May 8, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-174

વૈવાહિક પર્વ 

અધ્યાય-૧૯૩-પાંડવો પાસે પુરોહિતનું આગમન 

II वैशंपायन उवाच II 

तत्तस्थोक्तः परिद्रष्टरुपःपित्रे शशंसाय स राजपुत्रः I धृष्टध्युम्नः सोमकानां प्रवर्हो वृतं यथा येन हृता च कृष्णा  II १ II

વૈશંપાયન બોલ્યા-દ્રુપદે આ પ્રમાણે કહ્યું,ત્યારે રાજપુત્ર ધૃષ્ટદ્યુમ્ને,પરમ પ્રસન્નતાપૂર્વક,તેના પિતાને,

કૃષ્ણાને કોણ લઇ ગયું અને ત્યાં શું બન્યું હતું તે બધું યથાવત કહ્યું.

ધૃષ્ટદ્યુમ્ન બોલ્યો-અહીં,જે વિશાળ અને લાલ નેત્રવાળા,કાળું મૃગચર્મ ધારણ કરેલા ને દેવ જેવા રૂપાળા,

યુવાનશ્રેષ્ઠે ધનુષ્યની પણછ ચડાવીને નિશાન પાડ્યું હતું,તેણે રાજાઓ સાથે યુદ્ધ કર્યા પછી,બ્રાહ્મણોનો 

સત્કાર પામીને અહીંથી જતો હતો ત્યારે,કૃષ્ણા પણ તેના મૃગચર્મને પકડીને તેની પાછળ ગઈ.

બીજો વિશાળ બ્રાહ્મણ,કે જેણે,રાજાઓને નસાડ્યા હતા,તે પણ તેમની પાછળ જ ગયો.

ને તે સર્વ નગર બહાર આવેલી કુંભારની કર્મશાળામાં ગયા.ત્યાં,અગ્નિની જવાળા જેવી એક સ્ત્રી (કુંતી) બેઠી હતી.

મને લાગે છે કે તે તેમની માટે હતી.તે બંનેએ તેના ચરણમાં વંદન કર્યા,અને કૃષ્ણાને પણ 'તું વંદન કર' એમ કહ્યું.

તેમણે લાવેલી ભિક્ષા સ્વીકારીને કૃષ્ણાએ બલિકર્મ કર્યું,બ્રાહ્મણોને ભોજનદાન આપ્યું ને તે માતા ને પુત્રોને ભોજન આપીને તેણે પોતે પણ ભોજન લીધું.ને તે સર્વ સૂતા,ત્યારે કૃષ્ણા પણ તેમના પગ આગળ,દર્ભ ને મૃગચર્મની પથારી પર ધરતી પર સૂતી.ત્યારે તે વીરો જાતજાતની કથાઓ કહેતા હતા,કે જે કથાઓમાં તેઓ બ્રાહ્મણ વૈશ્ય કે શુદ્રની વાત કરતા નહોતા,તેથી મને લાગે છે કે તેઓ નિઃસંદેહ ક્ષત્રિય શ્રેષ્ઠો જ છે.


હે રાજન,તેમનું અહીં કરેલું યુદ્ધ જ,તેનો પુરાવો છે.મને લાગે છે કે આપણી આશા ખરે સફળ થઇ છે.

પૃથાપુત્રો લાક્ષાગૃહની આગમાંથી બચી ગયા છે.તે યુવાને જે રીતે,ધનુષ્ય સજ્જ કરીને નિશાન પાડ્યું,ને 

તેઓ પરસ્પર જે રીતે વાતો કરે છે,તે પરથી ચોક્કસ નક્કી થાય છે કે તેઓ ગુપ્તવેશે પાંડવો જ છે.(1-13)


આ સાંભળી,દ્રુપદરાજ પ્રસન્ન થયા,અને તેમણે,પુરોહિતને પાંડવો પાસે,'તે પાંડવો જ છે?' તેની તપાસ કરીને 

જાણી લાવવા મોકલ્યો.પુરોહિત પાંડવો પાસે જઈને,તેમનો યશ ગાઈને,તેમને કહ્યું કે-દ્રુપદરાજ તમને ઓળખવા ઈચ્છે છે,કેમ કે લક્ષ્યના વિંધનારને જોઈને તેમને હર્ષની અવધિ રહેતી નથી,તમે તમારાં જ્ઞાતિ ને કુલ કહો,ને 

દ્રુપદરાજ તથા તેમના સગાંસંબંધીઓના હૃદયોને આનંદથી ભરી દો.પાંડુરાજા દ્રુપદરાજના પ્રિયમિત્ર હતા,

દ્રુપદરાજના હૃદયમાં એ જ કામના હતી કે-'હું મારી પુત્રીને પાંડુરાજાને પુત્રવધુ તરીકે આપીશ' તેમની એ જ ઈચ્છા રહી હતી કે વિશાળ બહુવાળો અર્જુન મારી આ પુત્રીને ધર્મપૂર્વક પોતાની પત્ની બનાવે.એથી,જો આમ જ થયું હોય,તો એ રૂડું થયું જ કહેવાય,ને તેમને માટે યશકર,પુણ્યરૂપ અને હિતકારી થયેલું જ ગણાય.


ત્યારે યુધિષ્ઠિરે,પાસે ઉભેલા ભીમને કહ્યું કે-'આ દ્રુપદરાજના માન્ય પુરોહિત છે,એટલે તેમનો વિશેષ સત્કાર ઘટે છે,

તેમને અર્ધ્યપાદ્ય આપ.' ભીમે તે પ્રમાણે કર્યું,ત્યારે પુરોહિત પણ તેમની પૂજા હર્ષપૂર્વક સ્વીકારી.

પછી,યુધિષ્ઠિરે કહ્યું કે-'પંચાલપતિએ,પોતાની ઈચ્છાથી નહિ પણ,ક્ષત્રિયધર્મને યોગ્ય સ્વયંવર કરીને આપી છે,

પ્રતિજ્ઞારૂપી મૂલ્યથી આપવા ધારેલી કન્યાને આ વીર વરી લાવ્યો છે,તેમાં વર્ણ,શીલ,ગોત્ર કે કુળની કોઈ શરત થઇ નહોતી.કેમ કે ધનુષ્ય પર બાણ ચડાવીને લક્ષ્ય વીંધવાથી જ આ કન્યા અપાઈ ચુકી છે.એથી દ્રુપદરાજને સંતાપ કરવો ઘટતો નથી,દ્રુપદની જે ઈચ્છા છે તે પણ પૂર્ણ થશે.કેમકે કોઈ મંદ બળવાળો થોડો જ તે ધનુષ્યની પણછ ચડાવી શકે એમ હતો? અસ્ત્રવિદ્યાથી અજ્ઞાત અથવા હીનજાતિનો થોડો લક્ષ્ય પાડી શકે તેમ હતો?'

યુધિષ્ઠિર આમ વાત કરી રહ્યા હતા,તેટલામાં જ પંચાલપતિનો કોઈ એક બીજો માણસ 'જમવાનું તૈયાર છે'

એમ કહેવાની ઈચ્છાએ ત્યાં વેગથી આવી પહોંચ્યો (14-29)

અધ્યાય-193-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE