાણું છું.જે સારું થયું,કેમ કે,માત્ર શકુન્તલાના કથનથી,

જો હું તેને સ્વીકારત તો,લોકોમાં તે શંકાપાત્ર જ રહે ને તે શુદ્ધ થાય નહિ (118-119)


વૈશંપાયન બોલ્યા-દેવદૂતે તે પુત્રને વિશુદ્ધ કર્યો,એટલે હર્ષ અને આનંદથી રાજાએ તેનો સ્વીકાર કર્યો.

પછી તેનું માથું સૂંઘીને,રાજા તેને સ્નેહપૂર્વક ભેટ્યો ને પુત્રસ્પર્શનો પરમ આનંદ પામ્યો.

વળી,દુષ્યંતે,પોતાની પત્ની શકુન્તલાનું ધર્મપૂર્વક સન્માન કર્યું ને તેને સાંત્વન આપતાં કહ્યું કે-

હે દેવી,તારી સાથેનો,મારો સંબંધ,આ લોકથી અજાણ હતો,તેથી તેની શુદ્ધિ માટે,મારે આ વિચારવું પડ્યું હતું,

કેમ કે-કદાચ,લોક માની બેસે કે-તારો મારી સાથેનો આ સંબંધ સ્ત્રીભાવથી જ થયો હતો,

ને જેથી આ પુત્રને મેં,યુવરાજ પદ માટે,પસંદ કર્યો હતો.હે પ્રિયે,(હું ક્ષમા માંગુ છું અને) ક્રોધમાં આવીને,

તેં મને કડવાં વચન કહ્યાં હતાં,તેને માટે હું તને ક્ષમા આપું છું (120-127)


પછી,દુષ્યંતે,પોતાની રાજરાણી પ્રિયાને આદરપૂર્વક સન્માન આપ્યું,ને ભરતનો યુવરાજપદે અભિષેક કર્યો.

ત્યારથી તે ભરતનું,પ્રજ્વલિત,અજિત,દિવ્ય ને પ્રસિદ્ધ એવું મહાન ચક્ર પ્રવર્ત્યું.તેણે રાજોને જીતીને પોતાને વશ કર્યા,સદધર્મનું પાલન કરીને તે અનુપમ યશસ્વી અને સાર્વભૌમ સમ્રાટ ને ચક્રવર્તી રાજા બન્યો.

દેવરાજ ઇન્દ્રની જેમ તેણે,અનેક યજ્ઞો કર્યા,કણ્વ મહર્ષિએ પણ,એની પાસે પુષ્કળ દક્ષિણાવાળો યજ્ઞ કરાવ્યો,

કે જેમાં તેણે,કણ્વમુનિને હજાર પદ્મ ધનનું દાન કર્યું હતું, (128-134)


ભરતથી જ આ ભારત-ફૂલની કીર્તિ છે.તેનાથી જ ભરતવંશ વિસ્તર્યો છે.આ ભરતના વંશમાં,

જે દેવસમાન,મહાઓજસ્વી એવા રાજશ્રેષ્ઠો જન્મ્યા છે,ને જેઓ ભારત નામે પ્રખ્યાત થયા છે,તે સર્વનાં નામો તો અસંખ્ય છે,પણ તેમનામાંના જે સત્યપરાયણ,મહાભાગ્યવાન એવા મુખ્ય નામ હું કહીશ,(135-137)

અધ્યાય-74-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE