Feb 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-099

 
અધ્યાય-૧૦૬-ધૃતરાષ્ટ્ર,પાંડુ તથા વિદુરની ઉત્પત્તિ 

II वैशंपायन उवाच II ततः सत्यवती काले वधूं स्नातामृतौ तदा I संवेशयन्ति शयने शनैर्वचन मव्रवित् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ઋતુકાળે સ્નાનશુદ્ધ થયેલી,પુત્રવધુને,શયનગૃહમાં પ્રવેશ કરાવતાં,સત્યવતી ધીરેથી બોલી-'હે કૌશલ્યા,તારા પતિનો એક ભાઈ છે,તે આજે તારા ગર્ભમાં પુત્રરૂપે પ્રવેશશે.તું એકચિત્તે તેની રાહ જોજે,મધરાતે તે આવશે જ' સાસુનું આવું વચન સાંભળી,કૌશલ્યા શય્યામાં સૂતી અને ભીષ્મ ને બીજા 

કુરુસિંહોનુ ચિંતન કરવા લાગી.દીવાઓ ઝગમગી રહ્યા હતા ત્યારે,વ્યાસજી શયનગૃહમાં પ્રવેશ્યા (1-4)

કૃષ્ણ વર્ણના તે મહામુનિની,પિંગલ જટા,પ્રદીપ્ત તેજવાળાં નયનો ને પીળાં દાઢી-મૂછો જોઈને,રાની કૌશલ્યાએ આંખો મીંચી દીધી.માતાનું ભલું કરવા વ્યાસે તેની સાથે સમાગમ કર્યો,પણ કાશીરાજની તે પુત્રી,ભયને લીધે તેમની સામે જોઈ શકી નહિ.વ્યાસજી બહાર આવ્યા ત્યારે માતાએ તેમને પૂછ્યું કે-બેટા,એને ગુણવાન રાજપુત્ર થશેને?

ત્યારે વ્યાસજી બોલ્યા-વિધિયુક્ત જન્મ પામેલ,આ ગર્ભસ્થ પુત્ર દશ હજાર હાથીના જેવો બળવાન થશે,

તે વિદ્વાન અને રાજર્ષિઓમાં શ્રેષ્ઠ થશે,ને તેને સો પુત્રો થશે,પણ માતાના દોષને લીધે,તે આંધળો જન્મશે.


માતા સત્યવતી બોલી-હે તપોધન,કુરુઓનો રાજા અંધ હોય તે યોગ્ય નથી,માટે તું બીજો પુત્ર આપવા યોગ્ય છે.

'સારું એમ થશે' એમ કહીને વ્યાસજી ત્યાંથી ચાલ્યા ગયા.પછી યોગ્ય કાલે કૌશલ્યાએ અંધ પુત્રને જન્મ આપ્યો.

પછી,સત્યવતીએ,અંબાલિકાને સમજાવીને શયનગૃહે મોકલી,વ્યાસજી પહેલાંની જેમ જ આવ્યા,ને અંબાલિકા પાસે ગયા,પણ તેમના તેજને જોઈને અંબાલિકા ભયથી પીળી અને ફિક્કી પડી ગઈ.વ્યાસે તેને કહ્યું કે-

મને વિરૂપને જોઈને તું પીળી પડી ગઈ છે,તેથી તારો પુત્ર પાંડુ (પીળો) થશે,ને પાંડુ નામે ઓળખાશે.

આમ કહીને વ્યાસજી બહાર નીકળ્યા,ત્યારે સત્યવતીએ તેમને ગર્ભ વિષે પૂછ્યું-

ત્યારે વ્યાસજીએ,માતાને તે બાળકના પીળાપણા વિષે કહી સંભળાવ્યું (5-19)


ત્યારે માતા સત્યવતીએ,એક વધુ પુત્ર માટે પ્રાર્થના કરી ત્યારે 'તથાસ્તુ' કહી વ્યાસજી ચાલ્યા ગયા.

પછી,તે અંબાલિકા રાણીને યોગ્ય કાળે,પાંડુવર્ણો (પીળો કે ફિક્કો)પુત્ર જનમ્યો હતો.

હવે ઋતુકાળ આવતાં,મોટી વહુ (અંબિકા)ને ફરીથી તે ઋષિ માટે નિયોજવામાં આવી.(20-22) 

અંબિકાને,પૂર્વે જોયેલાં ઋષિનાં રૂપગુણ સાંભળી આવ્યાં,ને ભયને લીધે,તેણે,સત્યવતીનું વચન પાળ્યું નહિ,

અને પોતાની અપ્સરા જેવી દાસીને અલંકારોથી સજાવીને ઋષિ પાસે મોકલી.

તે દાસીએ,ઋષિ સામે જઈને વંદન કર્યા,ને સત્કારપૂર્વક તેમની સેવા કરી,શયન સ્વીકાર્યું.

પછી,તેની સાથે સમાગમમાં આવેલા,વ્યાસજીએ,પ્રસન્ન થઈને દઈને કહ્યું કે-તું હવે દાસીપણાથી મુક્ત થશે,

હે શુભા,તારા ઉદરમાં આવેલો આ બાળક,(વિદુર)પૃથ્વીલોકમાં ધર્માત્મા થશે,ને બુદ્ધિશાળીઓમાં શ્રેષ્ઠ થશે.

આમ,તે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના ત્રણ પુત્રો,ધૃતરાષ્ટ્ર,પાંડુ ને વિદુર જનમ્યા હતા.(23-28)


હકીકતમાં,'ધર્મ' પોતે મહાત્મા માંડવ્યના શાપથી જન્મ્યા હતા,તે વાત,અને અંબિકાની છેતરણી,

ને દાસીને પુત્રજન્મ થશે-તે સર્વ,વાત વ્યાસજીએ,માતા સત્યવતીને કહી સંભળાવી.

ને માતૃધર્મના ઋણથી મુક્ત થઈને વ્યાસજી ત્યાંથી અંતર્ધાન થયા.

આમ,કુરુવંશને વધારનાર,આ પુત્રો,વ્યાસથી વિચિત્રવીર્યના ક્ષેત્રમાં જન્મયા હતા(29-32)

અધ્યાય-106-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE