Dec 11, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-363

 

અધ્યાય-૭૬-નળ  દમયંતીનું મિલન 


II बृहदश्च उवाच II सर्व विकारं द्रष्टा तु पुण्यश्लोकस्य धीमतः I आगत्य केशिनी सर्व दमयन्त्यै न्यवेदयत II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,તે કેશિની,પુણ્યશ્લોક નળના સર્વ વિકારો જોઈને પાછી આવીને દમયંતીને સર્વ વાત કહી સંભળાવી.એટલે દુઃખાતુર દમયંતીએ માતાને કહ્યું કે-મેં નળની શંકાથી બાહુકની ઘણી બધી પરીક્ષા કરી છે,માત્ર તેના રૂપ વિષે જ સંશય રહ્યો છે તે હું પોતે જાણી લેવા ઈચ્છું છું,એટલે પિતાને જણાવીને,તેને મળવાની ગોઠવણ કર' ત્યાર બાદ માતા અને પિતાએ ખુશીથી રજા આપી ને નળને  દમયંતીના આવાસ પર મોકલ્યો.

દમયંતીને જોતાં  જ નળ શોકથી ઘેરાઈ ગયો ને આંસુઓથી ભીંજાઈ ગયો.દમયંતીના આંખોમાં પણ આંસુ ભરાયાં ને તે બોલી કે-'હે બાહુક,પૂર્વે તમે કોઈ એવો ધર્મજ્ઞ પુરુષ જોયો છે કે જે પોતાની પત્નીને સુતેલી મૂકીને ત્યજી દે?

પૂર્વે દેવોને ત્યજીને હું એમને વરી હતી,ત્યારે તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે 'હું સદાય તારો જ રહીશ; તો તે પ્રતિજ્ઞા ક્યાં ચાલી ગઈ? મારો તો કેવો અપરાધ થયો હશે કે તે મને ત્યજીને ચાલી ગયા?'


નળ બોલ્યો-'હે ભીરુ,મારુ રાજ્ય નાશ પામ્યું ને મેં તને ત્યજી દીધી હતી તે કામ મારું નથી પણ મારા શરીરમાં આવીને વસેલા કલિ નું હતું.દુઃખથી તેં  તેને શાપ આપ્યો હતો,તેથી તે કલિનો હવે પરાજય થયો છે ને તે પાપી મને છોડીને ચાલ્યો ગયો છે,હું તારે કાજે જ અહીં આવ્યો છું.ભીમરાજાના દૂતોએ કહ્યું કે તું બીજા પતિને વરશે,એટલે હું ઉતાવળો અહીં આવ્યો છું' નળની વેદના સાંભળીને દમયંતી હાથ જોડીને બોલી કે-


'હે નૈષધરાજ,તમે મને દોષની શંકાથી જુઓ નહિ.તમને અહીં લાવવા માટે જ આ ઉપાય મેં ખોળી  કાઢ્યો હતો.

તમારા વિના આ જગતમાં બીજો કોઈ પણ એક દિવસમાં ઘોડાઓથી સો યોજન જવા સમર્થ નથી.હું તમારા ચરણના  સોગંધ કહીને કહું છું કે મેં મનથી પણ કદી અસત્ય આચરણ કર્યું નથી મેં કોઈ પાપ કર્યું હોય 

તો દેવો મારા પ્રાણ લઇ લો ને મારુ કહેવું જૂઠું હોય તો તે મારો ત્યાગ કરો'


ત્યારે વાસુદેવ અંતરીક્ષમાંથી  બોલ્યા કે-'આ દમયંતીએ કોઈ પાપ કર્યું નથી,ને પોતાના શીલનું રક્ષણ કર્યું છે તેના

અમે સાક્ષી છીએ.તારે માટે જ તેણે આ ઉપાય યોજ્યો હતો,તો હે નળ,તું શંકા કર્યા વિના તારી પત્નીને મળ'

પછી,નળરાજાએ પોતાની શંકા દૂર કરીને નાગરાજનું સ્મરણ કરીને તેના આપેલા વસ્ત્રો પહેર્યા એટલે તેને પોતાનું

અસલી સ્વરૂપ પ્રાપ્ત થઇ ગયું.સ્વામીને મૂળ રૂપમાં જોઈને દમયંતી તેને ભેટી પડી ને હર્ષથી રોવા લાગી.

નળરાજા પણ પત્નીને ભેટીને પછી પોતાનાં  બાળકોને રમાડવા લાગ્યો.


વૈદર્ભીની માટે આ સર્વ વાત ભીમરાજાને કહી.રાજાના આશિષથી તે બંને આનંદથી ભીમરાજાના ભવનમાં રહ્યો.

આ રીતે તે દમયંતી શોક ને સંતાપથી મુક્ત થઈને આનંદિત થઇ.તેનું ચિત્ત હર્ષથી પ્રફુલ્લિત થયું.(53)

અધ્યાય-૭૬-સમાપ્ત