Feb 4, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-086

 
અધ્યાય-૯૪-પૂરુ(પૌરવ)વંશનું વર્ણન 

II जनमेजय उवाच II भगवन् श्रोतुमिच्छामि पूरोवंशकरानृपान I यद्विर्यान यादशांश्वापि यावतो यत्पराक्रमान् II १ II

જન્મેજય બોલ્યા-હે ભગવન,પૂરૂવંશ ચલાવનારા રાજાઓ વિષે હું સાંભળવા ઈચ્છું છું.તેઓ કેવા હતા?

કેવા વીર્યવાન ને પરાક્રમી હતા? કેટલા હતા? તેમનામાં કોઈ રાજા શીલ વિનાનો કે નિઃસંતાન થયો નથી,

તો તે પ્રસિદ્ધ ચારિત્ર્યવાળા રાજાઓના ચરિત્રને હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું (1-3)

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પૂરુની,પૌષ્ટી નામે રાણીમાં પ્રવીર,ઈશ્વર અને રૌદ્રાક્ષ પુત્રો થયા,

જેમાં પ્રવીર વંશધર થયો.પ્રવીરને શૂરસેનીથી મનસ્યુ નામે પુત્ર થયો કે જેને 

સૌવીરી નામની સ્ત્રીથી.શક્ત,સંહનન,અને વાગ્મી એવા ત્રણ પુત્રો થયા.

રૌદ્રાક્ષને મિશ્રકેશી અપ્સરાથી દશ પુત્રો થયા,કે જેઓમાં ઋચેશુ (અનાધૃષ્ટિ) ને 

મતિનાર નામે પુત્ર હતો.તે મતિનારને ચાર પુત્રો (તંસુ-મહાન-અતિરથ-દ્રુહ્યુ) થયા (4-14)


તેમાં,તંસુ પૂરૂવંશને ધારણ કરનાર હતો,કે જેને ઇલિન નામનો પુત્ર હતો,કે જેને સમસ્ત પૃથ્વી જીતી હતી.

આ ઇલિનને,રથન્તરી નામની સ્ત્રીથી પાંચ પુત્રો (દુષ્યંત-શૂર-ભીમ-પ્રવસુ-વસુ) થયા હતા,

જેમાં દુષ્યંત શ્રેષ્ઠ હતો,કે જેને શકુંતલાથી ભરત નામે પુત્ર થયો હતો,તેનાથી ભરતવંશનો યશ ફેલાયો (15-19)


ભરતે,પોતાની ત્રણ સ્ત્રીઓથી નવ પુત્રો જન્માવ્યા હતા,પણ,જયારે તેણે 'તે પુત્રો મારા જેવા નથી' એમ કહ્યું,

ત્યારે ક્રોધિત થયેલી તે માતાઓએ પોતાના પુત્રોને મારી નાખ્યા.તેથી ભરતની પુત્રોત્પત્તિ વ્યર્થ ગઈ.

પછી,મોટા યજ્ઞોથી યજન કરનારા,ભરતને ભારદ્વાજ ઋષિથી ભુમન્યુ પુત્ર થયો,જેને રાજ્ય મળ્યું. (20-23)

ભુમન્યુને પુષ્કરણી નામની સ્ત્રીથી પાંચ પુત્રો થયા,જેમાં જ્યેષ્ઠ પુત્ર સુહોત્રને રાજ્ય મળ્યું.

સુહોત્રથી ઐક્ષ્વાકી નામની સ્ત્રીએ ત્રણ પુત્રોનો જન્મ આપ્યો,જેમાં જ્યેષ્ઠ અજમીઢ રાજા થયો.


અજમીઢ ની ત્રણ સ્ત્રીઓ પૈકી,ધુમિનીથી રુક્ષ,નીલીથી દુષ્યંત ને પરમેષ્ઠી,અને કેશિનીથી જહનુ-વ્રજન-ઋષિણ 

નામના (છ) પુત્રો થયા.તેમાં દુષ્યંત ને પરમેષ્ઠિના પુત્રો પાંચાલો થયા અને જહનુના વંશજો કુશિક થયા.

જ્યેષ્ઠ રુક્ષ ને સંવરણ નામે વંશવર્ધક પુત્ર જન્મ્યો હતો,(24-34)


આ સંવરણના શાસન દરમિયાન,અનાવૃષ્ટિ,રોગ,મૃત્યુ આદિને લીધે,પ્રજાનો મહાન ક્ષય થયો હતો,

શત્રુઓએ યુદ્ધમાં તેને જીતી લીધો,ત્યારે તે ભયને લીધે,સ્ત્રી-પુત્રો સાથે વનની ઝાડીઓમાં જઈને વસ્યો.

એમ,ભરતવંશીઓ તે દુર્ગમ સ્થાનના આશ્રયે લાંબા કાળ સુધી વસ્યા હતા,ત્યારે વસિષ્ઠ ઋષિ ત્યાં પહોંચ્યા,

તેમનો સત્કાર કરીને,સંવરણે,તેમને કહ્યું કે-'આપ અમારા પુરોહિત થાઓ,તો અમે રાજ્ય માટે પ્રયત્ન કરીએ'

ત્યારે વસિષ્ઠે,તેની માંગણી સ્વીકારી,પૂરૂવંશના તે સંવરણનો ક્ષત્રિયોના સામ્રાજ્યપદે અભિષેક કર્યો.

પછી,તે રાજા સંવરણ,પૂર્વે ભરતવંશીઓએ વસાવેલી શ્રેષ્ઠ રાજધાની થી રાજ્ય કરી 

ફરીથી પૃથ્વીને પ્રાપ્ત કરી હતી, ને બહુ દક્ષિણાવાળા અનેક મહાયજ્ઞો કર્યા હતા.(35-48)


હે રાજન,એ સંવરણથી (સૂર્યપુત્રી) તપતીએ કુરુ નામે પુત્ર જન્માવ્યો કે જે વંશવર્ધક રાજા બન્યો.

તેના નામ પરથી 'કુરુજાંગલ' નામનો દેશ વિખ્યાત થયો હતો.અને તે મહાતપસ્વી કુરુએ પોતાના તપથી 'કુરુક્ષેત્ર'ને પવિત્ર કર્યું હતું.કુરુને,વાહિની નામની સ્ત્રીથી,અવિક્ષિત(અશ્વવાન)-અભિષ્યંત-ચૈત્રરથ-મુનિ-ને 

સુપ્રસિદ્ધ જન્મેજય -એ નામના પાંચ પુત્રો થયા હતા.(49-51)


જ્યેષ્ઠ પુત્ર અવિક્ષિત(અશ્વવાન)ને  ત્યાં.પરીક્ષિત-શબલાશ્ચ-આદિરાજ-વિરાજ-આદિ આઠ પુત્રો થયા હતા.

પરીક્ષિતને,કક્ષસેન,ઉગ્રસેન,ચિત્રસેન,ઇંદ્રસેન,સુષેણ અને ભીમસેન નામના પુત્રો થયા હતા.

(કુરુના બીજા નાના પુત્ર) જન્મેજયથી ધૃતરાષ્ટ્ર-પાંડુ-બાહ્યીક-નિષધ-જામ્બુનદ-કુંડોદર-પદાતિ-વસાતિ-

નામના આઠ પુત્રો થયા.હતા,જેમાં જ્યેષ્ઠ ધૃતરાષ્ટ્ર રાજા બન્યા હતા.(52-57)


ધૃતરાષ્ટ્રને,કુંડીક-હસ્તી-વિતર્ક-ક્રાથ-કુંડીન-હવિશ્ર્વા-ભુમન્યુ નામના પુત્રો થયા હતા,વળી,તેને બીજા ત્રણ 

પ્રસિદ્ધ પુત્રો પ્રતીપ-ધર્મનેત્ર અને મુનેત્ર પણ થયા હતા કે જેમાં પ્રતીપ પ્રખ્યાત થયો હતો.(58-60)

આ પ્રતીપને,દેવાપિ-શાંતનુ-ને બાહલીક નામના ત્રણ પુત્રો થયા હતા.

જેમાં દેવાપિએ સન્યસ્ત લીધું હતું અને શાંતનુ ને બાહલીક આ પૃથ્વીનું રાજ્ય પામ્યા હતા (61-63)

હે રાજન,આમ,અને બીજા ઘણા દેવતુલ્ય-મહારથીઓએ મનુવંશના પુરુરવા વંશની વૃદ્ધિ કરી હતી (64)

અધ્યાય-94-સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE