Mar 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-450

 

અધ્યાય-૧૫૯-આર્ષ્ટિષેણ અને યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II युधिष्ठिरस्तमासाद्य तपसा दग्धकिल्विपम I अम्यवादयत प्रीतःशिरसा नाम कीर्तयेन II १ II

વૈશંપાયન બોલ્યા-તપથી જેમનાં પાપ ખાખ થઇ ગયાં હતાં,એવા તે આર્ષ્ટિષેણ પાસે જઈ યુધિષ્ઠિરે પોતાનું નામ કહ્યું ને તેમને પ્રીતિપૂર્વક મસ્તક નમાવીને વંદન કર્યું.પછી ભાઈઓ ને દ્રૌપદીએ પણ તેમને વંદન કર્યું ને સર્વ તેમને વીંટાઇને ઉભા રહ્યા.તે તપસ્વીએ પણ તેમનો સત્કાર કરીને તેમના કુશળ પૂછીને યુધિષ્ઠિરને કહ્યું-

'હે પાર્થ તમે અસત્ય પર ભાવ તો રાખતા ને? તમે ધર્મમાં જ પ્રવૃત્ત છોને? ગુરુઓ,વૃદ્ધિ આદિ સર્વને સન્માનો છો ને? પાપકર્મમાં તમને ક્યારેય મન નથી થતું ને? દાન,ધર્મ,શૌચ,સરળતા ને તિતિક્ષા રાખીને તમે બાપદાદાનું અનુકરણ કરો છોને? તમે રાજર્ષિઓ સેવેલા માર્ગે જાઓ છો ને? હે પૃથાનંદન,પિતા,માતા,અગ્નિ,ગુરુ ને આત્મા,

એમને જે પૂજે છે તે આ લોક ને પરલોકએ બંને પર વિજય મેળવે છે.(14)

યુધિષ્ઠિર બોલ્યા-હે આર્ય,આપે મને યથાર્થપણે ધર્મનિર્ણય કહ્યો છે,હું યથાશક્તિ અને યથાન્યાય ધર્મને આચરૂં છું.

આર્ષ્ટિષેણ બોલ્યા-પર્વના સંધિકાળે (પૂનમ ને પડવાના દિવસે) જળાહારી,વાયુભક્ષી અને આકાશવિહારી ઋષિઓ આ ગિરિશ્રેષ્ઠ પર આવે છે.ને કામીજનો પણ તેમની કાંતાઓ સાથે અહીં આવે છે,વળી,કિંપુરુષો,ગંધર્વો,

અપ્સરાઓ,પણ અહીં આવે છે.તથા વિદ્યાધરો,નાગો આદિ પણ અહીં વાસ કરે છે.પર્વસંધિમાં આ પર્વત પર ભેરી,શંખો,મૃદંગોના નાદ સંભળાય છે.અહીં રહેવાથી જ એ બધું સંભળાય એમ છે.એથી તમારે ત્યાં જવાનો વિચાર ન કરવો,કેમ કે આ દેવોનો વિહારપ્રદેશ છે તેથી અહીંથી આગળ મનુષ્યોથી જઈ શકાય તેમ નથી,


અહીં,થોડી પણ ચપળતા કરનારા માણસોને રાક્ષસો મારે છે.આ કૈલાસ શિખરને પાર કરીને તો પરમ સિદ્ધો ને દેવર્ષિઓ જ જાય છે.અપ્સરાઓથી ઘેરાયેલા કુબેર પણ પર્વસંધિને વખતે અહીં ઠાઠમાઠથી આવેલા જોવામાં આવે છે.યક્ષો ને રાક્ષસોના એ અધિરાજાને સર્વ પ્રાણીઓ શિખર પર બેઠેલા જુએ છે.આ ગિરિશિખર દેવો,દાનવો,

સિદ્ધો અને કુબેરનું ઉદ્યાન છે.પર્વસંધિ સમયે કુબેરની ઉપાસના કરતા તુમ્બરુનો સામગાનનો ઘોષ સંભળાય છે.

આમ પર્વસંધિ વખતે સર્વ પ્રાણીઓ આ જાતજાતનાં અનેક આશ્ચર્યોને જુએ છે.


હે પાંડવશ્રેષ્ઠો,તમે મુનિઓને યોગ્ય આહારવાળાં આ ફળો ખાઈને અર્જુનનો મેળાપ થાય ત્યાં સુધી અહીં રહો.

પણ,તમે ક્યારેય ચપળતા કરતા નહિ.તમે ઇચ્છામાં આવે તેટલું અહીં રહીને શ્રદ્ધાનુસાર વિહાર કરો,(32)

અધ્યાય-૧૫૯-સમાપ્ત