Mar 25, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-131

અધ્યાય-૧૩૮-દ્રુપદનો પરાજય ને અર્જુને આપેલી ગુરુદક્ષિણા 


II वैशंपायन उवाच II पाण्डवान धार्तराष्ट्राश्च कृतास्त्रान्प्रसमीक्ष्य सः I गुर्वर्थ दक्षिणाकाले प्राप्तेSमन्यत वै गुरुः II १ II

વૈશંપાયન બોલ્યા-પાંડવો ને ધાર્તરાષ્ટ્રો (કૌરવો)ને અસ્ત્રવિદ્યામાં નિપુણ થયેલા જોઈને,દ્રોણે 'ગુરુદક્ષિણાનો સમય હવે આવ્યો છે' તેમ વિચાર્યું,એટલે તેમણે સર્વ શિષ્યોને ભેગા કરીને કહ્યું કે-'હે કુમારો,તમારું કલ્યાણ થાઓ,

તમારી પાસેથી ગુરુદક્ષિણામાં હું એટલું જ ઈચ્છું છું કે-તમે પાંચાલરાજ દ્રુપદને,રણમાં જીતીને પકડી લાવો'(1-3)

ત્યારે 'ભલે તેમ થાઓ' એમ કહીને સર્વ કુમારો,તત્કાળ દ્રોણ સાથે રથોમાં બેસીને ત્યાંથી નીકળ્યા.

પાંચાલ દેશ પહોંચીને,તે દ્રુપદના નગરને પીડવા લાગ્યા.દુર્યોધન,કર્ણ,યુયુત્સુ,દુઃશાસન-આદિ કુમારો 

'હું પહેલો-હું પહેલો'એમ કહેતા સારથિઓ સાથે નગરમાં પેસી રાજમાર્ગ પર આવ્યા.

મહાસૈન્ય આવ્યાની વાત સાંભળીને,તરત જ દ્રુપદ,પોતાના ભાઈઓની સાથે રાજમહેલમાંથી બહાર નીકળ્યો,

ને રથમાં જ કવચ-આદિ સજવા માંડ્યો.જયારે,કૌરવ કુમારોએ ગર્જના કરતાં,બાણોની વૃષ્ટિ કરવા માંડી.

ત્યારે તે શ્વેત રથમાં બેસી આવેલો દ્રુપદ પણ તેમની સામે ભયંકર બાણો વરસાવવા લાગ્યો.(4-11)


વૈશંપાયન બોલ્યા-કૌરવો અભિમાનમાં ઉછાળીને આગળ ગયા હતા,ત્યારે અર્જુને દ્રોણાચાર્ય સાથે મંત્રણા કરીને તેમને કહ્યું કે-'આ લોકો પરાક્રમ કરી રહેશે પછી અમે સાહસ કરીશું,રણમાં તેમનાથી દ્રુપદ પકડાય તેમ નથી'

આમ કહીને,તે અર્જુન પોતાના ભાઈઓ સાથે નગરની બહાર અડધો કોશ દૂર ઉભો રહ્યો હતો.

કૌરવોને જોઈને,દ્રુપદ,અસંખ્ય બાણો વડે કૌરવોની સેનાને મૂંઝવવા લાગ્યો ને ચારે બાજુ ઘૂમવા લાગ્યો.

શીધ્રકારી દ્રુપદને જોઈને કૌરવો,ભયના માર્યા તે એક ને અનેક માનવા લાગ્યા (12-16)


ત્યારે કૌરવોએ ક્રોધાવિષ્ટ થઈને,દ્રુપદ સામે અસંખ્ય બાણોની ઝડીઓ વરસાવી.કે જેથી દ્રુપદ ઘવાયો,

ને તે પણ ક્રોધે ભરાઈને ચક્કરની જેમ ઘુમીને,દુર્યોધન,કારણ આદિ કૌરવોને અને સૈન્યને બાણોથી ઢાંકી દીધાં.

ઘોર યુદ્ધની વાત સાંભળીને,સર્વ નગરજનો પણ યુદ્ધમાં જોડાઈને કૌરવો પર તૂટી પડ્યા.ત્યારે કૌરવો ચીસો પાડતા પાંડવો પ્રતિ દોડવા લાગ્યા.તેમનો રૂંવાડાં ખડાં કરે તેવો આર્તનાદ સાંભળીને,પાંડવો,ગુરુદ્રોણને વંદન કરી રથ પર ચડ્યા.અર્જુને,યુધિષ્ઠિરને વાર્યા ને કહ્યું-'તમે લડશો નહિ' પછી,તેણે માદ્રીપુત્રોને પોતાના ચક્રના રક્ષક કર્યા અને સદા ગદાની સાથે રહેનારો ભીમસેન સેનાની અગ્રભાગે ચાલવા લાગ્યો.(17-27)


સાક્ષાત યમરાજ હોય,તેમ,ભીમસેને તે મહાસેનમાં પ્રવેશ કર્યો,ને ગડાના પ્રહારથી ગજસેનાનો ઘાણ કાઢી નાખ્યો.

જેમ,ગોવાળિયો,લાકડી વડે પશુઓના ધણને હાંકે,તેમ,ભીમ,રથો ને હાથીઓને હાંકવા લાગ્યો.

પ્રલાયકાળના અગ્નિની જેમ ભડભડતા અર્જુને પણ રણમાં ઘોડાઓ,રથો ને હાથીઓને બાણોથી સુવાડી દીધા.

પાંચાલ સૈન્યે,પણ અર્જુન તરફ ધસારો કર્યો,પણ ચપળ અર્જુનના બાણો સામે તે મૂંઝવાઇ રહ્યા હતા.

ત્યારે સત્યજિતને લઈને દ્રુપદ,શીઘ્રતાથી અર્જુન પર ધસ્યો,પણ અર્જુને ભારે બાણવર્ષા કરીને 

દ્રુપદને વીંધવા લાગ્યો,એટલે દ્રુપદની મદદે સત્યજિત વચ્ચે આવ્યો.અર્જુન ને સત્યજિત વચ્ચે મહાયુદ્ધ થયું,

પણ છેવટે,અર્જુને,સત્યજિતના સારથી સહિત ઘોડાઓને વીંધ્યા,એટલે સત્યજિત ત્યાંથી ભાગ્યો.


સત્યજિતે પીઠ બતાવી,એટલે દ્રુપદે,અર્જુન પાર બાણો છોડ્યાં.અર્જુને,પણ સામે બાણો છોડીને,

દ્રુપદના સારથી,ઘોડા ને રખવાળાને છેડી નાખ્યા ને તેનું ધનુષ્ય તોડીને રથની ધજાને જમીન પર પાડી.

દ્રુપદ બીજું ધનુષ્ય શોધતો હતો,ત્યારે અર્જુને છલાંગ મારીને,દ્રુપદના રથ પર આવ્યો,ને તેને પકડ્યો.

પાંચાલોની સેનાએ હવે ચારે બાજુ ભાગવા લાગી,ત્યારે અર્જુનને આવતો જોઈને કુમારોએ 

તે સેનાને ભગાડવામાં સાથ આપ્યો.ત્યારે અર્જુને નજીક આવી સર્વને કહ્યું કે-'દ્રુપદ,કુરુવીરોના સંબંધી છે,

તેમના સૈન્યને મારશો નહિ,ચાલો આપણે ગુરુદક્ષિણા આપીએ'(28-61)


જયારે,અર્જુને,દ્રુપદને,દ્રોણાચાર્ય સામે ઉપસ્થિત કર્યો,ત્યારે દ્રોણે,પૂર્વના વેરને યાદ કરીને,વ્યંગમાં,દ્રુપદને કહ્યું કે-

'મેં તારા દેશને બળથી મસળી નાખ્યો છે,તું હવે રાજા રહ્યો નથી,ને તારું જીવન શત્રુના હાથમાં છે,તો 

તું શા માટે મિત્રતા ઈચ્છે છે?' આમ કહી ક્ષણવાર થોભીને,તે બોલ્યા-હે વીર,તારા પ્રાણનો ભય તું રાખીશ નહિ,અમે ક્ષમાશીલ બ્રાહ્મણો છીએ.બાળપણમાં,આપણે સાથે રમ્યા છીએ,તેથી હું ફરી તારી મિત્રતા ઈચ્છું છું 

ને તને અડધું રાજ્ય આપવાનું વચન આપું છું.તે જયારે કહ્યું હતું કે 'રાજા જ રાજાનો મિત્ર હોઈ શકે છે'

એટલે જ તારા રાજ્યને મેળવવા આ પ્રયત્ન મેં કર્યો છે.ગંગાના જમણા કાંઠે તું રાજા રહેજે ને ડાબે કાંઠે 

હું રાજા રહીશ,હે પાંચાલ,આ જો તને માન્ય હો,તો તું મને તારો મિત્ર જાણ' (62-70)


દ્રુપદ બોલ્યો-'હે બ્રહ્મન,તમારા પરાક્રમથી,હું આપનાથી પ્રસન્ન છું,ને નિત્ય આપની પ્રીતિ ઈચ્છું છું'

દ્રુપદે આમ કહ્યું,એટલે દ્રોણે,તેને તરત જ છોડી દીધો ને પ્રસન્નતાપૂર્વક તેને સત્કારી,અર્ધું રાજ્ય આપ્યું.

પછી,મનથી દીન થયેલ તે દ્રુપદ રાજા,કાંપીલ્ય નગરનો રાજા બન્યો.તેને હવે લાગ્યું એ ક્ષાત્રબળથી તો દ્રોણને પરાજય આપી શકાય તેમ નથી,પોતે બ્રાહ્મબળથી ઉતરતો છે એમ માનીને,દ્રોણને વશ કરે તેવા પુત્રની પ્રાપ્તિ 

માટે તે પૃથ્વી પર ઘૂમવા લાગ્યો.દ્રોણ,અહિચ્છત્ર દેશનો રાજા બન્યો.આ રીતે અર્જુને,દ્રોણગુરુને 

યુદ્ધમાં અહિચ્છત્ર નગર જીતીને,ગુરુદક્ષિણામાં અર્પણ કરી હતી. (71-77)

અધ્યાય-138-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE