Feb 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-083

 
અધ્યાય-૯૧-યયાતિ ચરિત્ર-આશ્રમધર્મો 

II अष्टक उवाच II चरन् गृहस्थः कथमेति धर्मान कथं भिक्षुः कथमाचार्यकर्मा I 

वानप्रस्थः सत्यथे सन्निविष्टो यहुन्यस्मिन् संप्रति वेदयंति II १ II

અષ્ટક બોલ્યો-બ્રહ્મચારી,ગૃહસ્થી,વાનપ્રસ્થી અને સંન્યાસી-(એ ચાર આશ્રમોવાળા) કયા ધર્મો આચરે,

તો તે ઉત્તમ લોકને પામે? અત્યારે તો આ ધર્મો સંબંધમાં વેદવેત્તાઓ જુદીજુદી રીતે કહે છે.(1)

યયાતિ બોલ્યો-ગુરુ જે પાઠ બોલાવે તે પાઠ બોલે (કે ભણે),જે,ગુરુનું કામ,કહ્યા વિના પણ સાવધાન રહી કરે,

જે,ગુરુથી વહેલો ઉઠે ને ગુરુથી મોડો સુએ,જે મૃદુ છે,જે ઇન્દ્રિયજિત છે,જે ધૃતિવાળો છે,જે પ્રમાદથી મુક્ત છે,

અને જે,સ્વાધ્યાયમાં તત્પર છે,તે બ્રહ્મચારી (બ્રહ્મચર્યાશ્રમમાં) સિદ્ધિ પામે છે.(ગૃહસ્થાશ્રમમાં) ગૃહસ્થ,ધર્મ અનુસાર ધન કમાઈને યજ્ઞ કરે,દાન કરે,અતિથિઓને જમાડે,અને કોઈના આપ્યા વિના કશું લે નહિ.


(વાનપ્રસ્થાશ્રમમાં) વનવાસી,પોતાની શક્તિથી જ જીવિકા ચલાવે,પાપથી દૂર રહે,દાન આપે,બીજાને 

પીડા ન પહોંચાડે,અને ચેષ્ટા તથા આહારમાં નિયમિત રહે,તો તેને વાનપ્રસ્થ સિદ્ધ થાય છે.

(સન્યાશ્રમમાં) સન્યાસી તે જ છે કે-જે,કોઈ ધંધાથી આજીવિકા કરતો નથી,જે સર્વ રીતે વિરક્ત છે,

જે ગૃહસ્થના સ્થાન સિવાય બીજે સૂએ છે,જે અલ્પપરિગ્રહી છે,ને જે ચાલીને અનેક દેશમાં વિચરે છે.


જે ઘડીએ,શબ્દળી વિષયો તુચ્છ લાગી જાય,સુખદાયી સર્વ વસ્તુઓની વ્યર્થતા સમજાઈ જાય,

(એટલે કે વૈરાગ્ય જાગે) તે ઝઘડીએ વિદ્વાન મનુષ્યે,સંયમ સેવીને અરણ્યવાસ કરવો.

આવો અરણ્યવાસી થયેલો મનુષ્ય,પોતાના શરીર અને ઇન્દ્રિયોને છોડીને,પોતાનાથી આગળના દશ,

પાછળના દશ અને પોતાને-એમ એકવીસ પુરુષોને પરબ્રહ્મમાં લીન કરે છે (2-7)


અષ્ટક બોલ્યો-મુનિઓ કેટલા પ્રકારના છે?કેટલા પ્રકારના મૌનવ્રતીઓ છે? તે વિષે કહો 

યયાતિ બોલ્યો-અરણ્યમાં એવા છતાં,જેને ગામની વસ્તુઓ સમીપ છે,

ને ગામમાં વસવા છતાં,જેને,અરણ્યની વસ્તુઓ સમીપ  છે,તે મુનિ છે.

અષ્ટક બોલ્યો-વસ્તુઓની આવી સમીપતા કેવી રીતે શક્ય બને? (8-10)


યયાતિ બોલ્યો-અરણ્યવાસી મુનિ,ગ્રામવિષયક વસ્તુઓને એકઠી કરતો નથી,,તેને,તો તે સર્વ વસ્તુઓ યોગબળથી જ આવીને મળે છે.ગૃહત્યાગ કરેલો જે અનગ્નિ મુનિ છે,જે,પોતાના ગોત્ર કે વિદ્યાગુરુ વિશે મૌન સેવે છે,

જે વસ્ત્ર ઈચ્છે તો લજ્જા ઢાંકવા પૂરતું કોપીન જ ઈચ્છે છે,જે પ્રાણ ટકાવી રાખવા પૂરતું જ ભોજન ઈચ્છે છે,

તે ભલે ગામમાં વસે,પણ અરણ્યની સિદ્ધિ તેની પાસે જ આવીને મળે છે.


જે મુનિ,કામનાઓને ત્યજીને,સર્વ કર્મોને ત્યાગીને,જિતેન્દ્રિય થઈને,મૌનવ્રતમાં સ્થિર રહે છે,તે આ લોકમાં 

સિદ્ધિ પામે છે.જે,સદૈવ વિશુદ્ધ આહાર કરે છે,જેણે હિંસાના સાધનો ત્યજ્યાં છે,જે નિર્મલ ચિત્ત છે,

જે શમ-દમ-આદિથી વિભૂષિત છે,જે વાસનાના બંધનોથી મુક્ત છે,તેને કોણ ન પૂજે?


તપથી જે કૃશ થયો છે ને મૌનવ્રતથી જેણે દ્વંદ્વોને જીત્યા છે,તે આ લોકને જીતીને પરલોકને પણ જીતે છે.

જે,(ઇન્દ્રિયજિત) સ્વાદને ખોળતો નથી,તેને આ સર્વલોક અમૃતમય થઇ જાય છે.(11-18)

અધ્યાય-91-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE