Aug 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-276

અધ્યાય-૬૯-ભીષ્મનાં વચન 

II द्रौपदी उवाच II पुरस्तात करणीयं मे न कृतं कार्यमुत्तमम् I विहवलास्मि कृतानेन कर्पता वलिना वलात II १ II

દ્રૌપદી બોલી-હે નીચ,દુર્બુધ્ધિ દુઃશાસન,થોભી જા,મેં હજુ પ્રથમ જ કરવા જેવું ઉત્તમ કાર્ય કર્યું નથી,હે કુરુશ્રેષ્ઠો,

આ બળિયો,મને બળપૂર્વક ખેંચી રહ્યો હતો એટલે હું વિહવળ થઇ ગઈ છું,તેથી મારે જે તમને પ્રણામ કરવાં હતા 

તે હું કરી શકી નથી,તે તેમાં મારો અપરાધ નથી,તમને મારા પ્રણામ હો' આમ છતાં પણ,દુઃશાસને તે દ્રૌપદીને જોરપૂર્વક ઢંઢોળી નાખી,એટલે તે દુઃખ વડે જમીન પર ગબડી પડીને વિલાપ કરવા લાગી.(4)

દ્રૌપદી બોલી-માત્ર મારા સ્વયંવર સિવાય,પૂર્વે કોઈએ મને જોઈ નહોતી,તે હું આજ સભાની વચ્ચે આવી પડી છું.

પૂર્વે ગૃહમાં જેને વાયુ સ્પર્શ કરતો,તો પાંડવો સાંખી શકતા નહોતા,તેને આજે દુરાત્મા દુઃશાસન હાથ લગાવી રહ્યો છે,ને તેઓ જોઈ રહ્યા છે ! દુઃખને અયોગ્ય એવી હું,પુત્રવધુ ને પુત્રી જેવી હું આજે ક્લેશ પામી રહી છું,છતાં,

કુરુઓ તેને સહન કરી રહ્યા છે આથી મને લાગે છે કે-કાળનો પલટો થયો છે.હું આજે સભાની વચ્ચે ભયંકર ત્રાસ પામી રહી છું ને તમે,સર્વ બોલ્યા ચાલ્યા વિના મને જોઈ રહ્યા છે,એથી વિશેષ બીજું નીચ કામ કયું હોઈ શકે?


રાજાઓનો ધર્મ આજે ક્યાં ગયો છે?મેં સાંભળ્યું છે કે-પૂર્વે સ્ત્રીઓને ધર્મસભામાં લઇ જવામાં આવતી નહોતી,

પણ કુરુવંશીઓની આ સભામાં પૂર્વનો એ સનાતન ધર્મ લોપ પામ્યો છે.નહિ તો,પાંડવોની ધર્મપત્ની,ધૃષ્ટદ્યુમ્નની ભગિની અને વાસુદેવની સખી હોઈને હું રાજાઓની સભામાં તો ક્યાંથી જ આવું? હે કૌરવો,મને કહો કે સમાન વર્ણમાં જન્મેલી એવી,ને ધર્મરાજની ભાર્યા એવી હું દાસી છું કે દાસી નથી? કૌરવોના યશનો નાશ કરનાર આ દુઃશાસન મને ક્લેશ આપી રહ્યો છે,તે હું લાંબા સમય સુધી સહન કરી શકીશ નહિ.હે રાજવીઓ,તમે મને જીતાયેલી કે અણજીતાયેલી માનતા હો,તો તે પ્રમાણે હું ફરીથી તમારી પાસેથી ઉત્તર ઈચ્છું છું તે કહો.(14)


ભીષ્મ બોલ્યા-હે કલ્યાણી,મેં કહ્યું છે કે ધર્મની ગતિ પરમ સૂક્ષ્મ છે.વિજ્ઞાની મહાત્માઓ પણ આ સંસારમાં તેને જાણવાને સમર્થ નથી.આ લોકમાં બળવાન પુરુષ જે ધર્મ માને તે જ ધર્મ કહેવાય છે,પછી ભલે તેમાં મર્યાદાનો લોપ થતો હોય.આ ઉત્તર આપવાનું કાર્ય,સૂક્ષ્મ છે,ગહન છે અને ગૌરવવાળું છે,તેથી હું તારા પ્રશ્નનો ઉત્તર આપી શકતો નથી.પણ,મને લાગે છે કે સાચે જ આ કુળનો ઉચ્છેદ જોતજોતામાં આવશે,કેમ કે સર્વ કૌરવો લોભ ને મોહમાં ડૂબી ગયા છે.હે કલ્યાણી,તું પાંડવોની વધૂ  છે કે જેઓ અમારા કુળમાં જન્મ્યા છે અને ભારે સંકટોમાં સપડાયા છતાં,ધર્મમાર્ગથી ભ્રષ્ટ થતા નથી,હે પાંચાલી,તારું આ પ્રકારનું વર્તન યોગ્ય જ છે કેમ કે સંકટમાં સપડાયા છતાં 

તું ધર્મને જ જોઈ રહી છું.દ્રોણ અને બીજા વૃદ્ધ,ધર્મને જાણનારા પુરુષો પણ આજે ઢળી પડ્યા છે અને પ્રાણ વિનાના નિશ્ચેટ શરીરે બેસી રહ્યા છે.મારુ માનવું છે કે-આ પ્રશ્નમાં યુધિષ્ઠિર જ પ્રમાણરૂપ છે,

ને તું જીતાઈ છે કે નથી જીતાઈ-એ માટે તે જ કહેવાને યોગ્ય છે (22)

(નોંધ-પંડિતો કહે છે કે-ભીષ્મના આવા બોલવા પાછળ ત્રણ કારણો હોઈ શકે.(1) જો ભીષ્મ,દ્રૌપદીને અણજીતાયેલી કહે તો વગર અપરાધે પીડાયેલી એ ક્રોધ કરી કૌરવોનો નાશ પમાડે-ત્યારે કયો દોષ મોટો?(અપમાનનો કે કુરુઓના નાશનો) એ સંશયમાં ધર્મનું તત્વ સૂક્ષ્મ છે.માટે તેનું વિવેચન થઇ શકે તેવું નથી.(2)દેવોનું કાર્ય કરવાના માટે જેટલાઓનો વધ કરવાનો છે તે બધા ક્ષત્રિયો અહીં ન હોવાથી માત્ર કૌરવોનો નાશ કરવાથી દેવકાર્ય અધૂરું રહે-આ ગૂઢ આશય છે (3)પાંડવો હાલ શસ્ત્ર વિનાના છે ને પારકાના દાસ છે.માટે પાંડવોના અત્યારના સ્વામી એવા કૌરવોનો (સ્વામીના સ્વામીને)મારવા એ દ્રૌપદી માટે પણ દોષકારક ગણાય !!)

અધ્યાય-69-સમાપ્ત 

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE