May 18, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-183

 
અધ્યાય-૨૦૩-ભીષ્મનો ઉપદેશ 

II भीष्म उवाच II न रोचते विग्रहो मे पाण्डुपुत्रैः कथंचन I यथैव धृतराष्ट्रो मे तथा पाण्डुरसंशयम् II १ II

ભીષ્મ બોલ્યા-પાંડુપુત્રો સાથે મને કોઈ પણ રીતે વિગ્રહ રુચતો નથી.જેમ,ધૃતરાષ્ટ્ર મારો છે,તેમ પાંડુ પણ મારો છે.

જેમ,ગાંધારીપુત્રો મારા છે તેમ,કુંતીપુત્રો પણ મારા છે.મારે તે બંનેને રક્ષવાના છે.હે રાજા,તેઓ જેમ મારા છે તેમ,તેઓ તારા,દુર્યોધનના અને અન્ય કુરુઓના છે.ને તેથી જ તેમની સાથે વિગ્રહ કરવો યોગ્ય નથી.

તે વીરો સાથે સંધિ કરીને તેમને અડધું રાજ્ય આપો કેમ કે આ રાજ્ય તેમના પણ બાપદાદાઓનું છે.

હે,દુર્યોધન,તું જેમ માને છે કે આ રાજ્ય તારા પિતાનું છે,તેમ તે પાંડવો પણ માને છે.પણ,જો તે પાંડવોને

 (વારસાથી)રાજ્ય મળે નહિ,તો પછી,તે તે તારું કે કોઈ ભરતવંશીનું ક્યાંથી થશે? આથી તું તેમને અડધું રાજ્ય આપ,

(કે જે તેઓએ વારસાથી તો મેળવેલું જ છે-પણ,તેં તો અધર્મથી આ રાજ્ય મેળવ્યું છે) એમાં જ સર્વજનનું હિત રહેલું છે,

જો આંથી ઉલટું કરવામાં આવશે,તો તારું હિત નહિ થાય ને તારી અપકીર્તિ થશે.

માટે,તું કીર્તિનું રક્ષણ કર,કેમ કે કીર્તિ જ પરમબળ છે,કીર્તિ ગુમાવેલાનું જીવતર વ્યર્થ છે.જેની કીર્તિ નાશ 

પામે છે તે પોતે જ નાશ પામે છે,માટે કુરૂકુળને ઉચિત એવા આ ધર્મનું તું સેવન કર.(1-12)


સદ્ભાગ્ય છે કે-પૃથાપુત્રો જીવે છે,ને પાપી પુરોચન,પોતાના મનોરથ ન પામતાં મૃત્યુ પામ્યો.કુંતીપુત્રો બળી ગયાનું

જ્યારથી મેં સાંભળ્યું ત્યારેથી હું કોઈની સામે જોઈ શકતો નહોતો.કુંતીની દશા સાંભળીને,કોઈ પણ માણસ,

પુરોચનને તેટલો દોષ આપતો નથી કે જેટલો તે તને આપે છે.પાંડવો જીવતા છે,એ તો તારે માથેથી કલંક ટળ્યા સમાન માનવું જોઈએ.તેઓ જીવતા છે ત્યાં સુધી,ઇન્દ્ર પણ તેમના પિતાનો ભાગ (વારસો) પડાવી શકે તેમ નથી.

કારણકે તેઓ  ધર્મમાર્ગી ને એકચિત્ત છે.રાજ્યના સમાન અધિકારી હોવા છતાં તેમને અધર્મથી દૂર કરી દેવાયા છે,

માટે જો તારે ધર્મકાર્ય કરવું હોય ને તું મારુ પ્રિય ઈચ્છતો હોય તો તું પાંડવોને અડધું રાજ્ય આપી દે (13-20)

અધ્યાય-203-સમાપ્ત 


અધ્યાય-૨૦૪-દ્રોણની સલાહ 


II द्रोण उवाच II मंत्राय समुपानीतैर्धृतराष्ट्र हितैनृप I धर्म्यमर्थ्य यशस्यं च वाच्यमित्यनुशुश्रुम II १ II

દ્રોણ બોલ્યા-હે ધૃતરાષ્ટ્રરાજ,મેં સાંભળ્યું છે કે-મંત્રણા માટે બોલાવાયેલા પુરુષોએ,જે,ધર્મ,અર્થ અને યશ કરનારું હોય તે જ કહેવું જોઈએ.મહાત્મા ભીષ્મે જે મત દર્શાવ્યો,તે જ મારો મત છે,કુંતીપુત્રોને એમનો ભાગ મળવો જોઈએ,એ સનાતન ધર્મ છે.માટે,કોઈ પ્રિય બોલનારા મનુષ્યને,પાંડવોને માટે પુષ્કળ રત્નો લઈને,દ્રુપદને ત્યાં જલ્દી મોકલો.વળી,વરપક્ષવાળાએ વહુને સૌ જે કરવાનો વ્યવહાર (રત્ન-અલંકાર) હોય તે પણ લઈને તે મનુષ્ય દ્રુપદ પાસે જાય અને તેને કહે કે-તમારી સાથેનો અમારો સંબંધ ઉચિત થયો છે ને આ સંબંધથી અમારી ભારે ચડતી થઇ છે.વળી,તમે અને દુર્યોધન -બંને આ સંબંધથી પ્રસન્ન થયા છો-એમ પણ તેણે દ્રુપદને કહેવું.


વળી,તેણે,વારંવાર,પાંડવોને સાંત્વન આપવું,તેમ જ તમારી આજ્ઞાથી,દ્રૌપદીને સુવર્ણનાં અનેક આભૂષણો આપવામાં આવે.તેમ જ દ્રુપદપુત્રો,પાંડવો અને કુંતીને માટે તેમને યોગ્ય વસ્તુઓ આપવામાં આવે.

પછી,તે દૂતે,પાંડવોને અહીં,આવવા વિષે કહેવું.દ્રુપદ રજા આપે ત્યારે દુઃશાસન ને વિકર્ણ તેમને અહીં લાવવા માટે સુંદર સેનાએ આશિત સામે જાય.હે રહાં આમ સત્કાર પામીને તે પાંડવો પ્રજાની અનુમતિથી,પિતૃઓની રાજગાદી પર વિરાજશે,ભીષ્મની જેમ હું પણ માનું છું કે-પાંડવો માટે આવો જ વ્યવહાર કરવા યોગ્ય છે.(1-12)


કર્ણ બોલ્યો-હે રાજન,ભીષ્મ અને દ્રોણ,એ બંને તમારા આપેલા ધનમાનથી વધ્યા છે અને તેઓ જ તમને કલ્યાણયુક્ત સલાહ આપતા નથી,તો એથી બીજું કયું આશ્ચર્ય હોય? જે માણસ,પોતાના અંતરાત્માને છુપાવીને,દુષ્ટ મનથી વાત કરે,તે સજ્જનોએ સારી રીતે માન્ય કરેલા કલ્યાણની વાત ક્યાંથી કરી શકે?

સંકટના સમયમાં,મિત્રો કલ્યાણ કે અકલ્યાણરૂપ થતા નથી,પણ ભાગ્યથી જ સૌને દુઃખસુખ મળે છે.

માણસ બુદ્ધિવાળો કે બુદ્ધિ વિનાનો હોય,સહાયવાળો હોય કે બેસહાય હોય,કે બાળક કે વૃદ્ધ હોય,

પણ તેને સર્વ કાળમાં અને સર્વ સ્થાનમાં બધું દૈવથી જ મળે છે. 


સાંભળ્યું છે કે-પૂર્વે,રાજગૃહ નગરમાં.મગધ દેશના રાહોમાં કોઈ એક અમ્બુવીચ નામે સમર્થ રાજા હતો.

તે રાજા નેત્ર-આદિ સર્વ ઇન્દ્રયોથી રહિત હતો,માત્ર શ્વાસ જ લીધા કરતો હતો,તેથી તે સર્વ કાર્યોમાં અમાત્યને અધીન હતો.તેથી તે અમાત્ય કર્ણી,રાજ્યનો સ્વામી થઇ પડ્યો હતો,ને રાજાને માન આપતો નહોતો.

સ્ત્રીઓ,રત્નો,ધનસંપત્તિ અને રાજાના સર્વ ઐશ્વર્યને તેણે પોતાનાં કરી દીધા હતાં.તેમ છતાં.તેના લોભને થીભ રહ્યો નહિ ને તે રાજ્ય ઝુંટવી લેવાનો યત્ન કરવા લાગ્યો,પણ,તેમ છતાં,તે રાજ્ય લઇ શક્યો નહિ,એમ સાંભળ્યું છે,


આમાં,સાચે જ ભાગ્ય વિના બીજું શું હતું કે-તે રાજાનું રાજાપણું રહ્યું? હે રાજન,દૈવે જો તમારા માટે રાજ્યનું નિર્માણ કર્યું હશે તો તે તમારા હાથમાં જ પડશે,ને જો આનાથી ઉલ્ટું જો દૈવ હશે તો યત્ન કર્યા છતાં,

તે તમને મળશે નહિ.છતાં, તમે મંત્રીઓની સાધુતા ને અસાધુતાનો મનમાં તોલ કરજો 

ને દુષ્ટો ને અદુષ્ટોનાં વચન પણ તમે બરાબર સમજી લઈને તમારો નિર્ણય કરજો.


દ્રોણ બોલ્યા-અમે જાણીએ છીએ કે,તારા હૃદયના દુષિત ભાવને લીધે જ તું આવું બોલે છે.હે દુષ્ટ,પાંડવો તરફ તને દ્વેષ હોવાથી,તું અમારા પર દોષ ઓઢાડે છે.હું તો કુળની વૃદ્ધિ થાય એવી પરમ હિતકારી કહું છું,પણ તેને તું મારી દુષ્ટતા માનતો હોય તો,તને જે પરમહિતકારી હોય તે તું કહે.બાકી,હું જે હિતકારક કહું છું,તેથી જો વિપરીત કરવામાં આવશે તો કુરુઓ જોતજોતામાં વિનાશ પામશે,એવો મારો મત છે.(13-28)


અધ્યાય-204-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE