Jan 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-406

અધ્યાય-૧૧૨-ઋષ્યશૃંગનો પિતાને ઉત્તર 


II ऋष्यशृंग उवाच II 

इहागतो जटिलो ब्रह्मचारी न वै हृस्वो नातिदीर्गो मनस्वी I सुवर्णवर्णः कमलायताक्षः स्वर्तः सुराणामिव शोभमानः  II १ II

ઋષ્યશૃંગ બોલ્યા-અહીં એક જટાધારી બ્રહ્મચારી આવ્યો હતો,તે મનસ્વી,ન તો નાનો કે ન તો અતિ લાંબો હતો.

તેનો વર્ણ સુવર્ણ જેવો હતો ને તેનો આંખો કમળ જેવી વિકસેલી હતી,આકાશના દેવોના જેવી તેની શોભા હતી.

તે રૂપનો ભંડાર હતો અને સૂર્યના જેવો ઝળહળતો હતો.તે અત્યંત ગૌર હતો,તેની કાળી જટા મનોરમ હતી.

તેના ગળામાં વીજળી ચમકે એવું આભૂષણ હતું ને તે ગળાની નીચે બે ગોળ દડા હતા,કે જે રોમરહિત ને

મનને હરનારા હતા.તેનો નાભિનો ભાગ મધ્ય્માં ઊંડો હતો,તેની કેડ અત્યંત પાતળી હતી.

તેના હાથ અને પગમાં કંકણો હતા ને તે જયારે ચાલતો હતો ત્યારે તે કંકણો મનોહર કૂજન કરતાં હતા.તેને પહેરેલા ચીરો આકર્ષક હતા ને તેની વાણી કોકિલ જેવી હતી.તેના વસ્ત્રો અદભુત હતા.વળી,તેને જમણે હાથે એક વિચિત્ર ફળ (દડો)રાખ્યું હતું કે જે વારંવાર ભોંય પર જઈને ઉછળતું હતું.તેને રમતો તે ઘૂમરીઓ ખાતો હતો ને મારા શરીરને સ્પર્શ કરતો હતો.તેને જોઈને મને પરમપ્રીતિ અને રતિ ઉપજ્યાં છે.મેં તેને પગ ધોવાનું પાણી અને ફળો આપ્યાં પણ તેને તે સ્વીકાર્યાં નહિ પણ સામે મને બીજાં મધુર ફળો આપ્યાં હતાં.કે જે સ્વાદમાં અત્યંત સરસ હતાં.

વળી,તેણે મને અતિ સ્વાદવાળાં પાણી પીવા આપ્યાં હતાં જે પીને મને હર્ષ થયો હતો.પૃથ્વી જાણે ફરવા લાગી હોય તેવું મને લાગ્યું હતું.તે બ્રહ્મચારી પછી તેની સુગંધીદાર માળાઓ અહીં વેરીને પોતાના આશ્રમે ચાલ્યો ગયો.


તેના જવાથી મારુ મન બ્હાવરું થયું છે.ને મારે શરીરે જાણે અગન ઉઠી છે.હું ઈચ્છું છું કે નિત્ય અહીં જ રહે,

હું ઝટપટ તેની પાસે જવા ઈચ્છું છું.હે પિતાજી,હું તેની પાસે જ જાઉં છું.તેની તપશ્ચર્યા કેવી હશે?

તે જેવું તપ કરે છે તેવું તપ કરીને હું તેની સાથે રહેવા ઈચ્છું છું.આવી મારી ઈચ્છા છે.

કેમ કે હું તેને નહિ જોઉં તો મારુ ચિત્ત અતિ દુઃખી થશે એમ મારુ માનવું છે. (19)

અધ્યાય-૧૧૨-સમાપ્ત