Apr 1, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-138

 
અધ્યાય-૧૪૨-દુર્યોધનની મંત્રણા 

II वैशंपायन उवाच II एवं श्रुत्वा तु पुत्रस्य प्रज्ञाचक्षुर्नराधिपः I कणिकस्य च वाक्यानि तानि श्रुत्वा स सर्वशः II १ II

વૈશંપાયન બોલ્યા-પુત્રનું આવું કહેવું સાંભળીને,પ્રજ્ઞાચક્ષુ ધૃતરાષ્ટ્ર રાજાએ,કણિકનાં સર્વ વચનો સંભાર્યા.તે દ્વિધામાં

પડ્યો ને શોક કરવા લાગ્યો.પછી,દુર્યોધને,શકુનિ,કર્ણ-આદિ સાથે મંત્રણા કરી ને તે ધૃતરાષ્ટ્રને કહેવા લાગ્યો કે-

'તમે કોઈ સારી યુક્તિ કરીને પાંડવોને વારણાવત નગરમાં ખસેડી મુકો,તો પછી તેમનો ભય રહેશે નહિ'

પુત્રનું વચન સાંભળીને ધૃતરાષ્ટ્રે થોડીવાર વિચાર કર્યો ને પછી તે દુર્યોધનને કહેવા લાગ્યો કે-(1-5)

ધૃતરાષ્ટ્ર બોલ્યા-'પાંડુ સદા ધર્મનિષ્ઠ ને ધર્મપરાયણ હતો,ને તે સર્વ પ્રત્યે ને મારા પ્રત્યે તો વિશેષ પ્રેમ વ્યવહાર હતો.

વૈભવની તેને સ્પૃહા નહોતી,ને તે રાજવૈભવો મને જ અર્પણ કરતો હતો.તેના પુત્રો (પાંડવો) પણ તેના જેવા જ,

ધર્મપરાયણ,ગુણવાન,લોકપ્રસિદ્ધ ને પુરુવંશીઓના અત્યંત માનીતા છે.તો આપણે તેમને,કેમ કરીને બાપદાદાના રાજ્યથી બળાત્કારે દૂર કરી શકીએ? હકીકતમાં તો તે આપણને સહાયકર્તા છે.પૂર્વે,જેમ,નગરજનોએ,પાંડુને સત્કાર્યા હતા તેમ યુધિષ્ઠિરને પણ તેઓએ સત્કાર્યા છે.તો તે નગરજનો તે યુધિષ્ઠિરનો પક્ષ લઈને 

આપણને આપણાં સગાંઓ સાથે કેમ ન મારી નાખે? (6-11)


દુર્યોધન બોલ્યો-પિતાજી,આ વિશે,મેં પ્રથમ જ વિચારીને પ્રજાજનોને ધનમાંથી સત્કાર્યા છે,તેથી તેઓ 

મોટે ભાગે આપણા જ સહાયક થશે.ધનભંડાર ને અમાત્યવર્ગ-આજે મારે જ આધીન છે,તમે તો માત્ર 

ચિંતા કર્યા વિના,કોઈ કોમળ ઉપાયો વડે તેમને વારણાવત નગરમાં મોકલી દેવા માટે યોગ્ય કરો.

એક વાર રાજ્ય મારા હાથમાં આવી જાય,પછી ભલે કુંતી તેના પુત્રો સાથે પછી આવે (12-15)


ધૃતરાષ્ટ્ર બોલ્યા-હે દુર્યોધન,મારા હૃદયમાં પણ આ જ વિચાર ઘોળાય છે,પણ તે વિચાર પાપ ભરેલ હોવાથી હું તેને પ્રગટ કરતો નહોતો.કેમ કે ભીષ્મ,દ્રોણ અને કૃપાચાર્ય-એ કોઈ પણ કુન્તીપુત્રોને કાઢી મુકવાની સંમતિ આપશે નહિ.તે ધર્માનુભવો માટે તો આપણે સર્વ  સમાન છીએ,તેથી તેઓ અસમાનતા ઈચ્છે જ નહિ.


દુર્યોધન બોલ્યો-ભીષ્મ,સદા મધ્યસ્થ છે,દ્રોણપુત્ર અશ્વસ્થામા મારા પક્ષમાં છે,એટલે જ્યાં તે છે ત્યાં દ્રોણ નિઃસંશય રહેશે.અને જ્યાં આ બંને હશે ત્યાં કૃપાચાર્ય પણ રહેશે કેમ કે,દ્રોણ અને ભાણેજને તે ક્યારેય નહિ ત્યજે.

જો કે,વિદુર,ગુપ્ત રીતે શત્રુઓ સાથે મળી ગયો છે,તો પણ તેનો રોટલો આપણે આધીન છે,

તમે નિશ્ચિન્ત થઈને પાંડુપુત્રોને તેની માતા સાથે,આજે જ અહીંથી વારણાગત વિદાય કરો.

શોક-રૂપ અગ્નિથી મારા હૃદયમાં ભયંકર શૂળ થાય છે ને મને નિંદ્રા આવતી નથી,(16-24)

અધ્યાય-142-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE