Mar 13, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-119

 
અધ્યાય-૧૩૦-કૃપાચાર્યનો જન્મ-દ્રોણને ભાર્ગવ-અસ્ત્રની પ્રાપ્તિ 

II जनमेजय उवाच II कृपस्यापि मम ब्रह्मन् संभवं वक्तुमर्हसि I शरस्तम्बात कथं जज्ञे कथं वास्त्राण्यवाप्तवान  II १ II

જન્મેજય બોલ્યા-હે બ્રહ્મન,કૃપાચાર્યનો જન્મ કેવી રીતે થયો? તે મને કહો.શર (બાણ)ના ગુચ્છમાં  

તે કેવી રીતે ઉત્પન્ન થયા હતા?ને તેમણે સર્વ અસ્ત્ર-શસ્ત્ર વિદ્યા કેવી રીતે પ્રાપ્ત કરી હતી? (1)

વૈશંપાયન બોલ્યા-મહર્ષિ ગૌતમને શરદ્વાન (ગૌતમ) નામે એક પુત્ર હતો.કે જે શરો સાથે ઉત્પન્ન થયા હતા.

તેમની બુદ્ધિ જેવી,ધનુર્વેદમાં પહોંચતી હતી તેવી વેદોના અધ્યયનમાં પહોંચતી નહોતી.

જેમ,તપ કરીને બ્રહ્મચારીઓ વેદ ભણે છે,તેમ,તે તપ કરીને સર્વ અસ્ત્રોને (ધનુર્વેદને) પામ્યા હતા.

તેમની વિદ્યા ને તપથી,ઇંદ્રને અત્યંત સંતાપ થયો એટલે ઇન્દ્રે જાનપદી નામની એક દેવકન્યાને 

બોલાવી તેને કહ્યું કે-'જા,તું શરદ્વાનના તપમાં વિઘ્ન કર' (2-6)


એટલે તે કન્યા,શરદ્વાનના આશ્રમે જઈ તેમને લોભાવવા લાગી.એક વસ્ત્રવાળી તે અનુપમ કન્યાને જોઈને,

શરદ્વાન પ્રફુલ્લિત નેત્રવાળા થયા ને તેમના હાથમાંથી ધનુષ્ય બાણ નીચે પડી ગયાં.તેમના શરીરે કંપ થઇ આવ્યો,તેમ છતાં,તપના સામર્થ્યે,તે બુદ્ધિમાન ધૈર્યપૂર્વક સ્થિર રહ્યા.પણ તેમના વીર્યનું સ્ખલન થયું,

કે જે શર (બાણ) ના સમૂહમાં પડતાં,બે ભાગમાં વહેંચાઈ ગયું.ને એક પુત્ર ને એક પુત્રીની જોડ જન્મી હતી.

શરદ્વાન તો પોતાના ધનુષ્ય-બાણ,કૃષ્ણમૃગનાં ચર્મો ને અપ્સરાને છોડીને,ત્યાંથી ચાલી ગયા હતા.(7-13)


એક સમયે,મૃગયાએ નીકળેલા રાજા શાંતનુના કોઈ એક સૈનિકે તે પુત્ર-પુત્રીની જોડને તે વનમાં જોઈ,

ધનુષ્ય-બાણ અને કૃષ્ણમૃગનાં  ચર્મો જોઈને તેણે માન્યું કે-તે બાળકો,કોઈ ધનુર્વેદી બ્રાહ્મણનાં હશે.

તેણે રાજા શાંતનુને તે બાળકો બતાવ્યાં,ત્યારે રાજાએ,કૃપા કરીને તે બંને બાળકોને પોતાની પાસે 

લીધાં ને 'આ મારાં સંતાનો છે' એમ કહેતા તેમને ઘેર લાવ્યા ને તે બાળકોને ઉછેર્યા.'કૃપાથી મેં આ 

બાળકોને ઉછેર્યા છે' એમ સમજી રાજાએ તે બાળકોનાં નામ 'કૃપ ને કૃપી' રાખ્યા.(14-19)બીજી બાજુ શરદ્વાન ગૌતમે પણ તપથી,પોતાનાં રક્ષાયેલાં બાળકોની હકીકત જાણી,એટલે તેમણે ત્યાં આવીને,પુત્ર કૃપને,તેનું ગોત્ર આદિ કહ્યું,ને તેને ચાર પ્રકારના ધનુર્વેદો,વિવિધ શાસ્ત્રો તેમ જ તને લગતું સર્વ 

ગુહ્ય જ્ઞાન શીખવ્યું.કે જેથી તે પુત્ર (કૃપ) ટૂંક સમયમાં જ આચાર્યના પરમ પદને પામ્યો (કૃપાચાર્ય કહેવાયો)


ધૃતરાષ્ટ્ર પુત્રો,પાંડવો,યાદવો,વૃષ્ણીઓ ને બીજા રાજાઓ એ જ કૃપાચાર્ય પાસે ધનુર્વેદ શીખ્યા હતા.

વૈશંપાયન બોલ્યા-પછી,પૌત્રોને વિશેષ રૂપે શિક્ષણ આવાની ઈચ્છાથી,ભીષ્મે,ભરદ્વાજ પુત્ર દ્રોણને,શિષ્યો 

તરીકે સોંપ્યા.કે જેમની પાસે રહી,તેજસ્વી કૌરવો ને પાંડવો સર્વ શસ્ત્રવિદ્યામાં કુશળ થઇ ગયા.(20-30)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE