Mar 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-137

 
જતુગૃહ પર્વ 

અધ્યાય-૧૪૧-પાંડવો પ્રત્યે દુર્યોધનની ઈર્ષા 

II वैशंपायन उवाच II ततः सुबलपुत्रस्तु राजा दुर्योधनश्चह् I दुःशासनश्च कर्णश्च दुष्टं मंत्रममंत्रयन् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સુબલપુત્ર શકુનિ,દુર્યોધન,દુઃશાસન અને કર્ણ મળીને દુષ્ટ મંત્રણા કરવા લાગ્યા.

ધૃતરાષ્ટ્રની અનુમતિ લઈને,તેમણે કુંતીના પાંચે પુત્રોને લાક્ષાગૃહમાં બાળી મુકવાનો નિર્ણય કર્યો.

કૌરવોની ચેષ્ટાઓથી,તેમનો ભાવ જાણી જનારા તત્વદર્શી વિદુર,કૌરવોનો વિચાર જાણી ગયા,ને બીજું 

જાણવા જેવું જાણીને,પાંડવોના હિતમાં રહેનારા તે વિદુરે,કુંતીને પુત્રો સાથે નસાડી મુકવાનો વિચાર કર્યો.

પછી,તેમણે,પવનમાં ટકે એવી અને પાણીનાં મોજાંઓ સહન કરે તેવી,યંત્ર ને સઢવાળી એક મજબૂત નાવ કરાવીને,

કુંતીને કહ્યું કે-'હે શુભા,આ ધૃતરાષ્ટ્ર,કુળની કીર્તિ ને સંતતિનો નાશ લાવનાર નીવડ્યો છે,

વિપરીત બુદ્ધિવાળો તે સનાતન ધર્મને ત્યજવા બેઠો છે,ને તેણે તમને મારવાનો નિર્ણય કર્યો છે,

માટે મેં મજબૂત એવી આ હોળી જળમાર્ગમાં મૂકી છે,જેનાથી તું પુત્રો સાથે મૃત્યુના પાશમાંથી છૂટશે (1-7)


વૈશંપાયન બોલ્યા-તે સાંભળીને,કુંતી વ્યથા પામી ને પુત્રો સાથે નાવમાં બેસીને ગંગા પાર કરી ગઈ.

વિદુરના કહેવા મુજબ,પાંડવોએ નાવ છોડી દીધી ને વિદુરે આપેલું ધન લઈને વિઘ્ન ન આવે તેવા વનમાં પેઠા.

બીજી,બાજુ,પાંડવોને બાળી મુકવા,કૌરવોએ (પુરોચન દ્વારા) બનાવેલ લાક્ષાગૃહમાં,કોઈ કારણસર,એક ભીલડી,

પોતાના પાંચ પુત્રો સાથે આવીને આશરા માટે રહી હતી,તે નિર્દોષ,પોતાના પુત્રો સાથે તેમાં બળી ગઈ.

વળી,લાક્ષાગૃહને બનાવનાર પુરોચન પણ તેમાં બળી ગયો.ને કૌરવો થાપ ખાઈ ગયા.(8-11)


ને આમ,વિદુરની સલાહથી પાંડવો પોતાની માતા સાથે,લોકોની અજાણમાં બચી ગયા.

વારણાવતના લોકોએ લાક્ષાગૃહને બળેલું જોઈ,દુઃખિત થઈને શોક કરવા લાગ્યા,ને ધૃતરાષ્ટ્રને કહેણ મોકલ્યું,

તે સાંભળી,ધૃતરાષ્ટ્રે,પોતાના પુત્રો સાથે શોક કરવા માંડ્યો ને પછી ભીષ્મ-આદિ સાથે તેમની ઉત્તરક્રિયા કરી.


જન્મેજય બોલ્યા-લાક્ષાગૃહનું બાળવું અને પાંડવોનો તેમાંથી બચાવ-એ વિષે હું ફરીથી વિસ્તારપૂર્વક સાંભળવા

ઈચ્છું છું,ક્રૂર કણિકના ઉપદેશને પરિણામે,ધૃતરાષ્ટ્રે જે નિર્દય કામ કર્યું,તે મને કહો,મને ભારે કુતુહલ થયું છે.


વૈશંપાયન બોલ્યા-ભીમને વિશેષ બળવાન ને અર્જુનને ધનુર્વિદ્યામાં સિદ્ધ જોઈને,દુષ્ટચિત્ત દુર્યોધન,સંતાપથી બળવા લાગ્યો હતો,તેથી તેણે,શકુનિ,કર્ણ -આદિ સાથે મળીને અનેક ઉપાયોથી પાંડવોને મારી નાખવાની ચેષ્ટાઓ કરતો હતો.પાંડવો પણ યુક્તિથી તેમાંથી બચતા હતા,ને વિદુરની સલાહને અનુસરીને તેઓ 

કૌરવોના કપટની વાત બહાર પાડતા નહિ.હસ્તિનાપુરના નગરજનો,યુધિષ્ઠિર અને પાંડવોના વખાણ કરતા,

ને યુધિષ્ઠિર જ રાજા થવાને યોગ્ય છે એમ માનતા હતા.પણ આ વાત દુર્યોધન જીરવી શક્યો નહિ,અને 

ઈર્ષાથી બળતો તે ધૃતરાષ્ટ્ર પાસે ગયો ને તેમને કહેવા લાગ્યો કે-(12-32)


'હે પિતા,નગરજનો,તમારો ને ભીષ્મનો અનાદર કરીને,યુધિષ્ઠિરને રાજા તરીકે ઈચ્છે છે.જો કે ભીષ્મનો મત પણ એમાં ભળશે,કેમ કે પૂર્વે,પોતાના ગુણો વડે પાંડુએ રાજ્ય મેળવ્યું હતું.તમે અધિકારી હોવા છતાં,અંધતાને લીધે રાજ્ય પામ્યા નહિ.હવે જો,આ યુધિષ્ઠિર,પાંડુના વારસ તરીકે આ રાજ્ય પામે તો પેઢી દર પેઢી,પાંડવોના વારસો જ રાજ્ય ભોગવશે,ને જો અમે રાજવંશમાંથી નીકળી જશું તો પુત્રોની સાથે લોકમાં અવજ્ઞા પામીશું,ને અમારે સદૈવ પારકાના અન્ન પર ગુજારો કરવાનો આવશે.માટે તમે કોઈ નીતિનું વિધાન કરો.(33-38)

અધ્યાય-141-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE