Mar 17, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-123

અધ્યાય-૧૩૨-દ્રોણે શિષ્યોની પરીક્ષા લીધી 


II वैशंपायन उवाच II ततः संपूजितो द्रोणो भीष्मेण द्विपदां वरः I विशश्राम महातेजा: पूजितः कुरुवेश्मनि II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,ભીષ્મથી સત્કારાયેલા.તે મહાતેજસ્વી ને મનુષ્યોમાં શ્રેષ્ઠ એવા દ્રોણ,કુરુમંદિરમાં,

સન્માનપૂર્વક વિશ્રામ લેવા ગયા.તે વિશ્રાંતિ લઇ રહ્યા,ત્યારે ભીષ્મે,પોતાના પૌત્રોને લાવીને,તેમને શિષ્ય તરીકે સોંપ્યા.અને દ્રોણને વિવિધ ધન,ઘર-આદિ આપ્યું.દ્રોણે પણ,તે કુમારોને શિષ્ય તરીકે સ્વીકાર્યા.

પછી,પ્રસન્નમન દ્રોણ,તે સૌને,પોતાની નિકટ બેસાડીને એકાંતમાં કહેવા લાગ્યા કે-(1-5)

'મેં કંઈક કામ કરવા ધાર્યું છે.ને તે મારા હૃદયમાં સતત ઘૂંટાયા કરે છે,તો હે નિર્દોષો,અસ્ત્રવિદ્યા સિદ્ધ કરીને,

તમે મારુ તે કામ કરી આપો,તેવી મારી ઈચ્છા છે,તો તે વિશે તમને જે સાચું ને યોગ્ય લાગે તે કહો'

આ સાંભળીને સર્વ કૌરવો મૂંગા રહ્યા પણ અર્જુને,દ્રોણનું કાર્ય કરી આપવાનું માથે લીધું.

ત્યારે,દ્રોણ,વારેવારે અર્જુનનું માથું સૂંઘીને તેને પ્રીતિપૂર્વક ભેટયા અને આનંદના અશ્રુ પાડવા લાગ્યા.


પછી,તે દ્રોણે,પાંડુપુત્રને દિવ્ય ને માનુષી એસ્ટ્રો શીખવ્યાં.તે વખતે,બીજા રાજપુત્રો પણ દ્રોણ પાસે અસ્ત્રવિદ્યા શીખવા માટે એકત્રિત થયા હતા.વૃષ્ણીઓ,અંધકો,વિવિધ દેશના રાજો તેમ જ સૂતપુત્ર કર્ણ (રાધેય)

એ સહુ પણ દ્રોણ પાસે અસ્ત્રવિદ્યા શીખવા આવ્યા હતા.અતિદ્વેષી કર્ણ,અર્જુન સાથે સ્પર્ધા કરતો 

હતો ને દુર્યોધનનો આશ્રય કરીને,તે પાંડવોનું અપમાન કર્યા કરતો હતો.(6-12)


અર્જુન,સદા,દ્રોણની સાથે જ રહેતો,અસ્ત્રવિદ્યાના તેના અનુરાગને લીધે,તે સર્વ વિદ્યામાં સર્વથી વિશિષ્ટ હતો.

યોગ્ય અસ્ત્રોના પ્રયોગોમાં,શીઘ્રતામાં અને સરળતામાં અર્જુન સર્વ શિષ્યોમાં ચડિયાતો થયો હતો.

દ્રોણ પોતે પણ,તેને વિદ્યા ગ્રહણ કરવામાં અજોડ માનવા લાગ્યા હતા.

ગુરુ દ્રોણ,જયારે સર્વ શિષ્યોને પાણી ભરવા મોકલતા,ત્યારે વિલંબ થાય (વધુ સમય લાગે) તે માટે તેઓને,

કમંડલુ આપતા,ને વિલંબ ન થાય તે માટે પોતાના પુત્ર અશ્વસ્થામાને ઘડો આપતા.બીજા શિષ્યોને આવવામાં વિલંબ થતો,એટલામાં ગુરુ દ્રોણ,પોતાના પુત્રને શ્રેષ્ઠ ક્રિયા શીખવી દેતા.પણ અર્જુન,દ્રોણની 

આ યુક્તિને જાણી ગયો,તેથી વારુણાસ્ત્રથી કમંડલુ ભરીને,ગુરૃપુત્ર જોડે જ પાછો આવવા લાગ્યો.(13-19)


આમ,અસ્ત્રવેત્તાઓમાં શ્રેષ્ઠ,તે બુદ્ધિમાન અર્જુન,તે આચાર્યપુત્રથી અસ્ત્રવિદ્યામાં જુદો કે ઓછો ન રહ્યો.

વળી,અર્જુન,ગુરુપૂજનમાં પરમ યત્નપૂર્વક રહેતો ને અસ્ત્રવિદ્યામાં ઉત્તમ રીતે ધ્યાન આપતો,તેથી તે 

ગુરુ દ્રોણનો,પરમપ્રિય શિષ્ય થયો હતો.તે અર્જુનને,અસ્ત્રવિદ્યામાં આવો પરાયણ જોઈ તેના અભ્યાસની પરીક્ષા કરવા,એક વખત,દ્રોણે,રસોઈયાને બોલાવી એકાંતમાં કહ્યું કે-તારે અર્જુનને ક્યારેય અંધારામાં અન્ન ન આપવું,

વળી મેં તને આ આજ્ઞા કરી છે,તે પણ તારે એને કદી કહેવું નહિ'


એકવાર,અર્જુન (અંધારામાં) જમતો હતો ત્યારે એકદમ વાયુના ઝપાટાથી દીવો બુઝાઈ ગયો,તો પણ અર્જુને 

(અંધારામાં ખાવાનો તેનો અભ્યાસ નહોતો તો પણ) જમવાનું ચાલુ જ રાખ્યું,તેનો હાથ,અન્ન ને મોં સિવાય 

બીજે ક્યાંય ગયો જ નહિ.તે જોઈ,અર્જુને વિચાર્યું કે-આ કામ અભ્યાસને લીધે જ શક્ય બને છે' એટલે તેણે,

દિવસે કરાતી બાણ ક્રિયા,રાતના અંધારામાં પણ કરવા માંડી.તેના ધનુષ્યનો ટંકાર સાંભળીને,ગુરુ દ્રોણ,

તેની પાસે આવ્યા અને તેને ભેટીને કહેવા લાગ્યા કે-'આ લોકમાં તારા જેવો બીજો કોઈ ધનુર્ધર ન થાય 

તે માટે હું પ્રયત્ન કરીશ,હું તને આ વાત તદ્દન સત્ય કહું છું.'(20-28)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE