Jan 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-068


અધ્યાય-૭૫-યયાતિ રાજાનું ઉપાખ્યાન 

II वैशंपायन उवाच II प्रजापतेस्तु दक्षस्य मनो वैवस्वतस्य च I भरतस्य कुरोः पुरोराजमिढस्य चानाध II १ II

વૈશંપાયન બોલ્યા-હે અપાપ,દક્ષ પ્રજાપતિ,વૈવસ્વત મનુ,ભારત,પુરુ,આજમીઢ,યાદવો,કૌરવો અને ભારતો,

એ વંશોની પુણ્યશાળી,મહાકલ્યાણકારી તેમ જ યશ તથા આયુષ્ય દેનારી કથા હું તમને કહું છું.

પ્રચેતાને દશ પુત્રો હતા,તેમનાથી પ્રાચેતસ પ્રજાપતિ દક્ષ જન્મ્યા,

કે જેમની આ સર્વ પ્રજા થઇ છે,એ દક્ષ પ્રજાપતિ,સર્વ લોકના પિતામહ કહેવાય છે (1-5)

દક્ષ પ્રજાપતિએ,વીરિણી નામની સ્ત્રીથી,પોતાના જેવા ઉત્તમ વ્રતવાળા હજાર પુત્રો ઉત્પન્ન કર્યા.તે સર્વ દક્ષપુત્રોને નારદે મોક્ષસાધન તથા અનુપમ સાંખ્યજ્ઞાનનો ઉપદેશ કર્યો,કે જેથી તે વિરક્ત થઇ,વનમાં ચાલ્યા ગયા.

એટલે દક્ષપ્રજાપતિએ (પુત્ર માટે) પોતાની પચાસ કન્યાઓને,પુત્રિકા તરીકે સ્થાપી,(પુત્રિકાના પુત્રો -દોહિત્રો)

એમાંની દશ કન્યાઓ ધર્મને,તેર કશ્યપને,સતાવીશ ચંદ્રને આપી.

(સૂર્યવંશના મુખ્ય એવા મરીચિના પુત્ર) કશ્યપની તેર પત્નીઓમાં અદિતિ સહુથી મોટી હતી,

તે અદિતિથી ઇન્દ્ર-આદિ તથા વિવસ્વાન (સૂર્ય) વગેરે આદિત્યોને ઉત્પન્ન કર્યા.


વિવસ્વાન-સૂર્યથી,વૈવસ્વત મનુનો જન્મ થયો,આ મનુમાંથી જ માનવ-વંશ પ્રસિદ્ધ થયો ને ચાલ્યો છે.

(આ મનુને યમ નામનો નાનો ભાઈ પણ હતો) બ્રાહ્મણ,ક્ષત્રિય-આદિ માનવો આ મનુથી જ થયા છે.

(સૂર્ય(પુરુ)વંશ-બ્રહ્મા-મરીચિ-કશ્યપ-વિવસ્વાન-વૈવસ્વત,ઈલા(સુધુમ્ન),પુરુરવા,નહુષ,યયાતિ,પુરુ)

આ મનુના નવ પુત્રો (વેન,ધૃષ્ણુ,નરિષ્યતા,નાભાગ.ઇક્ષ્વાકુ,કરુષ,શર્યાતિ,પૃવધ્ર,નાભાગારિષ્ટ) ને એક પુત્રી (ઈલા) હતા,

આ ઉપરાંત બીજા પચાસ પુત્રો હતા,તેઓ આપસમાં લડીને નાશ પામ્યા હતા,એવું અમે સાંભળ્યું છે.(12-18)


વિદ્વાન પુરુરવા,ઈલામાં જન્મ્યો હતો.ઈલા જ તેની માતા અને પિતા હતી.

(નોંધ-હકીકતમાં ઈલા માતા જ હતી,પિતા (ચંદ્રનો પુત્ર) બુધ હતો,પણ આ ઈલા પુરુષમાં બદલાઈને સુદ્યુમ્ન થઇ હતી,

કે જે સુદ્યુમ્ન બનેલી ઇલાએ જ પુરુરવાને રાજ્ય આપ્યું હતું,તેથી ઈલાને પિતા પણ કહેવામાં આવે છે)

આ પુરુરવાએ અમનુષ્ય (માનવેત્તર) સાથીઓથી વીંટળાઈને,તેર દ્વીપોનો ઉપભોગ કર્યો હતો,

પોતાના પરાક્રમથી છકી ગયેલા,એવા તેણે બ્રાહ્મણો સાથે ઝગડો કરી તેમનાં રત્નો હરી લીધાં હતાં.

બ્રહ્મલોકથી આવી સન્તકુમારે તેને ઉપદેશ આપ્યો,પણ તેને તે ન સ્વીકાર્યો,એટલે મહર્ષિઓથી શાપ પામીને મૃત્યુ પામ્યો હતો.ગંધર્વલોકમાંથી ઉર્વશી અને ત્રણ પ્રકારના અગ્નિઓને આ પુરુરવા જ લઇ આવ્યો હતો. (19-23)


આ પુરુરવા અને ઉર્વશીના છ પુત્રો હતા,(આયુ,ધીમાન,અમાવાયુ,દ્રઢાયુ,વનાયુ,અને શતાયુ)

કે જેમાં આયુ નામના પુત્રના (સ્વર્ભાનુથી જન્મેલા) પાંચ પુત્રોમાંથી એક નહુષ નામે પરાક્રમી પુત્ર હતો.

તેણે પોતાના તેજ,તપ,પરાક્રમ અને ઓજસથી દેવોને હરાવીને ઇન્દ્રપદ ભોગવ્યું હતું.

અત્યંત મદથી છકેલ,તેણે ઋષિઓ પાસેથી કર લેવા મંડ્યો હતો,ને ઋષિઓને ઢોરની જેમ,પોતાની સવારીએ જોડીને,પોતાની સવારી ખેંચાવતો (કે તેમના પર સવારી કરતો) આ નહુષના છ પુત્રો હતા,

(યતિ,યયાતિ,સંયાતિ,આયાતિ,અયતિ,ધ્રુવ) કે જેમાં યતિ,યોગનો આશ્રય કરી બ્રહ્મજ્ઞ થઇ ગયો (24-31)


જયારે નહુષનો બીજો પુત્ર યયાતિ,સમ્રાટ થયો.તેણે પૃથ્વીનું પાલન કર્યું હતું ને ઘણા યજ્ઞો કર્યા હતા.

યયાતિને દેવયાનીથી યદુ ને તુર્વસુ,અને શર્મિષ્ઠાથી દ્રુહ્યુ,અનુ અને પુરુ -નામના પુત્રો થયા હતા (32-35)


યયાતિ,જયારે ઘડપણને પામ્યો ત્યારે,તેણે પોતાના પુત્રોને બોલાવીને કહ્યું કે-શુક્રાચાર્યના શાપથી મારો કામરૂપી

પુરુષાર્થ હણાઈ ગયો છે,તેથી હું ફરી યુવાન બનીને,કામભોગો ભોગવી વિહાર કરવા ઈચ્છું છું,તમે મને મદદ કરો,

તમારામાંથી એક,મને તમારું યૌવન આપો,ને મારા વૃદ્ધ શરીર વડે આપણું રાજ્ય ચલાવો,

કે જેથી,હું ફરી યુવાન બનીને નવા શરીરથી કામભોગો ભોગવું..(32-42)


યયાતિના યદુ-વગેરે મોટા ભાઈઓમાંથી કોઈ તેનું ઘડપણ લેવા તૈયાર થયા નહિ,ત્યારે,સહુથી નાના પુત્ર 

પુરુએ પિતાને,પોતાનું યૌવન આપ્યું ને પોતે પિતાની વૃદ્ધાવસ્થા લઈને રાજ્ય કરવા લાગ્યો.

અને યુવાનીને પામેલ યયાતિ,દીર્ઘકાળ સુધી.બે પત્નીઓ સાથે કુબેર વનમાં વિહાર કરવા લાગ્યો.(43-48)


વર્ષો સુધી કામભોગો ભોગવવા છતાં,યયાતિને કામતૃપ્તિ થઇ નહિ,ત્યારે તેને મનથી ગાથા ગાઈ હતી કે-

'ખરે જ,વિષયભોગના સેવનથી વિષયવાસના શમતી જ નથી,એ તો જેમ,ઘીથી અગ્નિ વધે છે,તેમ વધે જ જાય છે,

રત્નોથી ભરેલી પૃથ્વી,સુવર્ણ,ધન,સ્ત્રીઓ-વગેરે બધું એક મનુષ્યને મળે તો પણ તેને બસ થાય એમ નથી,

એટલે સંતોષ પામીને જ શાંતિ પામવી જોઈએ.પ્રાણીમાત્ર,જયારે મન-વચન ને કર્મથી,કોઈ પણ પાપ ન કરે,

ત્યારે જ તેને બ્રહ્મ(ઈશ્વર)ની પ્રાપ્તિ થાય છે,જયારે તેનાથી કોઈ બીતું નથી કે તે કોઈનાથી બીતો નથી,

અને જયારે તે કોઈ ઈચ્છા કે દ્વેષ કરતો નથી,ત્યારે જ તેને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે.'


હે રાજન,આમ તે બુદ્ધિમાને,કામની તુચ્છતા વિચારીને મનની સ્થિરતા મેળવી,અને પોતાના પુત્ર પુરુ પાસેથી 

પોતાનું ઘડપણ પાછું લઈને તેને યુવાની પછી આપી,તેને રાજતિલક કરીને કહ્યું કે-તું જ મારો વંશવર્ધનપુત્ર છે 

અને તેથી તારો વંશ પૌરવ-વંશને નામે આ લોકમાં ખ્યાતિ પામશે.(49-56)

હે રાજન,પછી,તે રાજાએ પુરુને ગાદીએ બેસાડીને,પોતે ભૃગુતુંગ પર્વત પર,તપ કરીને,લાંબો વખત રહ્યા,

ને પછી અનશનવ્રત કરી કાળધર્મ પામીને સ્વર્ગધામ ગયા (57-58)

અધ્યાય-75-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE