Mar 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-127

અધ્યાય-૧૩૪-કુમારોની પરીક્ષા 


II वैशंपायन उवाच II कृतास्त्रान धार्तराष्ट्रंश्च पाण्डुपुत्रांश्चभारत I द्रष्ट्वा द्रोणोSश्चविद्राजन धृतराष्ट्रं जनेश्वरम् II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,પાંડવો અને ધાર્તરાષ્ટ્રો(કૌરવો)ને અસ્ત્રવિદ્યામાં નિષ્ણાત થયેલા જોઈને,

દ્રોણાચાર્યે, (કૃપ-ગાંગેય-વ્યાસ-આદિની હાજરીમાં) જનેશ્વર ધૃતરાષ્ટ્રને કહ્યું કે-'હે રાજન,તમારા 

કુમારો વિદ્યાસંપન્ન થયા છે,તેથી જો આપની અનુમતિ હોય તો,તેઓ સર્વ સમક્ષ તેમની વિદ્યા બતાવે' 

એટલે હૃદયમાં પ્રસન્ન થયેલા ધૃતરાષ્ટ્રે કહ્યું કે-

'હે ભારદ્વાજ (દ્રોણ) તમે ભારે કાર્ય કર્યું છે,પરીક્ષા માટે તમે યોગ્ય સમય ઠરાવો,ને જે સ્થાનમાં જેવીજેવી વ્યવસ્થા

કરવાની હોય તે તમે મને જણાવો.અંધાપાને કારણે મને ખેદ રહે છે,ને મને આંખવાળા માણસોની અદેખાઈ 

થાય છે કે-તેઓ મારા પુત્રોને અસ્ત્રવિદ્યામાં પરાક્રમ કરતા જોઈ શકશે' પછી,ધૃતરાષ્ટ્રે વિદુરને કહ્યું કે-

'હે વિદુર,દ્રોણાચાર્ય કહે તેમ કરો,આના જેવો બીજો પ્રસંગ આવે એમ હું માનતો નથી'


પછી,રાજાની રજા લઈને વિદુર,દ્રોણ સાથે બહાર ગયા,દ્રોણે,એક સપાટ,વૃક્ષવિનાની જમીનને માપી ને તેને 

માન્ય કરી.શુભ તિથિએ તે ભૂમિ પર બાલી આપવામાં આવ્યો,ને નગરમાં,પ્રસંગનો ઢંઢેરો પીટવામાં આવ્યો.

ત્યાં,શિલ્પીઓ એ તે રંગભૂમિમાં,વિધિપૂર્વક વિશાલ ને આયુધોથી સજેલું,પ્રેક્ષાગાર બનાવ્યું,

ને ત્યાં નગરના લોકો માટે વિશાલ ને ઊંચી બેઠકના મંચો બનાવ્યા.(1-12)


ઠરાવેલો દિવસ આવી પહોંચતાં,રાજા ધૃતરાષ્ટ્ર,પોતાના અમાત્ય,ભીષ્મ,કૃપ વગેરેને લઈને પ્રેક્ષાગારે આવ્યા.

તે પ્રેક્ષાગારમાં મોતીની જાળીઓ ઝૂલતી હતી ને તે વૈદર્યમણિથી શોભતું હતું.

ગાંધારી,કુંતી ને સર્વે રાજરાણીઓ,વસ્ત્ર-અલંકારોથી સજીને આવી,ને મંચ પર ચડીને બેઠી.

ચારેય વર્ણના લોકો.કુમારોની અસ્ત્રસિદ્ધિ જોવા આવી આ સાથે ભેગા થયા હતા,તે વખતે.વાજિંત્રોના 

વાદનથી અને માણસોનો તે સમાજ ક્ષોભ પામેલા મહાસાગરની જેમ ખળભળી રહ્યો હતો (13-18)


તે પછી,આચાર્ય દ્રોણ,પોતાના પુત્ર સાથે મંડપમાં પધાર્યા,ને યથા સમયે બલિ આપી,મંત્રજ્ઞ બ્રાહ્મણો પાસે મંગલ કરાવ્યું.પછી,વિવિધ શસ્ત્રો ને સામગ્રીઓ મંડપમાં લાવવામાં આવી.ત્યાર બાદ,આંગળીઓ પર ખોલીઓ સજેલા,

કમર કસેલા,ભાથાં બાંધેલા ને ધનુષ્ય ધારણ કરેલા,ભરતશ્રેષ્ઠ મહારથીઓ પ્રવેશ કર્યો.ને 

યુધિષ્ઠિરને આગળ રાખીને તે કુમારોએ,મોટા નાના પ્રમાણે ક્રમમાં,અસ્ત્રવિદ્યા દેખાડવા માંડી.

પછી,કુમારો,શીઘ્રવેગી ઘોડાઓ પાર સવારી કરી,પોતાના નામ અને આંકડાથી શોભતાં વિવિધ બાણોને

ચપળતાપૂર્વક છોડીને લક્ષ્યને વીંધી રહ્યા હતા.તેને જોઈ લોકો વિસ્મિત થઇ ગયા.


તે મહાબળવાનોએ રથચર્યા,હાથી સવારી,ઘોડેસવારી,દ્વંદ્વ યુદ્ધમાં વારંવાર પોતાની કુશળતા દેખાડી.

ખડગ અને ચર્મને ધારણ કરી રહેલા તે કુમારો,નિશાનને અનુસરીને તલવાર-આદિ ચલાવતા રહી,

આખી રંગભૂમિમાં ઘૂમતા હતા.લોકોએ એ કુમારોની ઢાલ-તલવારની ચપળતા,ચતુરાઈ,સ્થિરતા 

તેમ જ દ્રઢ મુષ્ટિપણું જોયું.ત્યાર બાદ એકમેકને જીતવાની ઈચ્છા રાખતા,દુર્યોધન ને ભીમ,

હાથમાં ગદા ધારણ કરીને,જાણે એક શિખરવાળા પર્વત હોય,તેમ રંગભૂમિમાં ઉતર્યા.(19-32)


કચ્છ ભીડીને,પુરુષાર્થ દેખાડવા અડોલ ઉભેલા,તે બંને મહાબાહુઓ,જાણે,એક હાથણીને માટે મદમસ્ત 

હાથીઓ ગર્જે,તેમ ગર્જવા લાગ્યા.ને પોતાના હાથમાં જોરજોરથી ગદા ગુમાવવા લાગ્યા.ત્યારે,વિદુરે,

ધૃતરાષ્ટ્રને અને કુંતીએ ગાંધારીને,રંગભૂમિમાં ચાલતી સર્વ ક્રિયાઓ કહી સંભળાવી હતી,(33-35)

અધ્યાય-134-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE