Dec 12, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-364

 

અધ્યાય-૭૭-ઋતુપર્ણ રાજાનું સ્વદેશગમન 


II बृहदश्च उवाच II अथ तां व्युपितो रात्रि नलो राज स्वलंकृतः I वैदर्भ्यां सहितः काले ददर्श वसुधादिपं II १ II

બૃહદશ્વ બોલ્યા-'પછી,સારી રીતે અલંકૃત થયેલો તે નળરાજા ત્યાં એક રાત રહીને બીજે દિવસે સવારે વૈદર્ભી સાથે ભીમને મળવા ગયો ને સસરાનું વિનયપૂર્વક અભિવંદન કર્યું.ભીમે પણ અત્યંત પ્રેમથી બંનેનો સત્કાર કર્યો.

 નળને પાછો આવેલો સાંભળીને નગરના આનંદિત થયેલા લોકોએ ઉત્સવ કર્યો,ઋતુપર્ણે જયારે સાંભળ્યું કે બાહુકના વેશમાં નળરાજા જ છે એટલે તેણે આવીને તેની ક્ષમા માગતા કહ્યું કે-

'હે વસુધાપતિ,તમે મારા ઘરમાં ગુપ્તવેશે રહ્યા હતા,ત્યારે મારાથી કોઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા આપજો'

નળ બોલ્યો-'હે રાજા તમે કોઈ અપરાધ કર્યો નથી,હું તમારે ત્યાં સર્વ ઈચ્છાઓ પામીને સુખપૂર્વક રહ્યો હતો.

તમે તો અગાઉથી મિત્ર અને સંબંધી છો,હવે તો તમારે મારા પર વિશેષ પ્રીતિ રાખવી ઘટે છે.


હે મહારાજ,તમને આપવાની અશ્વવિદ્યા મારી પાસે થાપણ તરીકે રહેલી છે તે જો તમને યોગ્ય હોય તો હું તમને આપવા ઈચ્છું છું.' આમ કહી નળે ઋતુપર્ણ રાજાને અશ્વવિદ્યા આપી,ત્યાર બાદ બીજા સારથિને લઈને તે ઋતુપર્ણ રાજા પોતાના નગરમાં પાછી ગયો.ને નળરાજા ઘણા સમય સુધી કુંડિનપુર નગરમાં રહ્યો (20)

અધ્યાય-૭૭-સમાપ્ત 


અધ્યાય-૭૮-પુષ્કરનો પરાભવ અને નળને  રાજ્યપ્રાપ્તિ 


II बृहदश्च उवाच II स मासमुष्य कौन्तेय भीममामंत्र्य नैषधः I पुरादल्यपरिवारो जगाम निषधान्प्रति  II १ II

બૃહદશ્વ બોલ્યા-'હે કુંતીનંદન,નૈષધનાથ ત્યાં એક વર્ષ સુધી રહ્યો ને પછી,ભીમની રજા લઈને થોડા રસાલા સાથે તે નિષધદેશ જવા નીકળ્યો.એક સુંદર રથ,સો હાથીઓ,પચાસ ઘોડાઓ અને છસો પાળાઓ સાથે તે વેગથી નગરમાં ગયો ને પોતાના ભાઈ પુષ્કર પાસે જઈને બોલ્યો કે-'હે પુષ્કર આપણે ફરીથી જુગટું  રમીએ,મારી પાસેનું ધન ને દમયંતી અને જે કંઈ  બીજું છે તે હું દાવમાં મુકું છું ને તું તારું રાજ્ય ને ધન હોડમાં મૂક.રાજ્ય ને સંપત્તિ હરીને સામો દાવ આપવો એ પરમ ધર્મ કહેવાય છે,છતાં જો તું દ્યુત ઈચ્છતો ન હોય તો યુદ્ધરૂપી દ્યુત કર'


પોતાનો ચોક્કસ જય જ થશે એમ માનીને પુષ્કર હસ્યો ને કહેવા લાગ્યો કે-'દ્યુત રમવામાં મને પ્રીતિ નથી 

એવું નથી.આજે દમયંતીને જીતીને હું કૃતાર્થ થઈશ કેમ કે તે નિત્ય મારા હૃદયમાં વસી છે'

પુષ્કરનાં  આવાં  વચનથી નળને ક્રોધ ચડ્યો ને તેનું માથું છેદી  નાખવાની તેને ઈચ્છા થઇ છતાં તેને 

હસી કાઢીને કહ્યું કે-આપણે દાવ રમીએ,તું બકવાદ કર નહિ હાર્યા પછી તું કશું બોલી શકીશ નહિ'


ત્યારે પુષ્કરે,રત્નભંડારો,રાજ્ય ને પ્રાણ સહિત  હોડ મૂકી,કે જેને નળે એક જ દાવમાં જીતી લીધી.

નળ બોલ્યો-'હવે આ રાજ્ય મારું છે,તું હવે પરિવાર સહિત દમયંતીનો દાસ બન્યો છે.પૂર્વે કલિ ના કર્મથી તું જીત્યો હતો તે તું જાણતો નથી,પારકાના કરેલા દોષને હું તારી પર મુકતો નથી,તું સુખેથી જીવતો રહે,હું તારા પ્રાણોને જતા કરું છી ને તને રાજ્યમાં તારો ભાગ આપું છું,તારા પર મારી પ્રીતિ એવી જ રહેશે એમાં સંશય નથી'


આમ કહી નળે તેને તેના નગર તરફ જવાની આજ્ઞા આપી.પુષ્કરને વિદાઈ આપી,નળરાજાએ પોતાના નગરમાં પ્રવેશ કર્યો ને નગરજનોને સાંત્વન આપ્યું.નગરજનો પણ હર્ષથી રોમાંચિત થઇ ગયા ને હાથ જોડીને બોલ્યા કે-

'હે રાજન,નગરમાં હવે અમે સુખી થયા છીએ અને ફરીથી તમારી સેવામાં આવ્યા છીએ (34)

અધ્યાય-૭૮-સમાપ્ત