Dec 10, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-362

 

અધ્યાય-૭૫-બાહુક અને બાળકોની ભેટ 


II बृहदश्च उवाच II दमयन्ति तु तच्छ्रुत्वा भृशं शोकपरायणा I शंकमाना नलं तं वै केशिनीमिदमब्रवीत II १ II

બૃહદશ્વ બોલ્યા-તે સાંભળીને દમયંતી અતિ શોકપરાયણ થઇ પણ 'તે નળ જ છે' એવી શંકા કરીને તેણે કેશિનીને કહ્યું કે-'હે કેશીની,તું ફરી જા અને કશું પણ બોલ્યા વિના તેની પાસે ઉભા રહી તેના ચરિત્રો જોજે.તે આગ્રહપૂર્વક અગ્નિ ને જળ માગે તો પણ તે તું તેને તત્કાળ આપીશ નહિ.ને તેનામાં જે કોઈ દૈવી કે માનુષી ચિહ્નન તારા જોવામાં આવે તે તું મને અહીં આવીને કહેજે' ત્યારે કેશીની ત્યાં ગઈ ને લક્ષણો તપાસીને પાછી આવીને બોલી કે-

'હે દમયંતી,આના જેવો અતિ પવિત્ર કર્મ કરવાવાળો કોઈ પણ મનુષ્ય મેં પૂર્વે જોયો નથી.નીચું બારણું આવતાં તે કદી નમતો નથી પણ ઉલટું બારણું,કોઈ પ્રતિબંધ વિના અંદર જઈ શકાય તેટલું ઊંચું થઇ જાય છે.સાંકડી જગ્યા પણ એને માટે વિશાળ થાય છે.માંસને ધોવા માટે પડેલા ઘડાઓ તરફ તેણે દ્રષ્ટિ કરી કે તરત જ તે ઘડાઓ પાણીથી ભરાઈ ગયા ને પછી તેણે મુઠ્ઠીભર ઘાસ સૂર્ય સામે ધર્યું કે તરત તેમાં અગ્નિ પ્રગટ્યો હતો,તે જોઈને હું વિસ્મિત થઇ ગઈ.વળી,બીજાં મહાન આશ્ચર્યો પણ જોયાં.અગ્નિને અડ્યા છતાં તે દાઝતો નથી.પુષ્પોને તેણે બે હાથથી મસળ્યા પણ તે તેવાં ને તેવાં  જ રહ્યાં  હતાં.આ જોઈને હું અહીં દોડતી તમને જણાવવા આવી છું'


નળની જળ-અગ્નિ ના પરના પ્રભાવની ચેષ્ટાથી દમયંતીએ માન્યું કે તે નળ જ છે.પણ ફરીથી તેણે કેશિનીને કહ્યું કે-'તું ફરીથી ત્યાં જ અને બાહુકનું ધ્યાન ન હોય તેમ તેણે રાંધેલું માણસ અહીં લઇ આવ' કેશિનીએ તે પ્રમાણે કર્યું ત્યારે તે માંસને ખાતાં  જ દમયંતીએ તેના સ્વાદને સંભારીને માની  લીધું કે નળ જ છે.હવે તેણે પોતાનાં બે બાળકોને કેશીની સાથે મોકલ્યાં  કે જેમને જોઈને બાહુક દોડીને તેમને ભેટ્યો ને રોવા લાગ્યો.

પણ,અચાનક પરિસ્થિતિ યાદ કરીને તેણે કેશિનીને કહ્યું કે-'આ બે બાળકો જેવાં  જ મારે બે બાળકો છે,તેથી આમને જોતા જ મારાં  આંસુ સરી પડ્યાં છે.હે ભદ્રા,તું વારંવાર અહીં આવે છે તેથી લોકો દોષ દ્રષ્ટિથી શંકા કરશે અમે તો અતિથિઓ છીએ માટે હવે તું અહીંથી ચાલી જા' (29)

અધ્યાય-૭૫-સમાપ્ત