May 23, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-188

 
અધ્યાય-૨૦૯-સુંદ અને ઉપસુંદનું આખ્યાન 

II नारद उवाच II शृणु मे विस्तरेणे ममितिहासं पुरातनम् I भ्रात्रुति: सहितः पार्थ यथावृतं युधिष्ठिर II १ II

નારદ બોલ્યા-હે યુધિષ્ઠિર,પૂર્વે,મહાન અસુર હિરણ્યકશિપુના વંશમાં,નિકુંભ નામે એક બળવાન રાક્ષસ થયો હતો,

તેને સુંદ અને ઉપસુંદ નામના બે,બળવાન ને ક્રૂર માનસવાળા,દૈત્યોના ઇન્દ્ર સરખા પુત્રો હતા.

તે બંને એક જ નિશ્ચયવાળા,એક જ કાર્યવાળા,એક જ પ્રયોજનવાળા,અને સુખદુઃખમાં સદૈવ સાથે વર્તનારા હતા.

તેઓ એકબીજા વિના જમતા નહોતા અને એકબીજાનું પ્રિય કરતા હતા.તેઓ એક જ જાતના સ્વભાવવાળા અને આચરણવાળા હતા,જાણે કે એક જ ખોળિયામાં બે જીવ હોય,તેવા તે હતા.(1-6)

ત્રણે લોક પર વિજય મેળવવા માટે તેમણે નિશ્ચય કર્યો અને વિંધ્યાચળ પર્વત પર જઈને તપ કરવા લાગ્યા.

તેમના લાંબા કાળ સુધીના તપને લીધે તપી રહેલા વિંધ્યાચળે જયારે ધુમાડો કાઢવા લાગ્યો ત્યારે આશ્ચર્ય થયું

તે તપથી દેવો ભય પામ્યા,અને તપને ભંગાવવા વિઘ્નો કરવા લાગ્યા.તેમણે તે બંનેને રત્નો,સ્ત્રીઓથી લોભાવી જોયા,પણ તેઓ વ્રતભંગ થયા નહિ.પછી,દેવોએ માયાથી તે બંનેના સગાસંબંધીઓ ઉત્પન્ન કર્યા,ને તે સંબંધીઓ પર મરવાનો ભય આવ્યો હોય,તેવી પરિસ્થિતિ પેદા કરીને,તે બંનેની સમક્ષ રોતાં રોતાં મોકલ્યાં,છતાં પણ તે બંનેએ વ્રતભંગ કર્યો નહિ.ત્યારે માયાથી બનાવેલાં તે સર્વ અદ્રશ્ય થઇ ગયાં.પછી,પિતામહ બ્રહ્મા,તેમની પાસે ગયા,ને વરદાન આપીને તેમને રીઝવ્યા,એટલે તે બંને હાથ જોડીને બ્રહ્માને કહેવા લાગ્યા કે-


'હે પિતામહ,અમારા તપથી જો તમે પ્રસન્ન થયા હો તો,અમે બેઉ,માયા જાણનારા,

અસ્ત્રવિદ્યા જાણનારા,બળવાન,ઈચ્છા પટ=રામને રૂપ ધરાનાર અને અમર થઇએ'

ત્યારે બ્રહ્મા બોલ્યા-'તમે બંનેએ જે કહ્યું તે બધું તમને મળશે માત્ર અમરતા તમને નહિ મળે.તમે ત્રણે લોકની 

પર વિજય મેળવવા આ તપ આદર્યું હતું,એટલે અમરતા મેળવવાની તમારી ઈચ્છા પુરી નહિ થઇ શકે.

દેવોની સમાન અમર થવા માટે તમે તમારા મૃત્યુ માટે,બીજું કોઈ (વિશિષ્ટ) નિમિત્ત માગી લો' 


સુંદ અને ઉપસુંદ બોલ્યા-'હે પિતામહ,ત્રણે લોકમાં જે સ્થાવર ને જંગમ ભૂતો છે,તે સર્વમાંથી કોઈથી એ અમારું મૃત્યુ ન થાય.માત્ર અમે બંને પરસ્પર અમારો નાશ કરીએ તો જ અમારો નાશ (મૃત્યુ) થાય'

બ્રહ્મા બોલ્યા-'તમે બંનેએ જે પ્રાર્થના કરી છે,અને જે વચન કહ્યાં છે તે તમને હું વરદાનરૂપે આપું છું,

તમારા માટે,તમારા કહ્યા પ્રમાણે જ મૃત્યુનું નિમિત્ત થશે'


નારદ બોલ્યા-તે બંનેને વરદાન આપીને અને તેમને તપમાંથી નિવૃત્ત કરીને બ્રહ્મા ત્યાંથી બ્રહ્મલોક ગયા 

અને તે બંને દૈત્યરાજો પોતાને ભવને ગયા.ને જટાઓ છોડીને સુંદર વસ્ત્રો ને આભૂષણો ધારણ કર્યા.

તેમણે અકાળે પણ સર્વકાળ ઉજવાતો ચંદ્રિકા ઉત્સવ માંડ્યો,જેથી સર્વજનો આનંદિત થયા.

પછી,પોતાની ઈચ્છા પ્રમાણે એ દૈત્યો,અનેક પ્રકારના વિહારોથી ક્રીડા કરતા હતા 

ત્યારે વરસો જાણે એક દિવસ હોય તેમ વહી જતાં તેમને જણાતાં હતાં.(7-34)

અધ્યાય-209-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE