Mar 6, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-113

 
અધ્યાય-૧૨૪-નકુલ અને સહદેવનો જન્મ 

II वैशंपायन उवाच II कुंतीपुत्रेषु जातेषु धृतराष्ट्रात्मजेषु च I मद्रराजसुता पांडु रहो वचनमव्रवित II १ II

વૈશંપાયન બોલ્યા-કુંતીપુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો જન્મતાં,માદ્રીએ,પાંડુને એકાંતમાં આ વચન કહ્યું કે-

હે પરંતપ,તમે પુત્રોત્પાદન માટે અસમર્થ થયા છે,તેનો મને સંતાપ નથી,કે કુંતીથી હું અશ્રેષ્ઠ રહું છું,તેનો 

પણ મને ખેદ નથી,ગાંધારીને સો પુત્રો થયા તેનું પણ મને દુઃખ થતું નથી,તેમ છતાં,મને વાંઝિયાપણું રહ્યું છે,

તેનું મને મહાદુઃખ છે.હવે કુંતીને ય સંતતિ છે,તો તે મને પણ સંતતિ થાય,એવું કરે તો મારા પર કૃપા થશે.

ને તમારું પણ હિત થશે.કુંતી શોક્ય હોવાથી હું તેને કહેતાં અકળાઉં છું,

પણ જો તમે મારા પર પ્રસન્ન હો તો,તમે પોતે જ કુંતીને પ્રેરો (કે જેથી તે મને મંત્રદાન કરે)(1-6)

પાંડુ બોલ્યા-હે માદ્રી,મને ય આ વસ્તુ,મનમાં નિત્ય ગોળાયાં કરે છે,પણ તે અનુકૂળ કહેશે કે પ્રતિકૂળ કહેશે?

એ વિચારથી,હું તેને કહેવાની હિંમત કરતો નહોતો,પણ હવે,તારો ય આવો વિચાર જાણીને,

હું તેને કહેવાનો પ્રયત્ન કરીશ,હું માનું છું કે,કુંતી તે ચોક્કસ સ્વીકારશે.(7-8)


તે પછી,એકાંતમાં પાંડુએ,કુંતીને કહ્યું-'તું મારા ફૂલની સંતતિ વૃદ્ધિ કર અને લોકનું પ્રિય કર.

માદ્રીને,મંત્ર વિદ્યા આપીને તેને પુત્રવતી કર ને પરમ કીર્તિને પ્રાપ્ત કર' 

ત્યારે કુંતીએ માદ્રીને કહ્યું કે-'તું એકવાર કોઈ દેવનું ચિંતન કર,તેથી તને ચોક્કસ પુત્ર થશે'

ત્યારે માદ્રીએ વિચાર કરીને મનથી બે અશ્વિનીકુમારોનું સ્મરણ કર્યું,એટલે તેમના સંયોગથી,

માદ્રીને નકુલ અને સહદેવ નામના રૂપમાં અજોડ એવા બે જોડિયા પુત્રો ઉત્પન્ન થયા.(15-16)


ત્યારે આકાશવાણી થઇ કે-સત્વ,ગુણ ને રૂપથી સંપન્ન આ બે પુત્રો,અશ્વિનીકુમારોથી પણ અધિક થશે.

ને પોતાની રૂપ સંપત્તિ ને તેજથી અત્યંત પ્રકાશશે (17-18)


ત્યાર બાદ,શતશૃંગવાસી ઋષિઓએ,કુંતી અને માદ્રીના પુત્રોનું નામકરણ કર્યું.કુંતીના મોટા પુત્રનું નામ યુદ્ધિષ્ઠિર,વચેટનું ભીમ અને ત્રીજાનું નામ અર્જુન,અને માદ્રીના બે પુત્રોનાં નામ અનુક્રમે નકુલ ને સહદેવ કહ્યાં.

આ પાંડુપુત્રો વરસ વરસને ગાળે જન્મ્યા હતા,તો પણ તે પુત્રો જાણે પાંચ વર્ષના હોય તેમ શોભતા હતા.

દેવના જેવા તે મહાતેજસ્વી પુત્રોને જોઈને પાંડુ પરમ સંતોષ ને આનંદને પામ્યા.(19-28)


હિમાલયમાં વૃદ્ધિ પામતા આ તેજસ્વી પુત્રોને જોઈને,ત્યાં આવતા મહર્ષિઓને વિસ્મય થતું હતું.

જેમ,પાણીમાં કમળો ખીલી આવે,તેમ,કુરુવંશને વધારનારા આ પાંચ પાંડવો ને સો કૌરવો,

થોડા જ કાળમાં મોટા થઇ ગયા.(29-32)

અધ્યાય-124-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE