Mar 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-128

 
અધ્યાય-૧૩૫-અર્જુનની પરીક્ષા 

II वैशंपायन उवाच II कुरुराजे हि रंगस्थे भीमे च बलिनां वरे I पक्षपातकृतस्नेहः स द्विधेवाभवज्जनः II १ II

વૈશંપાયન બોલ્યા-કુરુરાજ દુર્યોધન અને મહાબળવાન ભીમ,જયારે રંગભૂમિમાં ઉતર્યા,ત્યારે,પક્ષપાતી સ્નેહને લીધે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા.કેટલાક 'વાહ કુરુરાજ' તો કેટલાક 'વાહ ભીમ' એમ મોટેથી બોલી રહ્યા ને તેને લીધે રંગભૂમિ પર એક જબરદસ્ત શોર થયો.મંડપને આમ ઉકળેલો જોઈને દ્રોણાચાર્ય,અશ્વસ્થામાને કહેવા લાગ્યા કે-

આ બેઉ સિદ્ધ વિદ્યાવાળાને તું વાર,તેમને કારણે રંગમંડપમાં પ્રકોપ ન થવો જોઈએ.(1-4)

દ્રોણનાં વચન સાંભળીને,ગુરુપુત્રે,તે સામસામે,ગદા લઈને આવી ગયેલા,ભીમ ને દુર્યોધને રોક્યા.

પછી,વાજીંત્રોને બંધ કરાવી,ગુરુદ્રોણ,રંગમંડપના અગ્રભાગે આવ્યા ને બોલ્યા-જે મને પુત્રથીયે પ્રિયતર છે,

જે સર્વ શસ્ત્રોમાં વિશારદ છે,તે ઉપેન્દ્ર સમાન આ પૃથાપુત્ર અર્જુનને તમે જુઓ (5-7)


આચાર્યની આજ્ઞા થતાં,યુવાન અર્જુને,મંગલાચરણ કર્યું,ને આંગળીઓ પર ચામડાની ખોલી બાંધી,ભાથાને પૂરો ભરી,ધનુષ્યને ધારણ કરી,તે સોનાનું કવચ પહેરેલો અર્જુન રંગભૂમિ પર આવ્યો.ત્યારે,સમસ્ત રંગમંડપમાં આનંદધ્વનિ છાઈ રહ્યો,અને ચારે બાજુ વધ્યો ને શંખો વાગી રહ્યા.પ્રેક્ષકોએ તેનો અનેક વચનોથી સત્કાર કર્યો,

ત્યારે કુંતીની છાતી પ્રેમાશ્રુઓથી ભીંજાઈ ગઈ.તે મહાનાદથી,ધૃતરાષ્ટ્રના કાન ભરાઈ ગયા,અને હર્ષિત મને 

તેણે વિદુરને પૂછ્યું કે-ખળભળી ઉઠેલા મહાસાગરના જેવી ગર્જના કેમ એકદમ ઉઠી આવી છે?

વિદુર બોલ્યા-પાંડુનંદન ને પૃથાપુત્ર-અર્જુન કવચ સહિત રંગભૂમિ પર આવ્યો,તેથી ગર્જનાઓ થાય છે.


પછી,જયારે રંગમંડપ કંઈક શાંત થયો ત્યારે,અર્જુને પોતાની અસ્ત્રચાતુરી બતાવવા લાગી.

આગ્નેય અસ્ત્રથી તેણે અગ્નિ સર્જ્યો,વારુણાસ્ત્રથી જળ સર્જ્યું,વાયવ્યાસ્ત્રથી વાયુ સર્જ્યો અને પાર્જન્યાસ્ત્રથી તેણે મેઘ સર્જ્યો.ભૌમાસ્ત્રથી તે ભૂમિમાં પેઠો,પાર્વતાસ્ત્રથી તેને પર્વતો સર્જ્યા અને અંતર્ધાન અસ્ત્રથી તે અંતર્ધાન થયો

ક્ષણમાં તે ઊંચો કે નીચો થયો,તો ક્ષણમાં તે રથની ધરી પર કે રથની મધ્યમાં ઉભો,કે ક્ષણમાં તે પૃથ્વી પર ઉતર્યો.


તે પછી,તે ગુરુપ્રિય અર્જુને,સુકુમાર,સૂક્ષ્મ કે ભારે વસ્તુઓને નિશાન તરીકે રાખી,તેને વીંધી બતાવી,ને 

ચક્કર ચક્કર ફરતા લોઢાના વરાહના મોમાં તેણે,એક બાણ હોય,તેમ એકીવારે પાંચ બાણ છોડી બતાવ્યાં.

પછી,દોરીથી લટકી રહેલા બળદના શિંગડાના કાણામાં તેણે એકવીસ બાણો લગાવ્યાં.વળી,

તે શસ્ત્રકુશલે,ખડગ,ધનુષ્ય,ને ગદાનાં મંડલો પણ સારી રીતે કુશળતાથી કરી બતાવ્યાં.(8-25)


હે ભારત,તેનું આ કર્મ પત્યું કે તરત જ,ઢોલના ઘૂઘવતા અવાજ સાથે,દરવાજામાં ગુરુ દ્રોણાચાર્ય,આવ્યા 

ને પાંચ પૃથાપુત્રોથી વીંટળાઈને શોભી રહ્યા.તે જ વખતે દુર્યોધન પણ ઉભો થઇ આવ્યો ત્યારે,

અશ્વસ્થામા સાથે પોતાના સો ભાઈઓથી તે વીંટળાઈ રહ્યો ત્યારે,હાથમાં ગદા ધારણ કરેલ,

તે દુર્યોધન,પૂર્વે દાનવોના નાશકાળે દેવગણોથી વીંટળાઈને ઉભેલા ઇન્દ્રની જેમ શૉભતો હતો.(26-32)

અધ્યાય-135-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE