Mar 16, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-122

 દ્રોણ બોલ્યા-હે અચ્યુત,પૂર્વે હું મહર્ષિ અગ્નિવેશ પાસે ધનુર્વિદ્યા શીખવા ગયો હતો,ને ત્યાં બ્રહ્મચારી રહી,ગુરુસેવામાં પરાયણ થઈને ઘણાં વર્ષો રહ્યો હતો.તે વખતે,આશ્રમમાં,પાંચાલપતિનો યજ્ઞસેન(દ્રુપદ) નામનો રાજપુત્ર પણ ત્યાં ધનુર્વેદ શીખવા આવ્યો હતો.અમારી બંને વચ્ચે મૈત્રી થઇ હતી,તે વખતે તેને કહ્યું હતું (વચન આપ્યું હતું) કે-'હે દ્રોણ,હું પાંચાલપતિ પિતાનો પ્રિયતમ પુત્ર છું,અને તે જયારે મારો રાજ્યાભિષેક કરશે,ત્યારે તને પણ તે રાજ્ય ભોગવવા મળશે,તે તને હું શપથપૂર્વક કહું છું.મારા ભોગો,વૈભવો,ધન અને સુખો-એ બધું જ તારે અધીન થશે' ને પછી,અસ્ત્રવિધાની સમાપ્તિ કરીને 

તે ચાલ્યો ગયો હતો,ને તેનું એ વચન હું સદૈવ મનમાં ધારણ કરી રહ્યો હતો.

અસ્ત્રવિદ્યાની સમાપ્તિ થયા બાદ,હું કૃપીને પરણ્યો ને તેનાથી મને તેજસ્વી અશ્વસ્થામા નામનો પુત્ર થયો.

એકવાર,ધનવાન બાળકોને,ગાયનું દૂધ પીતા જોઈને,અશ્વસ્થામા રડવા લાગ્યો.મારી પાસે ગાય હતી નહિ,

તેથી દૂઝણી ગાયનું દાન મેળવવા હું ઘણે રખડ્યો,પણ તે મને મળી નહિ.પેલા ધનવાન બાળકો,

લોટ ભેળવેલા પાણી વડે,અશ્વસ્થામાને 'આ દૂધ છે' કહી પીવડાવતા,ને એવા દૂધને પીધા પછી,બાળપણને 

લીધે ભોળવાઈ ગયેલો અશ્વસ્થામા પણ 'મેં દૂધ પીધું છે' એમ માનવા લાગતો ને હર્ષથી નાચવા લાગતો હતો.

ધનવાન બાળકોથી હાંસી પામતા પુત્રને જોઈને મને,મારી નિર્ધનતાથી દુઃખ થતું હતું.


એક દિવસ પુત્ર ને પત્નીને લઈને,હું,પૂર્વના સ્નેહ,અનુરાગ ને વચનને સંભાળીને,રાજા બનેલા દ્રુપદ પાસે ગયો,

તેની પાસે જઈને મેં તેને મિત્રતાની યાદ આપી,ત્યારે તેણે મને અજણયા જેવો ગણીને હસી કાઢ્યો.

તેણે કહ્યું કે-'ધનવાન ને ગરીબ વચ્ચે કોઈ મૈત્રી સંભવે જ નહિ.રાજ્ય વિનાનો રાજયવાળાનો મિત્ર ન હોય,

તો તું પૂર્વેની મૈત્રી શા માટે ઈચ્છે છે?તારી સાથે મેં કોઈ પ્રતિજ્ઞા કરી હોય (વચન આપ્યું હોય) 

તેવું મને સાંભરતું નથી,છતાં,હું તને એક રાત્રિ માટે ઈચ્છીત ભોજન આપીશ'


તેણે મને આમ કહહ્યું-એટલે ક્રોધમાં આવી,'એ પ્રતિજ્ઞા (વચન) હું થોડા વખતમાં જ પુરી કરીશ' એમ કહીને

હું ત્યાંથી ચાલી નીકળ્યો.મારી ગરીબીને લીધે દ્રુપદે કરેલા અપમાનથી,મારા રોમરોમમાં ક્રોધ વ્યાપ્યો છે.

બદલો લેવા,ને ગુણવાન શિષ્યો મેળવવા હું અહીં કુરૂદેશમાં આવ્યો ને ત્યાંથી તમારી ઈચ્છા સંતોષવા 

અહીં હસ્તિનાપુરમાં આવ્યો છું,તો હે ભીષ્મ,તમે કહો કે હું તમારું શું કાર્ય કરું?'


ભીષ્મ બોલ્યા-'હે બ્રહ્મન,તમે ધનુષ્યની પણછ ઉતારો,કુમારોને અસ્ત્રવિદ્યા ભણાવો ને આ ભવનમાં માનસહિત,

પ્રીતિપૂર્વક ભોગો ભોગવો.આ રાજ્ય તમારું જ છે તેમ તમે માનો.હવે,તમે એમ જ સમજો કે,

તમારી ઈચ્છા પૂર્ણ થઇ છે,મારા સદ્ભાગ્યે તમે અમને સાંપડ્યા છો,તે તમારી કૃપા છે'(40-78)

અધ્યાય-131-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE