May 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-185

અધ્યાય-૨૦૬-વિદુર અને દ્રુપદનો સંવાદ 

II धृतराष्ट्र उवाच II भीष्मः शांतन्वो विद्वान द्रोणश्च भगवानृपि: हितं च परमं वाक्यं त्वं च सत्यं ब्रवीपि माम् II १ II

ધૃતરાષ્ટ્ર બોલ્યા-વિદ્વાન શાંતનુપુત્ર ભીષ્મે તથા ભગવાન દ્રોણે જે વચન મને કહ્યું છે તે પરમહિતકારી છે.

હે વિદુર,તું પણ મને સત્ય કહે છે,પાંડુના પુત્રો,પણ નિઃસંશય ધર્મથી મારા પુત્રો છે.

જેમ,મારા પુત્રો આ રાજ્યના અધિકારી છે તેમ,પાંડુપુત્રો પણ તેના અધિકારી છે.

હે વિદુર તું જા,તે પાંડવોને તેમની માતાને તથા કૃષ્ણાને અહીં સત્કારપૂર્વક લઇ આવ.

એ સદ્ભાગ્ય છે કે કુંતી ને પાંડવો જીવે છે,એ સદ્ભાગ્ય છે કે એ મહારથીઓ 

દ્રુપદકન્યાને પામ્યા છે,જેથી,એ સદ્ભાગ્ય છે કે અમે સૌ ચડતીને પામ્યા છીએ,વળી,એ સદ્ભાગ્ય છે કે-

પુરોચન નાશ પામ્યા છે,અને મારુ પરમદુઃખ દૂર થયું છે,એ આનંદની વાત છે.(1-6)


વૈશંપાયન બોલ્યા-પછી હે ભારત,ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી વિદુર,દ્રુપદ અને પાંડવોની પાસે જવા નીકળ્યા,

તેમણે,પોતાની સાથે દ્રૌપદી,પાંડવો અને દ્રુપદને માટે વિવિધ રત્નસંપત્તિ લીધી હતી.ત્યાં જઈને,

દ્રુપદને મળ્યા અને તેમની સામે ઉભા,ત્યારે દ્રુપદે તેમનો ધર્મપૂર્વક સત્કાર આપ્યો કુશળ પ્રશ્નો પૂછ્યા.


ત્યાં,વિદુરે,પાંડવો ને વાસુદેવ (કૃષ્ણ)ને જોયા અને તેમને સ્નેહપૂર્વક ભેટીને તેમનું આરોગ્ય પૂછ્યું.

પાંડવોએ,ક્રમ પ્રમાણે વિદુરજીનું પૂજન કર્યું.વિદુરે પણ ધૃતરાષ્ટ્રના વચન પ્રમાણે ફરીફરીને પાંડવોનું કૂશળ 

પૂછ્યું.ને પાંડવો,કુંતી,દ્રૌપદી તેમ જ દ્રુપદના પુત્રો માટે જે વિવિધ રત્નો લાવ્યા હતા તે આપ્યા.(7-14)


પછી,અમાપ બુદ્ધિવાળા,અને વિનયયુક્ત વિદુરે,પાંડુપુત્રો ને કેશવની સમક્ષ દ્રુપદને કહ્યું કે-

હે રાજન,પુત્ર,અમાત્ય અને બાંધવો સહિત,પ્રસન્ન થયેલા ધૃતરાષ્ટ્રે,તમારું ફરીફરીને કુશળ પૂછ્યું છે,

ને કહ્યું છે કે-તમારા સાથેના સંબંધથી તે દ્રઢ પ્રીતિને પામ્યા છે.તેમ જ સર્વ કૌરવો,ભીષ્મ અને દ્રોણે પણ 

તમારું સર્વેનું કુશળ પૂછ્યું છે.અને તેઓ,તમારા સાથેના સંબંધથી પોતાને કૃતાર્થ થયેલા માને છે.હે રાજન,

તમારી સાથે સંબંધ થયાથી તેમને એટલો આનંદ થયો છે કે જેટલો તેમને રાજ્યપ્રાપ્તિથી પણ થાય નહિ.


આ જાણીને,તમે,પાંડવોને,હસ્તિનાપુર આવવાની રજા આપો,કુરુઓ પણ પાંડુપુત્રોને જોવા અધીરા થયા છે.

લાંબા સમયથી પાંડવો ને કુંતી પણ દેશબહાર રહ્યા છે તેથી તેઓ પણ હસ્તિનાપુર જોવાને ઉત્સુક થયા હશે.

વળી,કુરુઓની સ્ત્રીઓ,અને નગરજનો પણ પાંચાલી કૃષ્ણાને જોવા આતુર થયા છે,તો તમે પાંડવોને તેમની પત્ની

સાથે અહીંથી નીકળવા માટે તત્કાળ આજ્ઞા આપો.કે જેમાં મારી પણ સંમતિ છે.


હે રાજન,તમારી પાસેથી,પાંડવોને જવાની આજ્ઞા મળશે,એટલે હું ધૃતરાષ્ટ્રને,શીઘ્રવેગી દૂતો દ્વારા

સંદેશો કહેવડાવીશ કે કુંતી,કુંતીપુત્રો ને કૃષ્ણા,હસ્તિનાપુર આવી રહ્યાં છે.(15-27)

અધ્યાય-206-સમાપ્ત 

વિદુરાગમન પર્વ સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE