Jun 3, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-199

 
ખાંડવદાહ પર્વ 

અધ્યાય-૨૨૨-અગ્નિનું બ્રાહ્મણ-રૂપે યમુના તીરે આગમન 

II वैशंपायन उवाच II इन्द्रप्रस्थे वसन्तस्ते जघ्नुरन्यान्नराधिपान I त्रासनाद धृतराष्ट्रस्य राज्ञः शांतनवस्य च II १ II

  વૈશંપાયન બોલ્યા-ઈંદ્રપ્રસ્થમાં વસેલા તે પાંડવોએ,ભીષ્મની ને ધૃતરાષ્ટ્રની આજ્ઞાથી,શત્રુ રાજાઓનો વિનાશ કર્યો.જેમ,આત્મા,દેહને આશ્રયે સુખથી વિરાજે છે તેમ,સર્વ લોકો યુધિષ્ઠિરના આશ્રયે સુખમાં રહેતા હતા.

તે નીતિમાન યુધિષ્ઠિર,ધર્મ,અર્થ અને કામ એ ત્રણેને પોતાના પ્રાણસમાન બંધુઓની જેમ માની તેમને યોગ્ય રીતે

સેવતા હતા.સમાન રીતે વિભક્ત થયેલા તે ધર્મ,અર્થ અને કામ,સ્વયં જાણે પૃથ્વી પર દેહ ધરીને આવ્યા હતા 

અને રાજા યુધિષ્ઠિર,જાણે તેમનામાં (તે ત્રણ પુરુષાર્થમાં) ના.ચોથા પુરુષાર્થ 'મોક્ષ'રૂપે શોભી રહ્યા હતા.(1-4)

પ્રજાને વેદવેત્તા,મહાયજ્ઞોનો પ્રયોજક અને સર્વ લોકોનો રક્ષણહાર-એવા ત્રણ ગુણોવાળો રાજા પ્રાપ્ત થયો હતો,

કે જે રાજાને લીધે રાજ્યમાં લક્ષ્મી નિશ્ચલ થઈને રહેવા લાગી.સર્વ લોકોની બુદ્ધિ,બ્રહ્મપરાયણ થઇ ને જેથી 

ધર્મ સંપૂર્ણ રીતે વૃદ્ધિ પામ્યો.જેમ,ચાર વેદો વડે વિસ્તરેલો મહાયજ્ઞ શૉભે,તેમ યુધિષ્ઠિર,પોતાના ચાર ભાઈઓ 

સાથે વિશેષ શોભતા હતા.જેમ,દેવો બ્રહ્માની આસપાસ રહી તેમની સેવા કરે,તેમ,ધૌમ્ય આદિ બ્રાહ્મણો 

તે ધર્મરાજ (યુધિષ્ઠિર)ની આસપાસ રહી તેમને ઉપાસતા હતા.(5-8)


કેવળ દૈવથી કે 'યુધિષ્ઠિર પોતાના રાજા છે' એટલું જ જાણીને લોકો આનંદ પામતા હતા-તેવું નહોતું,

યુધિષ્ઠિર પોતે જ એવાં કામ કરતા હતા કે તે લોકોના મનને પ્રિય થયા હતા.મધુરભાષી ને બુદ્ધિમાન 

એવા તે પૃથાપુત્રનું બોલવું,કદી પણ અઘટિત,અસત્ય,સહન ના થાય તેવું કે અપ્રિય નહોતું.

તે મહાતેજસ્વી,પોતાનું ને સર્વનું હિત ઇચ્છતા રહી,આનંદ ભોગવતા હતા.સર્વે પાંડવો પણ પોતાના 

તાપથી અન્ય રાજાઓને તાપ આપતા રહી,સંતાપમુક્ત થઈને આનંદમાં વસતા હતા.(9-13)


આ પ્રમાણે કેટલાક દિવસ વીતી ગયા પછી,એક દિવસે અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું કે-'હે કૃષ્ણ,અહીં ગરમીના દિવસો હોવાથી તાપ બહુ પડે છે,માટે આપણે સર્વ મિત્રમંડળ સાથે યમુના તરફ જઈએ.ત્યાં રહેશું ને વિહાર કરીને,

સાંજે પાછા આવીશું,મને લાગે છે કે તમને મારી આ વાત પસંદ આવશે' ત્યારે શ્રીકૃષ્ણે મંજૂરી આપી.


પછી,પાર્થ અને ગોવિંદે,ધર્મરાજને વાત કરી અને તેમની આજ્ઞા મેળવી મિત્રમંડળ સાથે તેઓ ત્યાં જવા નીકળ્યા.

તેઓ,ઇન્દ્રપુરી જેવા ઉત્તમ વિહારસ્થાનમાં આવ્યા,કે જ્યાં અનેક ભવનો હતા,ને તેમાં ખાવા પીવાની ઉત્તમ વાનગીઓ ને રસભરી સામગ્રીઓ તૈયાર કરાવેલી હતી.રત્નોથી શોભી રહેલા અંતઃપુરમાં તેઓ પ્રવેશ્યા 

ને સૌ મનુષ્યો ત્યાં ઈચ્છા પ્રમાણે ક્રીડા કરવા લાગ્યા.સાથે આવેલી સુંદર સ્ત્રીઓ,વનમાં,જળમાં ને 

કેટલીક રમણીઓ શ્રીકૃષ્ણ ને અર્જુન આગળ,પ્રીતિપૂર્વક,પોતાની ઈચ્છા મુજબ ક્રીડા કરવા લાગી.

તે સમયે,વેણુ,વીણા,અને મૃદંગોના મનોહર નાદથી આખું વન ગાજી રહ્યું હતું (14-26)


પછી,અર્જુન ને શ્રીકૃષ્ણ,પાસે આવેલા એક સુમનોહર સ્થાનમાં જઈ,આસન પર વિરાજીને,પૂર્વે કરેલા પરાક્રમોની વાતો કરી આનંદ માણતા હતા ત્યારે તેમની સમક્ષ એક બ્રાહ્મણ આવીને ઉભો,સૂર્યના જેવી કાંતિવાળા એ બ્રાહ્મણે,વલ્કલ પહેર્યા હતા ને જટા  ધારણ કરી હતી.એવા તેજથી દેદીપ્યમાન બ્રાહ્મણને આવેલો જોઈને 

અર્જુન અને શ્રીકૃષ્ણ,તરત જ ઉઠીને ઉભા થયા.(27-33)

અધ્યાય-222-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE