Jan 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-082

 
અધ્યાય-૯૦-યયાતિ ચરિત્ર-પુનર્જન્માદિ વિચાર 

II अष्टक उवाच II यदाSवसो नन्दने कामरूपी संवत्सराणांयुतं शतानाम I 

किं कारणं कार्तयुग प्रधान हित्वा च त्वं वसुधामन्वपद्यः  II १ II

અષ્ટક બોલ્યો-હે સત્વયુગપ્રધાન,તમે યથેચ્છરૂપે નંદનવનમાં દશલાખ વર્ષ રહ્યા,

તો શા કારણે તે છોડીને તમે  પૃથ્વીને પામ્યા? (1)

યયાતિ બોલ્યો-જેમ,આ લોકમાં,ધનમાં ક્ષીણ થાય છે ત્યારે,સગો,મિત્ર,સ્વજન તેને છોડી દે છે,

તેમ ત્યાં એ મનુષ્ય પુણ્યથી ક્ષીણ થાય ત્યારે ઐશ્વર્યવાન દેવો તેને તરત જ ત્યજી દે છે (2)

અષ્ટક બોલ્યો-ત્યાં,મનુષ્યો,કેવીરીતે ક્ષીણ-પુણ્ય થાય છે? તે વિષે મારુ મન ગૂંચાય છે.

વળી,કયા વિશિષ્ટ જનો બ્રહ્મધામને પામે છે?તે મને કહો,મારે માટે તમે જ્ઞાનવાન છો (3)

યયાતિ બોલ્યો-તે સર્વ અહંકારી ને બડાશખોરો,ક્ષીણપુણ્ય થતા આ 'ભૂમિ-રૂપી-નરક' માં આવી પડે છે.

અને કાગડા,શિયાળ આદિનું ભોજન બને છે,આથી એ લોકમાં નિંદ્ય અને દુષ્ટ કર્મોનો ત્યાગ કરવો.

હે રાજર્ષિ,મેં તમને સર્વ કહ્યું,કહો હવે બીજું શું કહું? (4-5)


અષ્ટક બોલ્યો-જયારે કાગડા,શિયાળ આદિ તે મનુષ્યને ખાઈ જાય છે,ત્યારે તે શરીર નષ્ટ થવા છતાં,

'તે છે' એમ કેમ કહેવાય?તેઓ ફરીથી કેવી રીતે ઉતપન્ન થાય? વળી,મેં 'ભૂમિ-રૂપી-નરક' સાંભળ્યું નથી.


યયાતિ બોલ્યો-દેહ પડયા પછી,જીવો કર્મો ને વાસના અનુસાર,ફરી માતાના ગર્ભમાં વિકાસ પામતા દેહને પામે છે.

ને પૃથ્વી પર પ્રગટ રીતે વિચરે છે અને આ ભૌમ નરક (ભૂમિ-રૂપી-નરક)માં પડે છે.આ જન્મ-આદિ ભૌમ નરક છે.કેમ કે નિષ્ફળ વહી જતાં અનેક વર્ષોને તે જોતા નથી.સ્વર્ગમાં સાઠ કે એંસી હજાર વર્ષ સુધીને રહીને નીચે 

ભૂમિ પર પતન પામતા,પુરુષને,તીક્ષ્ણ દાઢવાળા ભયંકર રાક્ષસો પીડે છે.


અષ્ટક બોલ્યો-જો રાક્ષસો તેને પીડે છે તો તે જીવિત કેવી રીતે રહે છે? 

તેઓ ફરીથી કેવી રીતે ઇન્દ્રિયયુક્ત થાય છે? તેઓ કેવી રીતે ગર્ભયુક્ત થાય છે?

યયાતિ બોલ્યો-સ્વર્ગભ્રષ્ટ થનારાનું શરીર દુઃખથી અશ્રુ-રૂપ થઇ જળ-મય થાય છે.

એ જળ સૂક્ષ્મભૂત તરીકે રહે છે,ને પછી ઈશ્વરની પ્રેરણાથી,એ જળ,પુરુષનું વીર્ય બની સ્થૂળ દેહબીજ બને છે 

કે જે સ્ત્રીગર્ભમાં જઈ રજને મળે છે,કે જેથી તે ગર્ભ-રૂપને પામે છે.

(હકીકતમાં) તે  (અશ્રુ)જળ,આકાશ-વાયુ-આદિ પંચમહાભૂતોમાં પ્રવેશે છે,ને પછી,તે વનસ્પતિ ને ઔષધોમાં

 વ્યાપે છે,કે જેનું સેવન પ્રાણીઓ કરે છે,એટલે કે તેનામાં તે પ્રવેશે છે,ને પુરુષનું વીર્ય અને સ્ત્રીની રજ બને છે.

ને છેવટે તે બંનેનું મિલન થતાં,(તે અશ્રુજળ) ગર્ભભાવને પામે છે (નવું શરીર બને છે) (6-11)


અષ્ટક બોલ્યો-નર-યોનિને પામતો જીવ,શું પોતાના સૂક્ષ્મ શરીરે જ ગર્ભમાં જાય છે કે પછી ગર્ભમાં 

તે બીજું જ પોતાનું ભૌતિક સ્વરૂપ ધારણ કરે છે? આ હું સંશયને લીધે પૂછું છું,તો તે મને કહો.

જીવોનો શરીરભેદ,અને શરીરની વૃદ્ધિ શાથી થાય છે?શાથી તેઓ કાન-નાક-આદિ સંજ્ઞાઓ પ્રાપ્ત કરે છે?

યયાતિ બોલ્યો-ઋતુકાળમાં વાયુ-એ રસથી યુક્ત વીર્યને ગર્ભસ્થાન તરફ ખેંચી જાય છે,

ત્યાં તે વાયુ,ક્રમેક્રમે તે ગર્ભનું સંવર્ધન કરે છે,પછી સંપૂર્ણ આકાર પામેલો તે સંજ્ઞા મેળવીને મનુષ્ય-રૂપે જન્મે છે.

હવે તે,તે કાનથી સાંભળે છે,આંખથી રૂપ જુએ છે,નાકથી ગંધ લે છે,જીભથી રસ ચાખે છે ને મનથી ભાવ જાણે છે.

હે અષ્ટક,જીવનું અહીં લિંગ શરીરમાં આવવું (સૂત્રાત્મા એવા) વાયુથી શક્ય બને છે એમ જાણ.(14-16)


અષ્ટક બોલ્યો-મરણ પામેલા પુરુષને બાળવામાં કે દાટવામાં આવે છે,એટલે કે તે વિનાશ પામે છે,

તો પછી તે કયે શરીરે સ્થૂળદેહને ચેતનયુક્ત કરે છે?

યયાતિ બોલ્યો-હે રાજર્ષિ,તે જીવાત્મા,મૃત્યુકાળે અગ્ર-વાયુને અનુસરીને,નિંદ્રિતની જેમ સ્થૂળદેહને છોડીને,

સુકૃત ને દુષ્કૃત (પાપ-પુણ્ય)ને આગળ રાખી,એક વિશેષ શબ્દ (નાદ) કરતો,બીજી યોનિને પામે છે.

પુણ્ય કરનારાઓ પુણ્યયોનિને પામે છે ને પાપ કરનારાઓ પાપયોનિમાં જાય છે.આ રીતે પ્રાણીઓની 

ઉત્પત્તિ અને નાશ છે,આ વિષે વધુ કહેવાનું,અહીં રહેતું નથી,હવે તમને કોઈ પ્રશ્ન છે? (17-20)


અષ્ટક બોલ્યો-હે તાત,વિદ્યા અથવા તપ-એ બેમાંથી કયું કરીને મનુષ્ય શ્રેષ્ઠ લોકને પામે છે?

એટલે કે-જે ક્રમથી શુભ લોકોમાં જઈ શકાય,તે વિષે યથાર્થ રીતે કહો 

યયાતિ બોલ્યો-તપ,દાન,શામ,દમ,(અકાર્યમાં) લજ્જા,સરળતા ને (પ્રાણીમાત્ર પ્રત્યે) અનુકંપા -

આ સાત,મનુષ્યને માટે સ્વર્ગલોકનાં મહાદ્વાર છે-એમ સંતો કહે છે,

પણ,મનુષ્ય,જો અહંકારના અંધારાથી ઘેરાઈ જાય તો તેનો નાશ નક્કી છે.તેનું કોઈ સ્થાન નથી.

વેદ-અધ્યયન કરીને જે મનુષ્ય,પોતાને પંડિત માને છે,ને પોતાની વિદ્યા વડે પારકાનો યશ હણે છે,

તેને (સ્વર્ગ આદિ) શુભલોકો મળતા નથી,અહંકારને લીધે,તે વેદજ્ઞાન પણ તેને ફળ આપતું નથી.


અગ્નિહોત્ર,મૌનવ્રત,અધ્યયન અને યજ્ઞ-એ ચાર કર્મો સંસારના ભયને ટાળનારાં છે,પણ 

આ કર્મો,જો અહંકારપૂર્વક કરવામાં આવે તો,તે કર્મો વિપરીત થઇ તેને ભયકારી થાય છે.

સત્કાર મળતાં આનંદ પામવો નહિ અને અપમાન મળ્યે સંતાપ કરવો નહિ.

આ લોકમાં સંતો જ સંતોને પૂજે છે,અસાધુઓને સાધુબુદ્ધિ મળતી જ નથી.


'આ મેં દાન કર્યું,આ મેં યજ્ઞો કર્યા,આ મેં વ્રત કર્યું,આ મેં અધ્યયન કર્યું' એવી એવી ડંફાશો,મનુષ્યને માટે ભયરૂપ થાય છે એમ વિદ્વાનો કહે છે,તેથી તે બડાશોને ત્યજવી.જે મનુષ્ય,અહંકાર ત્યજી,સનાતન બ્રહ્મત્વનો સાક્ષાત્કાર કરે છે,તે આ લોકમાં ને પરલોકમાં પરમ શાંતિ ને પામે છે એન તે જ તમારું શ્રેય છે.(21-27)

અધ્યાય-90-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE