Jan 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-079

 
અધ્યાય-૮૫-પૂરૃનો રાજ્યાભિષેક અને યયાતિનું વનગમન 

II वैशंपायन उवाच II पौरवेणाय वयसा ययातिर्नहुमात्मजः I प्रितियुक्तो नृपश्रेष्ठश्चचर विषयान प्रियान्  II १ II

વૈશંપાયન બોલ્યા-પૂરુની યુવાની મેળવીને,તે યયાતિ વિષયભોગો ભોગવવા લાગ્યો.

યચેચ્છાએ,યોગ્ય ઉત્સાહે,કાળાનુસાર,સુખપૂર્વક અને ધર્મના અવિરોધે,ઉચિત રીતે તે વિષયસેવન કરવા માંડ્યો.

યજ્ઞોથી દેવોને,શ્રાદ્ધથી પિતૃઓને,દાનથી દીનોને,મનોરથપુર્તિથી બ્રાહ્મણોને,ખાનપાનથી અતિથિઓને,

પરિપાલનથી વૈશ્યોને,દયાથી શુદ્રોને,ઝાપટાથી ચોરડાકૂઓને અને ધર્મથી સર્વ પ્રજાને,પ્રસન્ન કર્યા (1-4)

વિષયભોગથી તે સુખ પામતો હતો,પણ આ યૌવન માત્ર હજાર વર્ષનું છે,એમ સ્મરણ થતાં તેને ખેદ થતો હતો.

તે કાષ્ઠા (અઢાર નિમેષ)તથા કલા (ત્રીશ કાષ્ઠા)ની પણ ગણતરી કરતો હતો.

યયાતિએ કદીક સુશોભિત નંદનવનમાં તો કદીક મેરુ પર્વતના શિખર પર,એમ હજાર વર્ષ સુધી,

વિશ્વાચી અપ્સરા સાથે રમણ કર્યું,પછી,તે રાજાને લાગ્યું કે-અવધિકાળ પુરી થયો છે,

ત્યારે તેણે પોતાના પુત્ર પૂરુને બોલાવીને કહ્યું કે-


'હે પુત્ર,તારા યૌવન વડે મેં,ઈચ્છા પ્રમાણે વિષયભોગો સેવ્યા છે,પણ સાચે જ 

કામવાસના વિષયોના ઉપભોગથી શમતી નથી,

પણ ઘી નાખવાથી જેમ અગ્નિ વધે છે તેમ વિષયોના સેવનથી તે કામવાસના,ઉલટી વધે જ જાય છે.


પૃથ્વીમાં જે ધાન્ય,સુવર્ણ,સ્ત્રીઓ-આદિ છે તે એક મનુષ્યને આપવામાં આવે તો પણ તેને તે, પૂરતાં લાગતા નથી.

તેથી તૃષ્ણાનો ત્યાગ કરવો જોઈએ.દુર્મતિવાળાઓને તે ત્યજવી કઠિન છે,પણ બૂઢાપો આવ્યા છતાં જે જીર્ણ થતી નથી,અને જે પ્રાણનાશક રોગ જેવી છે,તે તૃષ્ણાને છોડયે જ સુખ છે.મેં આસક્ત ચિત્તે વિષયો સેવ્યા છે અને મારાં હજાર વર્ષ પૂરાં થઇ ગયાં છે,તો એ મારી તૃષ્ણા પ્રતિદિન વધતી જ જાય છે.

તેથી હવે તે તૃષ્ણાને છોડીને,બ્રહ્મમાં ચિત્ત પરોવીને,દ્વંદ્વ ને મમત્વથી મુક્ત થઈને હું વનમાં જઈશ,

હે પુત્ર,હું તારા પર પ્રસન્ન છું,હવે તારું યૌવન પાછું લે અને રાજ્યનો સ્વીકાર કર,

તું જ મારો પ્રિયકર પુત્ર છે,તારું કલ્યાણ થાઓ.(5-17)


વૈશંપાયન બોલ્યા-પછી,યયાતિએ ફરીથી વૃદ્ધાવસ્થા સ્વીકારી અને પૂરુને યુવાની પછી આપી.

ને તેનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા આપી.ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે-'દેવયાનીનો પુત્ર યદુ,જ્યેષ્ઠ પુત્ર છે,

તો તેને ટાળીને સહુથી નાના પુત્રને રાજગાદી આપવી યોગ્ય ગણાય નહિ.તમે ધર્મનું રક્ષણ કરો'.


યયાતિ બોલ્યો-મારા પાટવી પુત્ર યદુએ મારી આજ્ઞાનું પાલન કર્યું નથી,જે પિતાથી પ્રતિકૂળ વર્તે છે,તેને સજ્જનો પુત્ર માનતા નથી.પૂરુએ વિશેષ કરીને મારુ વચન માન્ય રાખ્યું હતું,તેણે મારી વૃદ્ધાવસ્થા સ્વીકારી હતી,

મિત્રરૂપ થઈને તેણે મારી કામનાને પૂરી કરી છે,તેથી તે જ મારો વરસ છે,વળી,શુક્રાચાર્યે કહ્યું હતું કે-

'જે પુત્ર તારી આજ્ઞાનું પાલન કરે તે જ પૃથ્વીપતિ રાજા થાઓ' એટલે હું તેમાં મારી સંમતિ આપું છું (23-29)


બ્રાહ્મણો ને પ્રજાજનોએ પણ રાજાના આજ્ઞાંકિત પુત્ર તરીકે અને 'શુક્રાચાર્યનું  વરદાન છે' એમ સ્વીકારીને 

તે પૂરુનો રાજ્યાભિષેક કર્યો.ને [પછી,યયાતિએ વનવાસની દીક્ષા લીધી.ને નગરમાંથી બહાર નીકળ્યો.

હે રાજન,તે યદુના યાદવો થયા,તુર્વસુના યવનો કહેવાયા,દ્રુહ્યુના ભોજો થયા અને અનુના મલેચ્છો થયા.

પૂરુનો 'પૌરવ વંશ' ચાલ્યો,જે વંશના તમે,હજારો વર્ષ સુધી રાજ્ય કરવા જન્મ્યા છો (30-35)

અધ્યાય-85-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE