Mar 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-132

 
અધ્યાય-૧૩૯-પાંડવોના પરાક્રમથી ધૃતરાષ્ટ્રને ચિંતા 

II वैशंपायन उवाच II ततः संवत्सरस्यानते यौवराज्याय पार्थिव I स्थापितो धृतराष्ट्रेण पाण्डुपुत्रो युधिष्ठिरः II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજા,આ વાતને એક વર્ષ વીત્યા પછી,ધૃતરાષ્ટ્રે યુધિષ્ટિરની,ધીરતા,અકઠોરતા,

સરળતા,દયાળુતા ને સ્થિર મિત્રતા-આદિ ગુનો જોઈને તેમને યુવરાજપદે સ્થાપ્યા.

ને ટૂંક સમયમાં જ યુધિષ્ઠિરે,પોતાના સદગુણોથી,પિતાની કીર્તિને પણ પાછળ પાડી દીધી.(1-3)

દરમિયાનમાં,ભીમ,બલરામ પાસે,ખડગયુદ્ધ,ગદાયુદ્ધ ને રથયુદ્ધની વિદ્યા શીખ્યો,ને વિદ્યા શીખીને,

તે ભાઈની આજ્ઞામાં રહીને રહેવા લાગ્યો.અર્જુન પણ,લક્ષ્યવેધમાં કુશળ થયો ને ક્ષુર,નારાચ,ભલ્લ અને વિપાઠ-આદિ સીધાં,વાંકાં તથા વિશાલ અસ્ત્રોના પ્રયોગ કરવામાં નિષ્ણાત થયો,જેથી 

દ્રોણાચાર્યને નિશ્ચય થયો કે-ચપળતા ને સલૂકાઇમાં અર્જુન જેવો આ લોકમાં બીજો કોઈ નથી.


એક વખતે,દ્રોણે અર્જુનને કહ્યું કે-'પૂર્વે અગ્નિવેશ નામે પ્રસિદ્ધ મારા ગુરુ હતા.તેમની પાસેથી,વજ્રના જેવું તેજસ્વી અને પૃથ્વીને પણ બાળી મૂકે એવું 'બ્રહ્મશિર' નામે અમોઘ એવું શસ્ત્ર મને સાંપડ્યું છે,તેને એક પાત્રથી બીજા સુપાત્રને (તને)સોંપવાને હું તૈયાર થયો છું.હું તને આ અસ્ત્ર આપું છું,કેમ કે તારા સિવાય આને માટે કોઈ બીજો યોગ્ય નથી.તું એને અલ્પ વીર્યવાળા મનુષ્યો પર છોડીશ નહિ,તું મને ગુરુદક્ષિણા આપ' અર્જુને કહ્યું-'તથાસ્તુ'

ગુરુ બોલ્યા-'કોઈ વખતે,યુદ્ધમાં હું તારી સામે હોઉં,તો  ત્યારે તારે મારી સાથે યુદ્ધ કરવું' (4-15)


પછી,પૃથ્વી પર,તે વખતે વાત ચાલી હતી કે-'અર્જુન જેવો બીજો કોઈ ધનુર્ધારી નથી'

નીતિમાન સહદેવ,પણ,દ્રોણાચાર્ય પાસેથી સકલ નીતિને પ્રાપ્ત કરીને ભાઈઓને વશ રહેતો હતો.

તો નકુલ,દ્રોણ પાસેથી વિદ્યા શીખીને 'ચિત્રયોધી'નું બિરુદ પામીને અતિરથી તરીકે પ્રસિદ્ધ થયો હતો.


ત્યાર બાદ,પાંડુ પણ જેને વશ કરવા સમર્થ થયા નહોતા તે યવનાધિપતિ રાજાને અર્જુને વશમાં આણ્યો.

કુરુઓ પ્રત્યે ગર્વ રાખનાર,વિપુલ નામના સૌવીરરાજને,પણ અર્જુને માર્યો.

દત્તામિત્ર નામે પ્રસિદ્ધ થયેલા સુમિત્ર નામના સુવીરદેશના વીરને અર્જુને બાણોથી પરાસ્ત કર્યો.

ભીમસેનની સહાયતાથી,પૂર્વદેશના રાજાઓને,તેમના દશ હજાર રથો સાથે જીતી લીધા.

તે જ રીતે દક્ષિણ દિશા જીતીને,અર્જુને કુરુરાજ્યમાં પુષ્કળ ધનની ભરતી કરી.(15-25)


આ રીતે,જયારે પાંડવોએ,બીજાં રાજ્યો જીતીને,પોતાના રાજ્યની વૃદ્ધિ કરી,ત્યારે પાંડવોનું અતિબળ જાણીને,ધૃતરાષ્ટ્રનો પાંડવો પ્રત્યેનો ભાવ એકાએક દુષિત થયો.તેને ભારે ચિંતા થવા લાગી અને 

તેને રાત્રે નિંદ્રા પણ ન આવવા લાગી (26-28)

અધ્યાય-139-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE