Mar 15, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-121

અધ્યાય-૧૩૧-દ્રોણ અને ભીષ્મનું મિલન 


II वैशंपायन उवाच II ततो द्रुपदमासाद्य भारद्वाजः प्रतापवान् I अब्रवीत पार्थियं राजन् सखायं विद्विमामिह II १ II

પછી,પ્રતાપી ભરદ્વાજના પુત્ર દ્રોણ,દ્રુપદ રાજા પાસે જઈને બોલ્યા-હે રાજન,હું તમારો મિત્ર અહીં આવ્યો છું 

તેમ જાણો' પણ,ગર્વિષ્ઠ અને ઐશ્વર્યમદથી ઉન્મત્ત પાંચાલપતિ દ્રુપદરાજાએ દ્રોણનો અનાદર કરતાં કહ્યું કે-

હે બ્રાહ્મણ,તારી બુદ્ધિ કાચી ને સમજણ વિનાની જ છે,ને એટલે તું કહી રહ્યો છે કે 'હું તમારો મિત્ર છું'

પણ,ઐશ્વર્યસંપન્ન રાજાને ક્યારેય ઐશ્વર્યહીન,ધનભ્રષ્ટ (ગરીબ) મનુષ્ય સાથે મૈત્રી હોતી જ નથી.

માનો કે,એવી મૈત્રી હોય,તો પણ તે કાળની સાથે (સમય જતાં) જીર્ણ થઇ જાય છે.આ લોકમાં કોઈના પણ 

હૃદયમાં મૈત્રી અજરામર રહેતી નથી કેમ કે કાળ (સમય) તેને છૂટી પપાસે છે,ને ક્રોધ તેને ઉખેડી નાખે છે,

હે દ્રોણ,પૂર્વે,તારી સાથે મારી મૈત્રી કોઈ પ્રયોજન નિમિત્તે થઇ હતી,તેને દૂર કર.કેમ કે-દરિદ્રી,ધનવાનનો મિત્ર 

હોઈ શકે નહિ,ને અવિદ્વાન,વિદ્વાનનો મિત્ર ન હોઈ શકે,તો જૂની મૈત્રીને શા માટે આગળ કરે છે.

જે રાજા નથી,તે રાજાનો મિત્ર થઇ શકે નહિ,તો પછી,તું અગાઉની મૈત્રીની વાત કેમ કરે છે?(1-11)


વૈશંપાયન બોલ્યા-દ્રુપદના આવા તિરસ્કારથી,દ્રોણ ક્રોધાવેશમાં આવ્યા,પણ પછી તેમણે ક્ષણિક વિચાર કર્યો,

દ્રુપદ વિશે મનમાં નિશ્ચય કરીને (મનમાં વેર રાખીને) ત્યાંથી હસ્તિનાપુર તરફ જવા નીકળી ગયા.

હસ્તિનાપુરમાં તે કૃપાચાર્યને ત્યાં ગયા,ને ગુપ્ત રીતે પૃથાપુત્રોને અસ્ત્રવિદ્યા શીખવતા રહ્યા.

એકવાર,સહુ કુમારો,હસ્તિનાપુરની બહાર નીકળીને ગિલ્લી-દંડા ખેલી રહ્યા હતા ત્યારે,તેમની ગિલ્લી (મોઇ)કુવામાં પડી ગઈ,તે ગિલ્લી (મોઇ) કાઢવા સહુએ પ્રયત્ન કર્યો પણ કોઈ ઉપાય સાધ્ય થયો નહિ,

એટલે શરમના માર્યા,તે સહુ નીચાં મોં રાખી,એકબીજાની તરફ જોવા લાગ્યા.(12-19)


તે વખતે,તે કુમારોએ,શામળા વર્ણના,દુઃખમાં ડૂબેલા,પળિયાં આવેલાં,સુકાઈ ગયેલા બ્રાહ્મણને પાસે ઉભેલા જોયા,

તે મહાત્મા બ્રાહ્મણને જોઈ સર્વ કુમારો તેને વીંટળાઈ રહ્યા.ત્યારે દ્રોણ,મંદમંદ હસતા કહેવા લાગ્યા કે-

'ધિક્કાર હો તમારા ક્ષાત્રબળને ને અસ્ત્રસિદ્ધીને! .અરે,તમે ભરતના વંશમાં જન્મ્યા છતાં એક ગિલ્લી બહાર 

કાઢી શકતા નથી! લો હું તણખલાંની સળીઓથી ગિલ્લી અને આ મારી વીંટી એ બંને બહાર કાઢી બતાવું'

એમ કહીને,દ્રોણે પોતાની વીંટી કુવામાં નાખી.(20-26)


દ્રોણ બોલ્યા-'તણખલાંની સળીઓની આ મૂડીકાને,મેં અસ્ત્રવિદ્યાથી મંત્રી છે,જેનો પ્રભાવ જુઓ.

પ્રથમ એક સળીથી હું ગિલ્લીને (મોઈને) ભેદીશ,પછી તે સળીને બીજી સળીથી બાંધીશ ને પછી,બીજીને ત્રીજી સળીથી,એમ એમ કરીને હું ગિલ્લી બહાર કાઢીશ' આમ કહી તેમણે તે ગીલ્લીને બહાર કાઢી બતાવી'

આ જોતાં કુમારો વિસ્મય પામ્યા ને કહેવા લાગ્યા કે-'હવે વીંટી પણ બહાર કાઢી બતાવો'


વૈશંપાયન બોલ્યા-પછી,તે સમર્થ દ્રોણે,ધનુષ્ય-બાણ હાથમાં લઈને તે વીંટીને બાણથી વીંધીને,ઉપર લાવ્યા.

આ રીતે વીંટીને બહાર આવેલી જોઈને કુમારો દ્રોણને કહેવા લાગ્યા-હે બ્રહ્મન,અમે તમને વંદન કરીએ છીએ,

આ વિદ્યા અમે બીજે ક્યાંયે કોઈનામાં જોઈ નથી,તમે કોણ છો? અમે તમારું શું કાર્ય કરીએ?

દ્રોણે કહ્યું કે-'તમે મારા રૂપ-ગુણો વિષે ભીષ્મને કહેશો,તો તે મને ઓળખી જશે'


કુમારોએ કહ્યું-'તથાસ્તુ' ને પછી ભીષ્મ પાસે જઈને તેઓએ,તે બ્રાહ્મણનું વર્ણન ને તેમનાં પરાક્રમ કહ્યાં.

કુમારોના વચન સાંભળીને,ભીષ્મ દ્રોણને ઓળખી ગયા અને તેમણે મનમાં વિચાર્યું કે-'એ જ યોગ્ય ગુરુ છે'

પછી,ભીષ્મ,જાતે જઈને દ્રોણને હસ્તિનાપુરમાં લઇ લાવ્યા,ને તેમને આદર-સત્કાર આપીને,તેમના આગમનના 

હેતુ વિષે નિપુણતાથી પૂછ્યું,ત્યારે દ્રોણે બધું તેમને વિગતથી કહી સંભળાવ્યું.(27-39)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE