Feb 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-107

અધ્યાય-૧૧૮-પાંડુરાજાને શાપ 


II जनमेजय  उवाच II कथितो धार्तराष्ट्राणामार्पः संभव उत्तमः I अमनुष्यो मनुष्याणां भवत ब्रह्मवादिना II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મવાદીન,માનવોમાં અમાનવ એવી ધૃતરાષ્ટ્ર પુત્રોની શ્રેષ્ઠ ઉત્પત્તિ કથા કહી,તે મેં સાંભળી,

હવે તમે પાંડવોની વાત કહો.(આગળ) અંશાવતરણ પર્વમાં,તમે કહ્યું હતું કે-તે સર્વે માહતામો,ઈંદ્રરાજ જેવા પરાક્રમી ને દેવાંશી હતા.તો તેઓના જન્મથી માંડીને બધું હું સાંભળવા ઈચ્છું છું (1-4)

વૈશંપાયન બોલ્યા-એક સમયે,મહા અરણ્યમાં,મૃગયા ખેલવા નીકળેલ પાંડુ રાજાએ.મૃગોના એક અધિપતિને,

મૈથુનધર્મ સેવતો જોયો,ત્યારે તેણે પાંચ બાણોથી તે મૃગ અને મૃગલીને વીંધી નાખ્યાં.

હે રાજન,હકીકતમાં,તો એક તપરૂપી ધનવાળો એક ઋષિપુત્ર,મૃગરૂપે પત્ની સાથે સંગ કરતો હતો.

તે તેજસ્વી મૃગ ભૂમિ પર પડી ગયો ને વ્યાકુળ ચિત્તે માનવીની વાણી બોલતો કહેવા લાગ્યો કે-(5-8)


'હે રાજન,કામ-ક્રોધથી ઘેરાયેલ,બુદ્ધિથી વિહીન ને પાપીઓ પણ આવાં ઘાતકી કાર્યો કરતા નથી,તો પછી,તું ઉત્તમ વંશમાં જન્મેલ હોવા છતાં ને ધર્મમાં નિત્ય પરાયણ રહેવા છતાં,કામ ને લોભથી પરાભવ પામીને મને કેમ માર્યો?


પાંડુ બોલ્યો-હે મૃગ,જેમ,રાજા માટે શત્રુઓનો વધ ધર્મ છે તેમ મૃગોનો વધ ધર્મ છે,એમ કહેવામા આવ્યું છે.

એથી મોહમાં આવી તારે મારી આવી નિંદા કરવી જોઈએ નહિ.વળી,સત્રમાં બેઠેલા અગસ્ત્યઋષિએ,સર્વ દેવોને માટે વન્ય મૃગોને પાંખી મૃગયા કરી હતી,ને અભિચાર પ્રયોગ વડે મૃગોની ચરબી હોમવામાં આવી હતી,

તો અમે,વેદ પ્રમાણિત ધર્મને અનુસરીએ છીએ તો તેમાં,મારી નિંદા શા માટે કરે છે? (9-15)


મૃગ બોલ્યો-'હે રાજન,તું મૃગોને મારે છે,તે કારણે જ હું કંઈ તારી નિંદા કરતો નથી,પણ તારે દયા કરીને,મારા મૈથુનકર્મની સમાપ્તિ સુધી ખમી જવું જોઈતું હતું.મૃગીમાં સંતાનની ઈચ્છાથી હું હર્ષપૂર્વક મૈથુન આચરતો હતો,

ત્યારે તેં અમને મારીને સંતાનની ઈચ્છાને નિષ્ફળ કરી,અણઘટતું કાર્ય કર્યું છે.આ કર્મ ભારે ઘાતકી છે,

આ લોકમાં નિંદાપાત્ર ને અધર્મયુક્ત છે,એટલે તે તમારે કરવા જેવું નહોતું.


હું કિદમ નામે તપશુદ્ધ,મુનિ,છું,ને મનુષ્યોની લજ્જાથી,હું (ને મારી પત્ની) મૃગવેશે,મૈથુન આચરતા હતા.મૃગ થઈને હું વનમાં ફરતો  હતો,તે તમે જાણતા નહોતા,એટલે તમને બ્રહ્મ હત્યા લાગશે નહિ,પણ હે મૂઢ,મને કામ મોહિતને તમે હણ્યો છે,એટલે મારો તમને શાપ છે કે-તમે પણ કામમોહિત થઈને તમારી પ્રિયા સાથે સમાગમ કરશો,ત્યારે તમે પણ અવશ્ય એ જ અવસ્થામાં પ્રેતલોકને પામશો,ને તમારી સ્ત્રી પણ તમારું અનુગમન કરશે,જેમ,હું સુખમાં હતો ત્યારે તમે મને દુઃખ આપ્યું છે,તેમ,તમે પણ સુખમાં હશો ત્યારે જ દુઃખને પ્રાપ્ત થશો'


વૈશંપાયન બોલ્યા-અતિદુઃખથી આતુર થયેલો,તે મૃગ આમ કહીને,આવરદાથી છૂટી ગયો 

ને તે જ ક્ષણે પાંડુ પણ,દુઃખના ભારથી અતિદીન થઇ ગયો (16-34)

અધ્યાય-118-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE