Mar 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-118

 
અધ્યાય-૧૨૯-ભીમનું પાછું આવવું 

II वैशंपायन उवाच II ततस्तै कौरवाः सर्वे विनाभीमं च पाण्डवाः I वृतकृद विहारस्तु प्रतस्थुर्गजसाह्रुयम् II १ II

વૈશંપાયન બોલ્યા-ક્રીડા અને વિહારથી પરવારીને,કૌરવો ને પાંડવો રથો,ઘોડાઓ-આદિ વાહનોમાં બેસીને,

હસ્તિનાપુર જવા નીકળ્યા.ભીમસેન દેખાયો નહિ,એટલે દુર્યોધને કહ્યું કે-તે તો આપણી ય આગળ ચાલી ગયો છે.

પાપી દુર્યોધન,આનંદિત થઈને નગરમાં પ્રવેશ્યો,જયારે યુધિષ્ઠિરને તો પોતાનામાં પાપ ન મળે,એટલે પોતાના દાખલાથી બીજાઓને પણ સાધુવૃત્તિવાળા (અપાપી) જ જોતા હતા.(1-4)

ભાઈ પર હેત રાખવાવાળા,યુધિષ્ઠિર કુંતી પાસે ગયા અને પ્રણામ કરી બોલ્યા-'હે માતા,શું ભીમ અહીં આવ્યો છે?

એ અહીં તો દેખાતો નથી,અમે તેને વનમાં બધે ખોલ્યો,પણ તે ન મળ્યો,એટલે તે વહેલો નીકળી ગયો હશે,એમ માનીને અમે વ્યાકુળ હૃદયે અહીં આવ્યા.શું તમે તેને ક્યાંય,કોઈ કામ માટે બહાર મોકલ્યો છે? મને તો હવે ધ્રાસ્કો પડે છે કે-છેલ્લો,મેં,તેને સુઈ રહેલો મેં જોયો હતો,તો શું દુર્યોધને,ઝેર આપી તેને મારી નાખ્યો હશે કે શું?


યુધિષ્ઠિરની વાતથી ગભરાઈ જઈ,હાહાકાર કરતાં કુંતી બોલી-બેટા,મેં ભીમને જોયો નથી,કે તે મારી પાસે આવ્યો નથી,માટે ભાઈઓ સાથે મળીને તું તેની તરત જ ખોળ ચાલુ કર,ને વિદુરને બોલાવી લાવવા કોઈને મોકલ.

જયારે વિદુર આવ્યા ત્યારે કુંતીએ તેમને ભીમની સર્વ વાત કહી ને કહ્યું કે-દુર્યોધનની આંખે,ભીમ સદા ખૂંચી 

રહ્યો છે.કેમ કે તે દુર્યોધન,દુષ્ટબુદ્ધિ,ક્રૂર,રાજ્યલોભી ને નિર્લજ્જ છે.તે ઉકળેલા ક્રોધીએ શું એ ભીમને મારી 

નાખ્યો તો નહિ હોયને?મારુ મન બ્હાવરું થઇ રહ્યું છે ને હૃદય બાલી રહ્યું છે.(5-16)


વિદુર બોલ્યા-'હે કલ્યાણી,તમે આમ ન બોલો,તમે બાકીના પુત્રોનું રક્ષણ કરો,કારણકે તે દુરાત્મા બાકી રહેલા પુત્રોને પણ મારી નાખવાની ગોઠવણમાં હોઈ શકે છે.જો કે મહામુનિ વ્યાસે તમારા પુત્રોને દીર્ઘાયુષી કહ્યા છે,

તો તમારો આ પુત્ર પણ જલ્દી આવશે જ અને તમને આનંદ ઉપજાવશે' આ પ્રમાણે કહીને વિદુર તેમના ઘેર ગયા,ને પછી,ચિંતાગ્રસ્ત થઈને કુંતી બાકીના પુત્રોને સાચવીને,ઘરમાં સૂતી.(17-19)


પછી,આઠમે દિવસે,ભીમ જાગ્યો ત્યારે,તેના શરીરમાં ગયેલો અમૃતરસ પછી ગયો હતો,ને તે અજોડ બાલવાળો થયો હતો.ભીમને જાગેલો જોઈને,સર્વ સર્પો તેને સાંત્વન આપતાં બોલ્યા-'અમૃતના પાનથી,તું દશ હજાર હાથીના જેવો બાલવાળો થશે,રણમાં તું અજેય રહેશે.હવે તું તારે ઘેર જા,ત્યાં,સર્વે તારા વિના સંતાપ કરે છે'


નાગોના આમ કહેવાથી,ભીમે સ્નાન કરી,નાગોએ આપેલા દિવ્ય વસ્ત્રો પહેરી,તેમનાથી સત્કાર પામીને.

ઉત્તમ ભોજન આરોગીને,તેમની રજા લઈને,પ્રસન્ન ચિત્તે,નાગલોકમાંથી ઘેર જવા માટે નીકળ્યો.

નાગોએ તેને જળમાંથી બહાર કાઢીને વનના ભાગમાં મુક્યો,ને પછી તેઓ ત્યાંથી અદૃશ્ય થયા (20-28)


પછી,ભીમ ત્યાંથી ઘેર આવ્યો ને માતાને ને મોટાભાઈને વંદન કર્યા.ને નાના ભાઈઓને ગળે લગાવ્યા.

ભીમના પાછા આવવાથી સર્વ ખુશ થયા,ને સર્વેએ ભીમના સૌભાગ્યની સરાહના કરી.

ત્યાર બાદ,ભીમે,સર્વેને,દુર્યોધનની કુચેષ્ટાઓ ને નાગલોકની સર્વ ઘટનાઓ સંભળાવી.

યુધિષ્ઠિર બોલ્યા-હે ભીમ,તારી સાથે જે આ વર્તાવ થયો છે,તે તું કોઈને ય કહીશ નહિ/

ને પછી,યુધિષ્ઠિર,પોતાના ભાઈઓ સાથે તે સમયમાં ખુબ સાવધાન રહેવા લાગ્યા.(29-35)


એક વખત,દુર્યોધને,ભીમના સારથિને ગળું ઘોંટીને મારી નાખ્યો,ત્યારે વિદુરે આવીને,કુંતીપુત્રોને ચુપચાપ 

સહન કરવાની સલાહ આપી.તે પછી,દુર્યોધને ફરીવાર,ભીમના ભોજનમાં કાલકૂટ ઝેર નાખ્યું.જો કે તે વખતે,

વેશ્યા પુત્ર યુયુત્સુએ,પાંડવોના હિતની કામનાથી,આ વાત તેમને બતાવી દીધી હતી,તેમ છતાં,ભીમે તે 

ભોજન જમીને તેને પચાવી દીધું.તે ભયંકર શરીરવાળા ભીમના ઉદરમાં 'વૃક' નામનો અગ્નિ હતો,એટલે,

તે વિષ ત્યાં જઈને (એ અગ્નિને લીધે) પચી ગયું (36-39)


આ પ્રમાણે,દુર્યોધન,મામો શકુની અને કર્ણ-ભેગા મળી અનેક ઉપાયોથી પાંડવોને મારવા ઇચ્છતા હતા.પાંડવોને આ વાતની ખબર હતી,ને તેમને ક્રોધ પણ આવતો તો પણ વિદુરની સલાહથી,તેઓ ક્રોધ પ્રગટ કરતા નહોતા.

પછી,રાજા ધૃતરાષ્ટ્રે જોયું કે-કુમારો ખેલકૂદમાં જ લાગ્યા રહેવાથી અત્યંત ઉદંડ બની રહ્યા છે,ત્યારે તેઓએ,

ગૌતમ ગોત્રીય વિદ્વાન કૃપાચાર્યની શોધ કરાવી (કે જે શર (બાણ)ના ગુચ્છમાં પેદા થયા હતા).એમને જ ગુરુ બનાવીને,કુરુકુળના સર્વ કુમારોને,તેમને સોંપી દીધા,કે જ્યાં તે સર્વ,ધનુર્વેદ શીખવા લાગ્યા.(40-44)

અધ્યાય-129-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE