May 7, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-173

 
અધ્યાય-૧૯૨-ધૃષ્ટદ્યુમ્ને પાંડવોની તપાસ કરી 

II वैशंपायन उवाच II धृष्टध्युम्नस्तु पांचाल्यः पुष्ठतः कुरुनन्दनौ I अन्वगच्छत्तदयांतौ भार्गवस्य निर्वेशने  II १ II

વૈશંપાયન બોલ્યા-ભીમ ને અર્જુન એ કુરુનંદનો કુંભારને ઘેર જતા હતા ત્યારે,પાંચાલપતિનો પુત્ર ધૃષ્ટદ્યુમ્ન પણ તેમની પાછળ પાછળ ગયો હતો.કોઈ તેને ઓળખે નહિ,તેમ તે પોતે કુંભારના ઘરની નજીકમાં સંતાઈ રહ્યો હતો,

ને ચોમેર તેણે,પોતાના માણસોની ચોકી બેસાડી હતી.(1-2)

તે સાંજે,ભાઈઓએ,લાવેલી ભિક્ષા યુધિષ્ઠિરને નિવેદિત કરી,પછી,દાનપરાયણ કુંતીએ દ્રૌપદીને કહ્યું કે-

'હે ભદ્રા,આમથી તું પ્રથમ ભાગ લઈને,તું બલિકર્મ કર ને બ્રાહ્મણોને ભિક્ષા આપ.વળી આસપાસના જે અતિથિ હોય ને જેઓ અન્નની આશા રાખતા હોય,તેમને તું આપ.પછી જે બાકી રહે તેમાંથી તું બે ભાગ કર.

તેમાંના એક ભાગમાંથી ચાર ભાઈઓના ચાર,તારો ને મારો એમ છ ભાગ કર,ને બીજો આખો ભાગ,

તું દ્રઢ અંગવાળા ભીમને આપ,કેમ કે તે વીર સદૈવ પુષ્કળ ખાનારો છે.(4-6)


પ્રસન્નમન દ્રૌપદીએ,કુંતીના કહ્યા મુજબ કર્યું,ને સર્વ પાંડવો એ ભોજન જમ્યા.પછી,સહદેવે,જમીન પર દર્ભો પાથરીને પથારી કરી,ને સર્વ પાંડવો પોતપોતાનાં મૃગચર્મો પાથરીને,ધરતી પર શયન કર્યું.

કુંતી તે પાંડવોના માથા આગળ અને દ્રૌપદી તેમના પગ આગળ જમીન પર સૂતી,તો પણ તેણે મનમાં કશું 

દુઃખ કર્યું નહિ કે કોઈ પાંડવોની અવગણના કરી.પાંડવો દિવ્ય અસ્ત્રો-આદિની જાતજાતની કથાઓ કહેતા હતા ત્યારે પાંચાલરાજના પુત્રે તે કથાઓ સાંભળી,ને તેણે અને સર્વ મનુષ્યોએ કૃષ્ણાને ધરતી પર સુતેલી જોઈ.(3-13)


ત્યાં,જે બન્યું હતું તે અને જે કોઈ વાતો ત્યાં ચાલતી હતી તે સઘળું,દ્રુપદરાજને કહેવાની ઇચ્છાએ ધૃષ્ટદ્યુમ્ન ત્યાંથી નીકળી ગયો.પાંડવોને ન ઓળખતા અને ખિન્ન થયેલા દ્રુપદે,પુત્રને પૂછવા લાગ્યું કે-'કૃષ્ણાને કોઈ શુદ્ર,હીનવર્ણ,વૈશ્ય કે કર દેનારો તો નથી લઇ ગયોને? શું ફૂલમાળા સ્મશાનમાં તો નથી પડીને? 

કૃષ્ણાને લઇ જનારો શ્રેષ્ઠ બ્રાહ્મણ છે ને? શું કોઈ કાદવથી ખરડાયેલ પગ કે કોઈએ તેનો ડાબો પગ મારા 

માથા પર તો નથી મૂક્યોને? હે પુત્ર,મારી પુત્રીનો વિજેતા કોણ છે? તે તું કહે.શું પાંડુના પુત્રો જીવે છે?

શું તેના નાના પુત્ર અર્જુને જ આજે ધનુષ્ય સજાવીને નિશાન પાડ્યું છે? (14-18)

અધ્યાય-192-સમાપ્ત 

સ્વયંવર પર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE