Jan 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-390

 

અધ્યાય-૯૬-તીર્થયાત્રા-અગસ્ત્યનું ઉપાખ્યાન 


II वैशंपायन उवाच II ततः संप्रस्थितो राजा कौन्तेयो भ्रुरिदक्षिणः I अगस्त्याश्रममासाद्य दुर्जयायामुवास ह् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,પુષ્કળ દક્ષિણા આપવાવાળા કુંતીનંદન યુધિષ્ઠિર ત્યાંથી નીકળીને અગસ્ત્યના આશ્રમમાં ગયા.અને દુર્જેય મણિમતી નગરીમાં જઈ વસ્યા.ત્યાં ધર્મરાજે લોમશ મુનિને પૂછ્યું કે-'અહીં અગસ્ત્ય ઋષિએ રોષે ભરાઈ વાતાપિને શા માટે મારી નાખ્યો હતો?તે માનવભક્ષી દૈત્યનો શો પ્રભાવ હતો?(3)

લોમશ બોલ્યા-'પૂર્વે મણિમતી નગરીમાં ઇલ્વલ નામે એક દૈત્ય હતો,વાતાપિ તેનો નાનો ભાઈ હતો.તે દિતિના પુત્ર ઇલ્વલે એકવાર એક તપસ્વી બ્રાહ્મણને કહ્યું કે-'તમે મને ઇન્દ્ર જેવો પુત્ર આપો' પણ બ્રાહ્મણે તેને પુત્ર આપ્યો નહિ એટલે તે અસુર બ્રાહ્મણ પર ક્રોધે ભરાયો,ને ત્યારથી બ્રહ્મહત્યા કરનારા તે માયાવી ઇલ્વલે ક્રોધમાં આવીને પોતાના નાના ભાઈને બકરો બનાવ્યો.ને ઇચ્છારૂપ ધારણ કરનારો તે વાતાપિ જયારે બકરો બની જતો ત્યારે તેને કાપી,રાંધીને તે ઇલ્વલ,બ્રાહ્મણોને ભોજનમાં પીરસતો,પછી,મૃત્યુ પામેલા વાતાપિને તે બૂમ મારીને બોલાવતો ત્યારે તુરત જ વાતાપિ બ્રાહ્મણનું પેટ ફાડીને બહાર નીકળતો.આમ,વાતાપિના દ્વારા તે બ્રાહ્મણોનો નાશ કરતો.


એવા જ સમયમાં અગસ્ત્યે પોતાના પિતૃઓને ખાડામાં ઊંધે માથે લટકતા જોયા,ત્યારે તેમણે,પૂછ્યું કે-

'તમે આમ ઊંધે માથે કેમ લટકી રહ્યા છો?' ત્યારે તેઓએ જવાબ આપ્યો કે 'સંતાનના કારણે અમારી આવી દશા છે.અમે તારા પિતૃઓ છીએ,સંતતિને ઈચ્છી રહેલા અમે આ ખાડામાં ઊંધે માથે લટકીએ છીએ,તું જો અમારા અર્થે એક ઉત્તમ પુત્ર ઉત્પન્ન કરે તો અમારો આ નરકમાંથી છુટકારો થાય ને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય'


અગસ્ત્ય બોલ્યા-'હું તમારી ઈચ્છા પ્રમાણે કરીશ,તમારા મનનો સંતાપ દૂર થાઓ' પછી,અગસ્ત્યે વિવાહનું ચિંતન કરવા માંડ્યું.પણ કોઈ યોગ્ય સ્ત્રી તેમને જણાઈ નહિ,આથી જુદાંજુદાં પ્રાણીઓનાં જુદાંજુદાં અંગો સંઘરીને તેમણે તે અંગોમાંથી એક ઉત્તમ સ્ત્રી નિર્માણ કરી (20) પછી,તે મુનિએ પોતાને અર્થે નિર્માણ કરેલી તે કન્યાને તપ કરતા વિદર્ભરાજને આપી.આમ,તે સ્ત્રી વિદર્ભરાજને ત્યાં જન્મી.અત્યંત કાન્તિવાળી ને સુંદર મુખવાળી તે કન્યાનું નામ 

બ્રાહ્મણોએ 'લોપામુદ્રા' પાડ્યું.તે કન્યા જેમ,જ્વાળા ઝટ વૃદ્ધિ પામે છે તેમ,વૃદ્ધિ પામવા લાગી.(25)


યૌવનમાં આવેલી તે કલ્યાણીની સેવામાં સો કન્યાઓ ને સો દાસીઓ રહેતી હતી.તેમની વચ્ચે જયારે તે બેસતી ત્યારે આકશના તારાઓની વચ્ચે રહેલી રોહિણીની જેમ તે શોભતી હતી.વિદર્ભરાજના ભયને લીધે કોઈ પણ મનુષ્ય તેના તરફ દ્રષ્ટિ પણ કરતો નહિ કે તેનું માગું પણ માગતો નહોતો.આવી અતિસુંદર પુત્રીને યુવાનીમાં આવેલી જોઈ,વિદર્ભરાજ મનમાં વિચારવા લાગ્યો કે-'આ દીકરી હું કોને આપીશ?' (30)

અધ્યાય-૯૬-સમાપ્ત