Mar 28, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-134


કણિક બોલ્યો- જેમ,ફળેલી ડાળીને નમાવીને,પાકાં ફળ તોડી લેવાય છે,તેમ,શત્રુ-રૂપી-ફળ તોડવાનો એવો જ
ઉપાય છે.સમય ન આવ્યો હોય ત્યાં સુધી,શત્રુને ખભે બેસાડી ફેરવવો,ને સમય આવ્યે તેનો નાશ કરવો.

શત્રુ,દીન થઈને ઘણુંઘણું કહે તો પણ,તેના પર કૃપા કરવી નહિ,અપકારીઓને તો હણી જ નાખવા.

આમ શત્રુને સાંત્વન,દાન,સામ,દામ,દંડ ભેદ-આદિ ઉપાયોથી ઉખેડી જ નાખવો (21-24)

ધૃતરાષ્ટ્ર બોલ્યા-સામ,દામ,દંડ અને ભેદથી શત્રુને કેવી રીતે હણાય?તે વિષે યથાર્થ કહો 

કણિક બોલ્યો-હે રાજન,પૂર્વે,નીતિશાસ્ત્રનાં રહસ્ય જાણનારો એક જંબુક,વનમાં રહેતો હતો.તેનું વૃતાંત સાંભળો.

સ્વાર્થમાં પંડિત અને કુશળ બુદ્ધિવાળો કોઈ એક શિયાળ(જંબુક),વાઘ,ઉંદર,વરુ ને નોળિયા સાથે મૈત્રી બાંધી રહેતો હતો,તેઓએ,તે વનમાં મૃગોના એક બળવાન દલપતિને જોયો.પણ તેઓ તેને પકડી શકે એમ નહોતા,

એટલે માંહેમાંહે મંત્રણા કરવા લાગ્યા.(25-28)


જંબુક બોલ્યો-'હે વાઘ,તેં આને હણવાને માટે અનેક વાર યત્ન કર્યા,પણ તે પકડાઈ શક્યો નથી.માટે,

તે સૂતો હોય,ત્યારે ઉંદર તેના પગ કરડી ખાય,ત્યારે તારે તેને પકડી લેવો.પછી,આપણે તેને ખાઈશું.'

જંબુકના કહેવા મુજબ ઉંદરે તેના પગ કરડી ખાધા,એટલે વાઘે તેને મારી નાખ્યો,તેને જોઈને જંબુકે કહ્યું કે-

'તમારું કલ્યાણ થાઓ,તમે નાહીને આવો,ત્યાં સુધી હું આનું રખોપુ કરીશ'

ત્યારે સૌ,નાહવા ગયા,ને પછી,તે જંબુક,જાણે મોટી ચિંતામાં પડ્યો હોય તેમ ત્યાં જ ઉભો રહ્યો હતો.


એટલામાં,મહાબળવાન વાઘ નાહીને સૌથી પહેલો પાછો આવ્યો,ને જંબુકને ચિંતાવાળો જોઈને તેને 

ચિંતાનું કારણ પૂછ્યું,ત્યારે જંબુક બોલ્યો-'હે મહાબાહુ,ઉંદરે મને જે વચન કહ્યાં હતાં તે તું સાંભળ.

ઉંદર કહેતો હતો કે-'આ મૃગને તો મેં માર્યો છે,વાઘના બળને ધિક્કાર છે,મારા બાહુબળના આશ્રયે જ 

તે આજ તૃપ્તિ પામશે' તેના ગર્વભર્યા વચનોથી મને આજે ખાવું પણ ભાવતું નથી'


વાઘ બોલ્યો-જો તે આમ જ કહે છે તો,હવે હું જાગી ગયો છું,હવે હું મારા જ બાહુબળનો આશ્રય કરી વનચરોને હણીશ,ને ત્યાં જ માંસ ખાઈશ' આમ કહી તે વનમાં ચાલ્યો ગયો.ત્યાર બાદ ઉંદર આવ્યો ત્યારે.તેને 

શિયાળે (જંબુકે) કહ્યું કે-'હે ઉંદર તારું કલ્યાણ થાઓ,પણ નોળિયાએ મને જે કહ્યું હતું તે સાંભળ,

તેણે કહ્યું હતું કે-'મૃગનું માંસ હું નહિ ખાઉં,કેમ કે એ તો ઝેર છે,હું તો ઉંદરને જ ખાઈશ,મને અનુમતિ આપો'

આ વચન સાંભળતાં જ ઉંદર ગભરાઈ ગયો ને દરમાં ભરાઈ ગયો.


પછી,થોડીવારમાં વરુ ત્યાં આવ્યો એટલે જંબુકે તેને કહ્યું કે-'વાઘ તારા પર ક્રોધે ભરાયો છે,એટલે તારું સારું 

થાય એમ નથી લાગતું,તે પોતાની પત્ની સાથે અહીં આવી રહ્યો છે,તો તું આ વિષે વિચારી લે'

ત્યારે વરુ,પણ ગભરાઈને ત્યાંથી લપાતો લપાતો નાસી ગયો.ત્યાર બાદ છેલ્લે,નોળિયો આવ્યો,ત્યારે 

શિયાળે તેને કહ્યું કે-'મારા બાહુબળના આશ્રયે મેં વાઘ આદિને હરાવ્યા છે,તેઓ અહીંથી ચાલ્યા ગયા છે,

હવે તું મારી સાથે લડીને,જ તારી ઇચ્છામાં આવે તેટલું માંસ ખા' ત્યારે નોળિયો પણ તે શિયાળથી 

ગભરાઈને,તેની સાથે લડવાની ઈચ્છા કર્યા વગર જ ત્યાંથી ચાલો નીકળ્યો.(29-48)


કણિક બોલ્યો-હે રાજન,આમ બધા ચાલ્યા ગયા ત્યારે હર્ષિત મનવાળો તે શિયાળ,પોતાની યુક્તિની સિદ્ધિને 

લીધે એકલો જ માંસ ખાવા લાગ્યો.હે રાજન,રાજા,સદૈવ આવો (યુક્તિ)વ્યવહાર કરવાથી જ સુખ મેળવે છે.

ભીરુને ભયથી ભેદવો,વીરને વિનયથી વશ કરવો,લોભીને ધનથી લોભાવવાઓ,સમોવડીયા કે ઉતરતાને 

પરાક્રમથી વશમાં લાવવો જોઈએ.(49-51)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE