Jan 30, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-081

 
અધ્યાય-૮૮-યયાતિનું સ્વર્ગમાંથી પતન 

II इन्द्र उवाच II सर्वाणि कर्माणि समाप्य राजन गृहं परित्यज्य वनं गतोSसी I 

तस्यां पृच्छामि नहुसष्य पुत्र केनासि तुल्यस्तपसा ययाते  II १ II

ઇન્દ્ર બોલ્યો-તમે સર્વ કર્મો સમાપ્ત કરીને,અને ઘર ત્યજીને વનમાં ગયા હતા,

તો હે નહુષપુત્ર યયાતિ,હું તમને પૂછું છું કે-તમે તપસ્યામાં કોને તોલે હતા?

યયાતિ બોલ્યો કે-હે ઇન્દ્ર,દેવો,મનુષ્યઉ,ગંધર્વો અને મહર્ષિઓમાં.કોઈને પણ હું તપમાં મારા તુલ્ય જોતો નથી.

ઇન્દ્ર બોલ્યો-હે રાજન,તમારા જેવા,તમારાથી શ્રેષ્ઠ અને તમારાથી ઉતરતા એવાઓનો પ્રભાવ જાણ્યા વિના,

તમે એમનો અનાદર કરો છો,તેથી તમારા આ સ્વર્ગલોકના વાસની અવધ આવી ગઈ છે.

તમારા પુણ્યનો ક્ષય થતાં,તમે આ દેવલોકમાંથી ભ્રષ્ટ થઈને ભૂલોકમાં નીચે પડશો.(1-3)

યયાતિ બોલ્યો-હે ઇન્દ્ર,જો મારા સ્વર્ગલોકનો અંત આવતો હોય તો હું સજ્જનોની મધ્યે પાડવા ઈચ્છું છું.

ઇન્દ્ર બોલ્યો-તેમ જ થશે ને તમે ત્યાં ફરીવાર પ્રતિષ્ઠા પામશો.હે યયાતિ,તમે આજની વાતનું સમરણ રાખીને,

ફરીથી તમારા સમોવડિયા કે ચડિયાતાનું કદી અપમાન કરશો નહિ (4-5)


આમ,સ્વર્ગલોકને છોડીને,જયારે યયાતિ નીચે પડતો હતો,ત્યારે રાજર્ષિશ્રેષ્ઠ અષ્ટકે તેને જોઈ કહ્યું કે-

ઇન્દ્ર જેવા રૂપવાળા,સ્વતેજથી ઝળકતા,આકાશ ચારીઓમાં શ્રેષ્ઠ સૂર્ય જેવા તમે કોણ નીચે પડી રહ્યા છો?

તમને જોઈને અમે મોહિત થયા છે ને સૌ તર્કો કરવા મંડયા છીએ કે આ ખરેખર કોણ નીચે પડતો હશે?

અમે તમારા નીચે પડવાનું કારણ જાણવાની ઈચ્છાથી દોડી આવ્યા છીએ.તમે કોના પુત્ર છો?

હે ઇન્દ્ર જેવા પ્રભાવવાળા તમારો ભય દૂર થાઓ,અહીં,સંતોની સમીપ રહેલાને,ઇન્દ્ર પણ સતાવી શકે તેમ નથી.

સુખથી વિમુખ થયેલા સજ્જનો માટે,સંતો જ પ્રતિષ્ઠારૂપ છે,તમે હવે સંતોમાં જ સ્થાન પામ્યા છો.

જેમ,તાપ આપવામાં અગ્નિ એ પ્રભ છે,જેમ,સંગ્રહમાં પૃથ્વી એ પ્રભુ છે ને 

જેમ પ્રકાશ આપવામાં સૂર્ય એ પ્રભુ છે,તેમ સજ્જનોમાં,અભ્યાગત એ પ્રભુ છે (7-13)

અધ્યાય-88-સમાપ્ત 


અધ્યાય-૮૯-યયાતિએ કરેલું પરલોક-આદિનું વર્ણન 


II ययातिरुवाच II अहं ययतिर्नहुस्य पुत्रः पूरोः पिता सर्वभृतावमानात I 

प्रभ्रंशितः सुरसिध्दर्पिलोकात परिच्युतः प्रपताम्यल्य पुण्यं  II १ II

યયાતિ બોલ્યો-હું નહુષનો પુત્ર અને પૂરુનો પિતા છું,સર્વ પ્રાણીઓનો અનાદર કરવાથી,હું દેવો,સિદ્ધિ અને ઋષિઓના લોકમાંથી ભ્રષ્ટ થયો છું.આમ,અલ્પ પુણ્યવાળો થઈને હું નીચે પડી રહ્યો છું,તમારાથી હું ઉંમરમાં 

મોટો છું,આથી મેં તમને નમસ્કાર કર્યા નથી.જે વિદ્યા,તપ કે જન્મથી વૃદ્ધ છે તે જ દ્વિજોમાં પૂજ્ય છે.(1-2)

અષ્ટક બોલ્યો-હે રાજન,તમે જે કહ્યું કે-ઉંમરમાં મોટો હોય તે જ પૂજ્ય ગણાય પરંતુ,જે વિદ્યા અને તપમાં 

વૃદ્ધ છે તે જ દ્વિજોમાં વિશેષ પૂજનીય ગણાય છે,માત્ર વયમાં મોટો હોય તે નહિ (3)


યયાતિ બોલ્યો-વિદ્વાનો કહે છે કે-વિદ્યા અને તપ-આદિ કર્મોનો અહંકાર-એ નરક ઉપજાવનારું પાપ છે.

એ અહંકાર અનમ્ર મનુષ્યોમાં વર્તે છે,સજ્જનો,એ અહંકારી અસાધુઓને અનુસરતા નથી.

મારી પાસે,ઘણું પુણ્ય-ધન હતું,તે મારા અહંકારથી જ નાશ પામ્યું છે.

આ વિચાર કરીને,જે મનુષ્ય આત્મહિતમાં જ તત્પર રહે છે,તે જ જ્ઞાની અને ધીર મનુષ્ય છે.


જે મહાધનવાન,સારાસારા યજ્ઞોથી યજન કરે છે,જે સર્વ વિદ્યાઓમાં વિનમ્ર બુદ્ધિવાળો રહે છે,

અને જે,વેદોનું અધ્યયન કરીને દેહને તપ સાથે જોડે છે,તે મોહમુક્ત પુરુષ સ્વર્ગલોકને પામે છે.

તેથી,ઘણા ધનથી હરખાઈ ન જવું,ને વેદોનું અધ્યયન કરવું પણ અહંકારી ન બનવું.


ધીર પુરુષે,પોતાની બુદ્ધિપૂર્વક,દૈવને બળવાન માનવું અને સુખદુઃખ આવી પડતાં,હર્ષશોક કરવો નહિ.

તેણે તો,સુખ-દુઃખ બંનેમાં સમાનભાવે વર્તવું.દૈવ બળવાન છે,એમ માનીને,ક્યારેય ચિંતા સેવવી નહિ કે ક્યારેય આનંદિત થઇ ફુલાઈ જવું નહિ.હે અષ્ટક,'વિધાતા મને આ લોકમાં જેમ મુકશે,તેમ મારે અવશ્ય રહેવાનું છે'

એમ સમજીને હું ભયમાં કદી મૂંઝાતો નથી અને મનમાં કશો સંતાપ પામતો નથી.

આ જગતનાં સર્વ પ્રાણીઓ,પોતાનાં પાપ-પુણ્યથી ક્ષીણ થતા પોતાની મૂળ પ્રકૃતિને પામે છે.

હે અષ્ટક,સુખદુઃખની અનિત્યતા જાણ્યા પછી મારે સંતાપ કેવો? 'હું શું કહ્યુકે મને સંતાપ થાય નહીં?'

એ વિચારીને હું સાવધાનીથી સંતાપને અળગો (દૂર) રાખું છું. (4-12)


અષ્ટક બોલ્યો-હે રાજેન્દ્ર,તમે જે જે મુખ્ય લોકોને જેટલાજેટલા વખત સુધી ભોગવ્યા છે તે યથાર્થ રીતે કહો 

યયાતિ બોલ્યો-હું અહીં (ભૂલોકમાં) હજાર વર્ષ સુધી ચક્રવર્તી હતો,ત્યાંથી ચડિયાતા લોકમાં ગયો.

સો યોજનના વિસ્તારવાળી અને હજાર દ્વારવાળી,ઇન્દ્રની નગરીમાં હું હજાર વર્ષ રહ્યો.અને ત્યાંથી ફરી હું તેનાથી ચડિયાતા લોકને પામ્યો.લોકોના પતિ-પ્રજાપતિના દિવ્ય,અજર અને દુષ્પ્રાપ્ય એવા લોકમાં હજાર વર્ષ રહ્યો.

પછી,ત્યાંથી શ્રેષ્ઠત્તર લોકમાં ગયો.તે દેવાધિદેવના સ્થાનમાં ઈશ્વરના જેવી કાંતિ પામીને,સમસ્ત દેવોનો સત્કાર પામીને રહ્યો.હું મનમાન્યા રૂપો લઈને અપ્સરાઓ સાથે વિહાર કરતો,નંદનવનમાં દશ લાખ વર્ષ રહ્યો.(13-21)


દેવોના સુખમાં હું આમ,આસક્ત થઇ રહ્યો હતો,ત્યારે એક  દેવદૂતે આવી મને ત્રણ વાર ઊંચા સ્વરે  કહ્યું કે 'તું પડ'

હે રાજર્ષિ,આટલું જ હું જાણું છું.પછી,હું અલ્પ પુણ્યવાળો બની,નંદનવનથી ભ્રષ્ટ થયો.

ત્યારે મેં દેવદૂતને પૂછ્યું હતું કે-'કેમ કરીને હું સંતોની મધ્યે પડું?' ત્યારે મને તમારી આ યજ્ઞભૂમિ બતાવી હતી,

એટલે,યજ્ઞના હવિની ગંધને અનુસરીને હું ત્વરાએ અહીં આવી પહોંચ્યો છું (22-27)

અધ્યાય-89-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE