Feb 5, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-087

 
અધ્યાય-૯૫-પૂરુવંશનું વિશિષ્ટ વર્ણન (મહાભારતનાં પાત્રો)

II जनमेजय उवाच II श्रुतस्तवतो मया ब्रह्मन् पूर्वेषां संभवो महान् I उदाराश्वापि वंशेSस्मिन् राजानो मे परिश्रुताः II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,તમારી પાસેથી,મેં પૂર્વ (પૂરૂવંશના) પુરુષોની જન્મવાર્તા ને એ વંશમાં થયેલા રાજાઓ વિશે સાંભળ્યું,પણ એ આખ્યાન સંક્ષિપ્ત અર્થમાં હોઈ મને પૂરી તૃપ્તિ આપતું નથી.તો તમે મને પ્રજાપતિથી માંડીને મનુની એ દિવ્યકથા ફરીથી કહો.આ પાવનકારી કથા સાંભળતાં મને તૃપ્તિ થતી નથી (1-5)

વૈશંપાયન બોલ્યા-હે રાજન,વ્યાસજી પાસેથી સાંભળેલું,તમારા શુભ વંશની ઉત્પત્તિનું વર્ણન હું ફરીથી તમને કહું છું તે તમે સાંભળો.દક્ષથી અદિતિ,અદિતિનો વિવસ્વાન,વિવસ્વાનનો મનુ,માનુની ઈલા,ઈલાથી પુરુરવા,

પુરુરવાથી આયુ.આયુથી નહુષ.અને નહુષથી યયાતિ થયા.યયાતિને દેવયાની ને શર્મિષ્ઠા-બે પત્નીઓ હતી.(6-7)

દેવયાનીએ યદુ અને તુર્વસુને જન્મ આપ્યો,શર્મિષ્ઠાએ દ્રુહ્યુ,એનું અને પૂરુ ને જન્મ આપ્યો,એમાં યદુના યાદવો 

અને પૂરુના પૌરવો (પૂરુઓ) થયા.પૂરુને,કૌશલ્યા નામની સ્ત્રીથી જન્મેજય થયો હતો (10-11)


જન્મેજયને (માધવવંશી કન્યા) અનંતા નામની સ્ત્રીથી પ્રાચિન્વાન નામે પુત્ર થયો હતો.

પ્રાચિન્વાનને,(યાદવવંશી કન્યા) અશ્મકી નામની સ્ત્રીથી,સંયાતિ નામે પુત્ર થયો હતો.

સંયાતિ ને (દશદવાનની કન્યા) વરાંગીથી અહંયાતિ નામે પુત્ર થયો હતો.

અહંયાતિને,(કૃતવીર્યની કન્યા) ભાનુમતીથી સાર્વભૌમ નામે પુત્ર થયો હતો.

સાર્વભૌમને,(કેકય કુમારી)સુવર્ણાથી જયત્સેન નામે પુત્ર થયો હતો.

જયત્સેનનો પુત્ર અવાચીન,અવાચીનનો પુત્ર અરિહ,અરિહનો પુત્ર મહાભૌમ,મહાભૌમનો પુત્ર અયુતનાયી,

અયુતનાયીનો પુત્ર અક્રોધન,અક્રોધનનો પુત્ર દેવાતિથિ,દેવાતિથિનો પુત્ર અરિહ,અરિહનો પુત્ર રુક્ષ,

રુક્ષનો પુત્ર મતિનાર,મતિનારનો પુત્ર તંસુ,તંસુનો પુત્ર ઇલિન  નામે થયો હતો.(12-27)


ઇલિનને,રથંતરી નામની સ્ત્રીથી દુષ્યંત-આદિ પાંચ પુત્રો થયા હતા.આ દુષ્યંત,વિશ્વામિત્રની પુત્રી શકુંતલા સાથે પરણ્યો હતો,ને તેમાં તેને ભરત નામે પુત્ર થયો હતો.દુષ્યંતે 'આ ભરત મારો પુત્ર નથી' એમ કહી તેને અપનાવવાનો ઇન્કાર કર્યો ત્યારે દેવ-વાણી થઇ હતી કે-'માતા તો ચર્મકોશ છે,પિતા જ પુત્રરૂપે જન્મે છે,ભરત તારો જ પુત્ર છે,

શકુન્તલાનું કહેવું સાચું છે,તેનું અપમાન કર નહિ ને આ પુત્રનું તું ભરણ કર'

દેવોએ 'ભરણ કર' એમ કહ્યું હતું તેથી તે દુષ્યંતના પુત્રનું નામ 'ભરત' પડ્યું હતું. (28-31)


ભરતનો પુત્ર ભુમન્યુ,ભુમન્યુનો પુત્ર સુહોત્ર.સુહોત્રનો પુત્ર હસ્તી (જેણે હસ્તીનાપુર વસાવ્યું હતું)

હસ્તીનો પુત્ર વિકુંઠન,વિકુંઠનનો પુત્ર અજમીઢ,અજમીઢનો પુત્ર સંવરણ,સંવરણનો પુત્ર કુરુ,કુરુનો પુત્ર વિદૂરથ,

વિદૂરથનો પુત્ર અનશ્વા,અનશ્વાનો પુત્ર પરીક્ષિત,પરીક્ષિતનો પુત્ર ભીમસેન,ભીમસેનનો પુત્ર પ્રતિશ્ર્વા,

પ્રતિશ્ર્વાનો પુત્ર પ્રતીપ,ને પ્રતીપનો પુત્ર શાન્તનુ તરીકે પ્રખ્યાત થયો હતો.(32-46)

(નોંધ-આ શાન્તનુના પુત્રોથી મહાભારતની કથાની શરૂઆત થઈને આ કથા પ્રખ્યાત થઇ છે)


શાન્તનુ રાજાને,ભગીરથ-પુત્રી ગંગાથી દેવવ્રત (ભીષ્મ) થયો હતો.ભીષ્મે,પિતાનું પ્રિય કરવાની ઈચ્છાથી,

પોતાના પિતાનાં સત્યવતી (ગંધકાલી) સાથે લગ્ન કરાવ્યા હતા.(ને પોતે જીવનપર્યંત બ્રહ્મચર્યવ્રત લીધું હતું)

તે સત્યવતીને કુમારી અવસ્થામાં અગાઉ પરાશરમુનિથી દ્વૈપાયન (વ્યાસજી) નામે પુત્ર થયો હતો.

ને શાન્તનુથી વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ નામે બે પુત્રો થયા હતા,(ચિત્રાંગદ ગાંધર્વ લડાઈમાં મરી ગયો હતો) 

વિચિત્રવીર્યે,કાશીરાજની અંબિકા અને અંબાલિકા-નામની બે કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા,(47-51)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE