Apr 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-139

અધ્યાય-૧૪૩-પાંડવોનું વારણાગત જવું 


II वैशंपायन उवाच II ततो दुर्योधनो राज सर्वाः प्रकृतयः शनैः I अर्थमानप्रदानाभ्यां संजहार सहानुजः II १ II

પછી,રાજા દુર્યોધન,પોતાના નાના ભાઈઓ સાથે,સર્વ પ્રજાજનોને ધીરેધીરે ધ્યાનમાં આપીને પોતાને આધીન કરવા લાગ્યો.ધૃતરાષ્ટ્રે ગોઠવેલા,કેટલાક કુશળ મંત્રીઓએ,એવી વાત ચલાવી કે-'રમણીય વારણાવત નગરમાં,પાશુપતિનો

અત્યંત રમણીય એવો ઉત્સવ આવ્યો છે,તે રત્નોથી ભરપૂર દેશમાં,માણસોનો મહામેળો થાય છે'

આવી વાતોથી પાંડુપુત્રોએ ત્યાં જવાનો વિચાર કર્યો,ત્યારે તેમની પાસે જઈને ધૃતરાષ્ટ્રે તેમને કહ્યું કે-(1-6)

'મારા માણસો નિત કહે છે કે-વારણાવત નગર આ લોકમાં સહુથી રમ્ય છે,તમે ઉત્સવમાં જવા ઇચ્છતા હો તો,

તમે સાથીઓ સાથે દેવોની જેમ ત્યાં વિહાર કરો,તમે બ્રાહ્મણો ને ગાયકોને યથેચ્છ રત્નો આપજો,ને ત્યાં થોડો વખત વિહાર કરી,આનંદ અનુભવી ને સુખી થઇ,પાછા હસ્તિનાપુર આવી જજો' (7-10)


વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રની તે ઈચ્છા જાણીને,યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે-'આપની આજ્ઞા મુજબ જ થશે'

પછી,ભીષ્મ,વિદુર,દ્રોણ,કૃપાચાર્ય-આદિ સૌને યુધિષ્ઠિરે દીન થઈને કહ્યું કે-'ઘૃતરાષ્ટ્ર્ની આજ્ઞાથી અમે,

વસ્તીથી ભરેલા વારણાવત નગરમાં સપરિવાર જઈએ છીએ,તો તમે સૌ પુણ્યવચન કહો,

એટલે તમારી આશિષથી અમે વૃદ્ધિ પામીએ અને અમને પાપ અડે જ નહિ' 


ત્યારે,સૌએ પાંડવોને આશિષ આપી 'હે પાંડુનંદનો,માર્ગમાં સર્વ ભૂતોથી તમારું કલ્યાણ થાઓ,તમને ક્યાંય 

પણ અશુભ સામે ન આવે' આમ સ્વસ્તિવાચન કરાવીને તથા સર્વ કાર્યો કરીને તે પાંડવ રાજપુત્રો,

રાજ્યાલાભ માટે વારણાવત જવા નીકળ્યા  (11-19)

અધ્યાય-143-સમાપ્ત 


અધ્યાય-૧૪૪-પુરોચનને લાક્ષાગૃહ બાંધવા મોકલ્યો 


II वैशंपायन उवाच II एवमुक्तेपु राज्ञा तू पांडुपुत्रेषु भारत I दुर्योधनः परं हर्षमगच्छरस दुरात्मवान II १ II

વૈશંપાયન બોલ્યા-હે ભારત,સૌએ એ પ્રમાણે પાંડુપુત્રોને આશીર્વચન કહ્યાં,ત્યારે દુરાત્મા દુર્યોધનને પરમહર્ષ થયો,

તેણે,મંત્રી પુરોચનને જમણે હાથે પકડી,એકાંતમાં લઈ જઈને કહ્યું કે-'હે પુરોચન,હવે આ ધનથી ભરેલ ધરતી મારી થઇ છે,ને તે જેમ મારી છે તેમ,તારી પણ છે,તો તું તેને રક્ષવાને યોગ્ય છે.તારા જેવો બીજો કોઈ વિશ્વાસુ મારી પાસે નથી કે જેની સાથે હું મંત્રણા કરી શકું.આ મંત્રણાને ગુપ્ત રાખજે,ને હું કહું છું તેમ કરી,શત્રુઓને મારી નાખ.(1-5)


ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી પાંડવો વારણાવત જશે,ને ઉત્સવમાં આનંદ કરશે.તો તું ખચ્ચર જોડેલા શીઘ્રવેગી રથ વડે,ઝડપથી,આજે જ વારણાવત પહોંચ,ત્યાં જઈને તું નગરની એક બાજુએ,વિશાળ,ચોખંડુ ને મહામૂલું ભવન બનાવ.કે જે બનાવવામાં,શણ,રાળ-આદિ જે કાંઈ સળગી ઉઠે તેવા પદાર્થો વાપરજે.ઘી,તેલ,ચરબી,ને લાખ મેળવીને તું ભીંતો પર તેનો લેપ કરાવજે,ને ઘરની ચારે બાજુ પણ તેને પથરાવી નાખજે.

પણ,સાથે સહતે એવું કરજે કે-પાંડવો કે બીજા કોઈ તે ઘરની પરીક્ષા કરે 

તો પણ તે જોઈ શકે નહિ કે આ ઘર સળગી ઉઠે તેવું છે.(6-12)


ને એ પ્રમાણે ઘર તૈયાર થાય ત્યારે,એટલે તારે જઈને પાંડુપુત્રો ને કુંતીનો પરમ આદર કરી,તેમાં વાસ આપવો.

તેમને માટે તેમાં,દિવ્ય આસનો,શય્યાઓ એવાં સજ જે કે જેથી સર્વ પ્રસન્ન થાય.પછી,પાંડવો-આદિ નિર્ભયતાથી સૂતા

હોય ત્યારે તે ભવનના બારણા આગળથી આગ મૂકજે,કે જેથી તે સર્વે બળી જાય.નગરના લોકો આ 

કાવતરાથી અજાણ જ હોવાથી તેઓ તો એમ જ માનશે કે-ઘર બળી જવાથી પાંડવો તેમાં બળી ગયા.

અને તેઓ ક્યારે ય પાંડવો માટે આપણા પર શક લાવી શકશે નહિ કે આપણી નિંદા પણ કરશે નહિ.(13-17)


ત્યારે,પુરોચને 'એમ જ કરીશ' એવું વચન આપીને,ખચ્ચર જોડેલા શીઘ્રગતિવાળા રથમાં બેસીને 

ત્યાંથી નીકળ્યો,ને વારણાવત પહોંચીને,તેણે દુર્યોધને જેમ કહ્યું હતું તેજ પ્રમાણે કર્યું.(18-19)


અધ્યાય-144-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE