May 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-187

અધ્યાય-૨૦૮-યુધિષ્ઠિર અને નારદનો સંવાદ 


II जनमेजय उवाच II एवं संप्राप्यं राज्यं तदिन्द्रप्रस्थं तपोधन I अत ऊर्ध्व महात्मनः किमकुर्वत पाण्डवाः II १ II

જન્મેજય બોલ્યા-હે તપોધન,આમ,ઈંદ્રપ્રસ્થનું રાજ્ય મેળવ્યા પછી,મારા પૂર્વજ એવા,તે પાંડવોએ શું કર્યું?

તેમની ધર્મપત્ની દ્રૌપદી તેમની સાથે કેવી રીતે વર્તતી હતી? તે પાંચે પાંડવો એક પત્ની સાથે સંબંધ રાખતા હતા,છતાં,તેમનામાં પરસ્પર ભેદ કેમ પડ્યો નહિ? તેમની ચેષ્ટાઓને હું સાંભળવા ઈચ્છું છું (1-4)

વૈશંપાયન બોલ્યા-ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી પાંડવો,કૃષ્ણ સાથે આનંદથી રહેવા લાગ્યા.યુધિષ્ઠિરે,ભાઈઓ સાથે રહીને રાજ્યનું ધર્મપૂર્વક પાલન કરવા માંડ્યું.એક વખતે તે સર્વ પાંડવો રાજ્યાસન પર બેઠા હતા ત્યારે દેવર્ષિ નારદ ત્યાં અચાનક આવી ચડ્યા.યુધિષ્ઠિરે તેમને આસન આપી વિધિપૂર્વક અર્ધ્ય આપ્યો.ઋષિ પ્રસન્ન થયા.

પછી,યુધિષ્ઠિરે સંદેશો મોકલી દ્રૌપદીને બોલાવી,ત્યારે દ્રૌપદીએ પણ ત્યાં આવીને દેવર્ષિના ચરણમાં વંદન કર્યા.

ને બે હાથ જોડીને તેમની સામે ઉભી રહી.નારદે તેને આશીર્વાદ આપી કહ્યું કે-'ભલે તમે અંતઃપુરમાં જાઓ.'

કૃષ્ણા વિદાય થઇ ત્યારે નારદ,સર્વ પાંડવોને એકાંતમાં કહેવા લાગ્યા કે-


'યશસ્વિની પાંચાલી,તમારા સૌની એક ધર્મપત્ની છે,આ સ્થિતિમાં તમારા સર્વમાં કોઈ ભેદભાવ ન પડે તે માટે કોઈ નીતિનિયમ કરવો જોઈએ.કેમ કે પૂર્વે સુંદ-ઉપસુંદ નામના બે ભાઈઓ સાથે રહેતા હતા,કે જેઓ બીજાઓથી મારી શકાય તેવા નહોતા.તેઓનાં એક શય્યા,એક ગૃહ,એક આસન અને એક ભોજન હતાં.પણ એક તિલોત્તમાને કારણે,તે બંનેએ એકબીજાનો નાશ કર્યો.આથી,પરસ્પર પ્રીતિવાળા તમે બંધુપ્રેમનું રક્ષણ કરવા માટે,એવું કરજો કે જેથી આ વિષયમાં તમારામાં ભેદભાવ ન પડે.(5-21)


યુધિષ્ઠિર બોલ્યા-હે મહામુનિ,સુંદ-ઉપસુંદ એ બે અસુરો કોના પુત્રો હતા?તેમનામાં ફૂટ કેવી રીતે પડી?

તિલોત્તમા કોની કન્યા હતી? તે અપ્સરા કે દેવકન્યા હતી? આ સર્વ અમે યથાવત ને વિસ્તારથી સાંભળવા 

ઇચ્છીએ છીએ,કેમ કે હે બ્રહ્મન,અમને આ વિશે કુતુહલ થયું છે.(22-24)

અધ્યાય-208-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE