Jun 2, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-198

 
હરણાહરણ પર્વ 

અધ્યાય-૨૨૧-સુભદ્રા તથા દ્રૌપદીને પુત્રપ્રાપ્તિ 

II वैशंपायन उवाच II उक्तवंतो यथावीर्यमसकृत्सर्ववृष्णय : I ततोSब्रविद्वासुदेवो वाक्यं धर्मार्थसंयुतम् II १ II

વૈશંપાયન બોલ્યા-જયારે,સર્વ વૃષ્ણીઓ પોતાના બળ પ્રમાણે બોલી રહ્યા પછી,વાસુદેવ ધર્મયુક્ત વચનો 

કહેવા લાગ્યા-'તે ગુડાકેશ અર્જુને આપણા કુળનું અપમાન નથી કર્યું,પણ નિઃસંશય સન્માન જ કર્યું છે.

તે પૃથાપુત્ર,આપણને કદી ધનલોભી (કન્યાના બદલામાં ધન લે તેવા) માનતો નથી,ને,સ્વયંવરમાં 

આ કન્યા પોતાને જ મળે-એવું નક્કી નહિ હોવાથી તે સ્વયંવર પસંદ કરતો નથી.કન્યાનું પશુની જેમ 

દાન અપાય તે તો કોને માન્ય હોય? પૃથ્વીમાં કયો મનુષ્ય પોતાની કન્યાનો વિક્રય કરે?

આથી મને લાગે છે કે-આ દોષો જોઈને એ કુંતીપુત્ર પાંડવે ધર્મપૂર્વક કન્યાનું અપહરણ કર્યું છે.આ સંબંધ યોગ્ય 

જ છે.સુભદ્રા યશસ્વિની છે અને એવા જ યશસ્વી પૃથાપુત્રે તેનું અપહરણ કર્યું છે.ભરતના તથા યશસ્વી શાંતનુ વંશમાં જન્મેલા અને કુંતીભોજની પુત્રીના એ પુત્ર અર્જુનને કોણ પોતાનો કરવા નહિ ઈચ્છે? 

હું જોતો નથી કે ભગવાન શંકર સિવાય કોઈ બીજો તે અર્જુનને રણમાં જીતી શકે.માટે,હે પરમશ્રેષ્ઠી,હર્ષપૂર્વક 

તે ધનંજયની પાછળ દીદી,તેને સાંત્વન આપી પાછો લાવો,એવી મારી મોટી સલાહ છે.કેમ કે જો તે આપણને બળપૂર્વક હરાવીને પોતાના નગરમાં પહોંચી જશે તો આપનો યશ નાશ પામશે.એટલે જો સલાહ શાંતિથી વર્તવામાં આવે તો આપણો પરાજય નહિ થાય ને આપનો યશ પણ જળવાઈ રહેશે' (1-11)


વાસુદેવનાં વચન સાંભળીને તે યાદવોએ તે પ્રમાણે જ કર્યું.સમર્થ અર્જુન પાછો આવ્યો ને ત્યાં જ વિવાહકાર્ય થયું.

પછી,અર્જુન ત્યાં એક વર્ષ ઉપરાંત રહ્યો,યાદવોથી સત્કાર પામીને તે યચેછ કરતો રહ્યો ને પછી,બાકીનો સમય તેણે પુષ્કર તીર્થમાં ગાળ્યો.આમ,બાર વર્ષ પુરાં થતા તે ખાંડવપ્રસ્થ પાછો આવ્યો ને નિયમપૂર્વક યુધિષ્ઠિર પાસે ગયો.

પછી,બ્રાહ્મણોનું પૂજન કરીને તે દ્રૌપદી પાસે ગયો.ત્યારે દ્રૌપદીએ તેને વ્યંગમાં કહ્યું કે-


'હે કૌંતેય,પેલી યાદવપુત્રી જ્યાં હોય ત્યાં જ તમે જાઓને ! ભારો સારી રીતે બાંધ્યો હોય પણ 

તેના પર બીજો બંધ બાંધીએ તો પહેલો બંધ  ઢીલો પડી જાય છે ને?' 

ત્યારે અર્જુને દ્રૌપદીને સાંત્વન આપી વારંવાર ક્ષમા માગી. (12-18)


પછી,અર્જુન સુભદ્રા પાસે ગયો અને તેને ગોપીકાનો વેશ કરાવીને અંતઃપુરમાં મોકલી.સુભદ્રા,ત્યાં જઈને કુંતીને પગે પડી,ત્યારે કુંતીએ તે સર્વાંગ સુંદરીનું મસ્તક સૂંઘીને આશીર્વાદ આપ્યા.પછી,તે સુભદ્રા,દ્રૌપદી પાસે ગઈ,ને તેને પગે લાગીને બોલી કે-'હે કલ્યાણી,હું તમારી દાસી છું' ત્યારે દ્રૌપદી,તે શ્રીકૃષ્ણની બહેનને ભેટીને પ્રીતિપૂર્વક બોલી કે-

'તારા પતિના શત્રુનો નાશ થાઓ' આમ તે સુભદ્રા સર્વની પ્રીતિયુક્ત થઇ.(19-25)


જયારે,શ્રીકૃષ્ણે સાંભળ્યું કે-અર્જુન પોતાના નગર ઇન્દ્રપ્રસ્થમાં પહોંચ્યો છે ત્યારે તે વિશુદ્ધ મનવાળા ને શૂરસેનના પૌત્ર,મહાન સેનાથી રક્ષિત થઈને બલરામ સાથે ત્યાં,લગ્નની અનેક ભેટો લઈને આવ્યા.જયારે યુધિષ્ઠિરે 

'માધવ આવે છે' એવું સાંભળ્યું,ત્યારે તેમના સત્કાર માટે નકુલ અને સહદેવને સામે મોકલ્યા.

તે બંનેથી સત્કાર પામેલા સર્વે જનોએ જયારે ખાંડવપ્રસ્થમાં પ્રવેશ કર્યો ત્યારે આખું નગર ધ્વજ-પતાકાથી શોભી  રહ્યું હતું.સ્વચ્છ ને સુંદર રાજમાર્ગો પર પાણી છાંટીને,પુષ્પો પથરાયા હતા,ને નગરજનો તેમને સત્કારી રહ્યા હતા.


નગરજનો ને બ્રાહ્મણોનો સત્કાર પામીને તે શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરના ભવને ગયા,યુધિષ્ઠિરે બલરામનું વિધિપૂર્વક સ્વાગત કર્યું,ને શ્રીકૃષ્ણનું માથું સૂંઘીને તેમને બે હાથે ભેટ્યા.શ્રીકૃષ્ણે પણ સામો સત્કાર આપ્યો.અને 

ભીમને પણ વિધિપૂર્વક સન્માન આપ્યું.પછી,યુધિષ્ઠિરે,સાથે આવેલા સર્વનો યથાવિધિ આદરસત્કાર કર્યો.

શ્રીકૃષ્ણે,તે વરપક્ષવાળાઓને,કન્યા પક્ષ તરફથી ઉત્તમ ધન આપ્યું ને સગાંસંબંધીઓ તરફથી,

સુભદ્રા માટે જે ધન મોકલ્યું હતું તે સર્વ તેને આપ્યું.(26-44)


શ્રીકૃષ્ણે,સોનાથી જડેલ ઘૂઘરીઓવાળી ઝૂલોથી શોભતા અને ચારચાર ઘોડા જોડેલા એક હજાર રથો,ને 

તેના કુશળ રીતે કેળવાયેલા સારથીઓ આપ્યા.,મથુરાની બહુ દૂધ દેનારી હજાર ગાયો આપી,

એક લાખ ઘોડાઓ આપ્યા,હજાર દાસીઓ આપી ને દશ મનુષ્યના ભાર જેટલું શુદ્ધ સોનું આપ્યું.

હળને ધારણ કરનાર બલરામે,અર્જુનને વિવાહની ભેટમાં એક હજાર મદમત્ત હાથીઓ આપ્યા.

કે જે હાથીઓને સુવર્ણની સાંકળો બાંધેલી હતી ને તેમની સાથે મહાવતો પણ હતા.


ધર્મરાજ યુધિષ્ઠિરે તે સર્વ ભેટોનો સ્વીકાર કર્યો ને વૃષ્ણી ને અંધક વંશના તે મહારથીઓને સત્કાર આપ્યો.

આવેલા સર્વ મહેમાનોએ અનેક દિવસો સુધી મહેમાનગતિનો આનંદ લૂંટ્યો ને છેવટે કુરુઓ તરફથી સન્માન ને ભેટો પામીને તેઓ,બલરામને મોખરે રાખીને દ્વારકા જવા પાછા નીકળ્યા.વાસુદેવ શ્રીકૃષ્ણ,તો તે રમણીય નગરમાં અર્જુન સાથે રહ્યા હતા ને યમુના કિનારે મૃગયા કરવા આદિ ક્રીડાઓ આનંદથી કરતા રહ્યા.(54-64)


પછી,સુભદ્રાને એક પુત્ર થયો કે જેનું નામ અભિમન્યુ આપવામાં આવ્યું.(અભિ=નિર્ભય અને મન્યુ=કોપ)

તેનો જન્મ થતાં,યુધિષ્ઠિરે બ્રાહ્મણોને દશ હજાર ગાયો ને સુવર્ણમહોરો દાનમાં આપી.


તે અભિમન્યુ સર્વ જનોમાં વહાલો થયો હતો,શ્રીકૃષ્ણે તેના જન્મથી આરંભીને તેની સર્વ શુભ ક્રિયાઓ કરી ને 

તે અભિમન્યુ,શુક્લપક્ષના ચંદ્રની જેમ વધવા લાગ્યો.તે વેદ ભણ્યો ને અર્જુન પાસેથી ધનુર્વેદ શીખ્યો.

અર્જુને તે સૌભદ્ર (અભિમન્યુ)ને અસ્ત્રવિદ્યામાં ને તેના પ્રયોગોમાં પોતાની સમાન કુશળ કર્યો.

શુભ લક્ષણોથી ભરેલા તે અભિમન્યુને જોઈને અર્જુનને મહાસંતોષ થયો (65-77)


દ્રૌપદી પણ પોતાના પાંચ પતિઓથી,એક એક વર્ષના અંતરે પાંચ પુત્રો પામી હતી.

.યુધિષ્ઠિરથી પ્રતિવિન્દ્ય,ભીમથી સુતસોમ.અર્જુનથી શ્રુતકર્મા,નકુલથી શતાનીક,અને સહદેવથી શ્રુતસેન..

બાળકોના નામકરણ વખતે બ્રાહ્મણોએ યુધિષ્ઠિરને કહ્યું હતું કે-આ તમારો બાળક,શત્રુઓના પ્રહારો સહન કરવામાં બીજા વિંદ્ય પર્વત સમાન થશે એટલે તે પ્રતિવિન્દ્ય તરીકે ઓળખાશે'


સહસ્ત્ર સોમયાગ યજ્ઞ કર્યા પછી,ભીમસેનથી,ચંદ્ર અને સૂર્ય સમાન તેજસ્વી પુત્ર સુતસોમ કહેવાશે.

મહાન એવાં શ્રુત (પ્રસિદ્ધ)કર્મ કરીને નિવૃત્ત થયેલા અર્જુનનો પુત્ર શ્રુતકર્મા તરીકે પ્રસિદ્ધ થશે.

પોતાની કીર્તિ વધારનાર નકુલના પુત્રનું નામ કુરુવંશમાં થયેલા રાજર્ષિ શતાનીકના નામેનામ ઓળખાશે.

ને સહદેવથી થયેલો પુત્ર વહનિદૈવત (કૃતિકા) નક્ષત્રમાં જન્મ્યો છે એટલે તે શ્રુતસેન કહેવાશે.(78-86)


ધૌમ્ય ઋષિએ તે સૌનાં જાતકર્મો,ચૂડાકર્મો તેમ જ ઉપનયનસંસકારો યથાક્રમે ને યથાવિધિએ કર્યા હતા.

ઉત્તમ ચરિત્રવાળા તે વ્રતીઓએ વેદનું અધ્યયન કર્યા પછી,

અર્જુન પાસેથી દિવ્ય અને માનુષી અસ્ત્રવિદ્યાનું શિક્ષણ મેળવ્યું.

 દેવોના જેવા અને વિશાલ છાતીવાળા તે મહારથી પુત્રોથી સંપન્ન થઈને પાંડવો હર્ષ પામતા હતા.(87-89)


અધ્યાય-221-સમાપ્ત 


હરણાહરણ પર્વ-સમાપ્ત

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE