Jan 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-405

 

અધ્યાય-૧૧૧-ઋષ્યશૃંગનો મોહ 


II लोमश उवाच II सा तु नाव्याश्रमं चक्रे राज्यकार्यार्थसिध्ध्ये I शासनाचैव नृपतेः स्वबुद्ध्या चैव भारत II १ II

લોમશ બોલ્યા-હે ભારત,પછી તે સ્ત્રીએ રાજાની સહાય ને આજ્ઞાથી,પોતાની બુદ્ધિથી તે કાર્ય માટે એક 

અદભુત અને અનુપમ દેખાવવાળો નૌકાશ્રમ (તરતા વહાણમાં આશ્રમ) બનાવ્યો અને તેને કાશ્યપના આશ્રમથી

થોડેક દૂર બાંધ્યો.પછી,દૂતો મારફત તેણે 'મુનિ આશ્રમમાં ક્યારે નથી હોતા?' તે વિષે તપાસ કરાવી.

એક વખત કાશ્યપને બહાર ગયેલા જોઈને તે વેશ્યાએ પોતાની બુદ્ધિશાળી પુત્રીને કાર્યની સોંપણી કરીને ઋષિને આશ્રમે મોકલી.તે વેશ્યા પુત્રીએ આશ્રમમાં જઈને તે ઋષિપુત્રનાં દર્શન કરીને તેને કહેવા લાગી કે-

'હે મુનિ,તમે કુશળ તો છો ને? આ આશ્રમમાં તમે આનંદવિહાર કરો છો ને?તમારા પિતાનું તેજ અખંડ છે ને?

તેઓ તમારી સાથે પ્રેમ તો રાખે છે ને? તમારું વેદાધ્યયન કેવું ચાલે છે? 


ઋષ્યશૃંગ બોલ્યા-'તમે તો પોતાના ઐશ્વર્યથી જાણે જ્યોતિની જેમ પ્રકાશો છો.મારે તમને અભિનંદન કરવાં ઘટે છે.

હું સ્વેચ્છાથી અને ધર્મપૂર્વક તમને પગ ધોવાનું જળ ને ફલમૂળો આપીશ.હે બ્રહ્મન,તમે આ આસન પર વિરાજો.

ને કહો કે તમારો આશ્રમ ક્યાં છે?તમારું નામ શું છે?ને તમે કયું વ્રત આચરો છો?

વેશ્યા બોલી-'હે કાશ્યપ પુત્ર,આ પર્વતની પેલે પાર ત્રણ જોજન પર મારો રમણીય આશ્રમ છે.કોઈનાં અભિનંદન 

ન લેવાનો મારો ધર્મ છે.હું કોઈના પગ ધોવાના જળને પણ અડતી નથી.તમારે મને વંદન કરવાનાં ન હોય,

હું જ તમને પ્રણામ કરું છું.મારુ આવું વ્રત છે.(12)


પછી,ઋષ્યશૃંગે આમળાં,કશુષક,ઈંગોળા,ધમાસાં-આદિ ફળો આપ્યાં.કે જેને તે વેશ્યાએ દૂર મૂક્યાં,ને સામે તેણે 

ખુબ રસવાળાં ને સુંદર ફળો ને મૂલ્યવાન ખાવાના પદાર્થો આપ્યા.તેથી તે પ્રસન્ન થયા.વળી,તેણે સુગંધી ફુલમાળાઓ,ભાતભાતના વસ્ત્રો અને ઉત્તમ પ્રકારના પીણાઓ આપ્યા,તેથી ઋષિ આનંદ પામ્યા.

પછી,તે વેશ્યા પોતાના અંગોને મરોડતી,તે ઋષિ સમક્ષ દડાથી રમવા લાગી ને પોતાના અંગોને,ઋષિના અંગો સાથે સ્પર્શ કરાવતી રહીને,જાણે શરમાતી હોય તેમ તે ઋષિપુત્રને લોભાવવા લાગી.ને ઋષ્યશૃંગને વિકારવશ થયેલા જોઈને તે 'પોતાનો અગ્નિહોત્રનો સમય થયો છે' એવું બહાનું કરી ત્યાંથી ચાલી ગઈ/(18)


ત્યારે,મદનથી ઘેલા થયેલા તે ઋષ્યશૃંગ જાણે કે ભાન ખોઈ બેઠા,તે વેશ્યાના ધ્યાનમાં પરોવાયેલા તે એકાંતમાં નિસાસા નાખીને આકુળવ્યાકુળ બની ગયા.થોડા સમયમાં કાશ્યપ આવ્યા ત્યારે તેમને પુત્રને દીન થયેલો જોયો,

એટલે તેને પૂછવા લાગ્યા કે-હે પુત્ર,તું આજે પહેલાંના જેવો દેખાતો નથી,તું ચિંતામાં ડૂબેલો ને દીન જણાય છે,

તું ભાન ભૂલ્યો છે કે શું? શું અહીં કોઈ આવ્યું હતું?(23)

અધ્યાય-૧૧૧-સમાપ્ત