Mar 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-451

 

અધ્યાય-૧૬૦-ભીમનું પરાક્રમ 


II जनमेजय उवाच II आर्ष्टिषेणाश्रमे तस्मिन्नम पूर्वपितामहा: I पाण्डोः पुत्रा महात्मनः सर्वे दिव्यपराक्रमाः II १ II

જન્મેજય ઉવાચ-મહત્તમ ને દિવ્ય પરાક્રમી એવા મારા પૂર્વ પિતામહો,ત્યાં કેટલો વખત રહ્યા હતા? ત્યાં તેમણે શું કર્યું? તેઓ શું ભોજન લેતા હતા? ભીમસેનને યક્ષો સાથે તો કશું થયું નહોતું ને? તેમને કુબેરનો મેળાપ થયો હતો?

હે તપોધન,આ સર્વ હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું.પાંડવોનાં ચરિત્ર સાંભળતા મને તૃપ્તિ થતી નથી.(6)

વૈશંપાયન બોલ્યા-તેજસ્વી આર્ષ્ટિષેણની આજ્ઞા સાંભળીને પાંડવોએ સતત તે પ્રમાણે વર્તન રાખ્યું.તેઓ મુનિઓને ખાવાયોગ્ય પદાર્થોનું,રસભર્યા ફળોનું,ને મૃગોનાં માંસનું ને વિવિધ જાતના મધોનું સેવન કરતા હતા.ને એ પ્રમાણે તેઓ તે હિમાલયની સપાટી પર વસતા હતા.લોમશમુનિના વચનો સાંભળતાં,ત્યાં તેમના વનવાસને પાંચમું વર્ષ બેસી ગયું હતું.આર્ષ્ટિષેણના આશ્રમે તેઓ અનેક આશ્ચર્યો જોતાં ને વિહાર કરતાં ત્યાં અનેક માસો વીતી ગયા.


એક વખત તે પાંડવો તેમને  મુનિઓ ને ચારણો સાથે વાર્તાલાપો કરતા હતા ત્યારે,ગરુડ,ઋદ્ધિમાન નામના 

મહાનાગને એકાએક ઝડપી ગયો,તે વખતે મહાપર્વત ડોલી ઉઠ્યો ને મોટાં વૃક્ષો ઉખડી પડ્યાં.ગિરિરાજની ટોચ પરથી સુગંધીદાર પવન સર્વ જાતનાં ફૂલોને પાંડવો તરફ ખેંચી લાવવા લાગ્યો.પાંડવોએ ને સર્વેએ આ આશ્ચર્યને જોયું.ત્યારે દ્રૌપદીએ ભીમને કહ્યું કે-'તમારા ભાઈ અર્જુને,ખાંડવવનમાં ગંધર્વો,રાક્ષસો,સર્પો ને ઇન્દ્રને પણ મહાત કર્યા હતા.તમારું બાહુબળ પણ મહાન છે તો તેના વેગથી આ સર્વ રાક્ષસો આ પર્વતને છોડીને ભાગી જાઓ,ને 

તમારા ભાઈઓ આ વિવિધ ફૂલોથી ભરેલા શિખરને જુએ,એવો વિચાર લાંબા કાળથી મારા મનમાં રમ્યા કરે છે,

હે ભીમ,તમારા બાહુબળથી રક્ષણ પામેલી હું પણ એ ગિરિશિખરને જોવા ઈચ્છું છું.'


દ્રૌપદીનું આવું વચન જાણે મહેણારૂપ છે એમ માનીને તે ભીમ તે વચનને સાંખી ન શક્યો.તેણે,તલવાર,ધનુષ્ય ને બાણનાં ભાથાં લીધા ને તે ગિરિરાજ તરફ નિર્ભયતાથી ચાલવા લાગ્યો.ને સર્વને આશ્ચર્ય આપતો તે,પર્વતની ટોચે ચડ્યો,ત્યારે તેણે કુબેરની મહેલ જોયો,સોનાનાં ને આરસનાં મંદિરોથી તે સુશોભિત હતો,તેની ચારે બાજુએ સુવર્ણનો કોટ હતો કે જે રત્નોથી ચમકતો હતો.ગદા,તલવાર ને ધનુષ્યને હાથમાં રાખીને ભીમ ત્યાં પર્વતની જેમ અચળ ઉભો રહ્યો ને તેણે શત્રુઓનાં રૂંવાડાં ખડાં કરે તેવો શંખનાદ કર્યો.


તે અવાજ સાંભળી,યક્ષો,રાક્ષસો હાથમાં શસ્ત્રો લઈને દોડી આવ્યા,ને તેમણે ભીમ સામે યુદ્ધ શરુ કર્યું.

તેઓએ ત્રિશુલ,શક્તિ ને પરશુઓ ભીમ સામે ફેંક્યાં,પણ ભીમે તે સર્વને છેદી નાખ્યાં.ને સામે બાણો ફેંકીને તેણે ઘણા રાક્ષસોના અંગોને કાપી નાખ્યાં.ભીમસેનના ભયથી પીડાઈને રાક્ષસો ને યક્ષો ત્યાંથી ભાગવા લાગ્યા ત્યારે 

કુબેરનો મિત્ર મણિમાન નામનો રાક્ષસ ત્યાં આવી પહોંચ્યો ને રાક્ષસોને કહેવા લાગ્યો કે-;તમે આટલા બધા એક મનુષ્યના હાથે હારીને બીકથી ભાગો છો? તો કુબેરને જઈને તમે શું કહેશો?' આમ કહી તે મોખરે થયો.


હાથમાં શક્તિ,શૂળ,તથા ગદા ધરીને તે ભીમ તરફ વેગપૂર્વક ગયો ત્યારે ભીમે 'વત્સદંત'નામનાં બાણો વડે તેના પડખામાં પ્રહાર કર્યો.એટલે મણિમાને ક્રોધમાં આવી મોટી ગદા ભીમ પર ઝીંકી.ત્યારે ભીમે તે પ્રહારને ચુકાવ્યો.

પછી,તે મણિમાને,લોઢાની એક ભયંકર શક્તિ મારી,કે જે ભીમનો જમણો હાથ વીંધી,જમીનપર પડી.

શક્તિથી વીંધાવાથી ભીમ ક્રોધે ભરાયો ને ગર્જના કરીને પોતાની ગદા લઇ મણિમાન તરફ ધસ્યો.

મણિમાને તેની સામે ત્રિશૂળ છોડ્યું કે જેને ભીમે ગદાથી ભાંગી નાખ્યું.ને પછી ભીમે આકાશમાં છલાંગ મારી,ગદાને એકદમ ઘુમાવીને મણિમાન પર નાખી કે જે રાક્ષસને મારીને પૃથ્વી પર પડી.

મણિમાનને મરેલો જોઈને રાક્ષસો ચિચિયારીઓ પાડીને પૂર્વ દિશામાં ભાગી ગયા (77)

અધ્યાય-૧૬૦-સમાપ્ત