Mar 11, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-452

 

અધ્યાય-૧૬૧-પાંડવોને કુબેરનાં દર્શન 


II वैशंपायन उवाच II श्रुत्वा बहुविधैः शब्दैर्नध्यमानां गिरेर्गुहाम् I अजातशत्रुः कौन्तेयो माद्रीपुत्राषुनावपि II १ II

વૈશંપાયન બોલ્યા-અનેક પ્રકારના શબ્દોથી ગાજી રહેલી ગુફાઓને સાંભળીને અજાતશત્રુ કુંતીપુત્ર,માદ્રીનંદન નકુલ-સહદેવ,ધૌમ્ય,ને દ્રૌપદી આદિ સૌ,ભીમસેનને ન જોવાથી અત્યંત ખિન્ન થઇ ગયાં.પછી,આર્ષ્ટિષેણને દ્રૌપદીની

સાંપણી કરીને તે સર્વ શૂરા હથિયાર સજીને એકસાથે પર્વત પર ચડવા લાગ્યા.પર્વતની ટોચ પર તેમણે

ભીમસેન અને પ્રાણરહિત થયેલા રાક્ષસોને જોયા.ભાઈઓ ભીમને ભેટ્યા પછી યુધિષ્ઠિર બોલ્યા-

'હે ભીમ,તેં આ પાપ સાહસથી કે અજ્ઞાનથી કર્યું છે,તારે એવો વ્યર્થ વધ કરવો જોઈતો નહોતો.

તેં આ દેવોને દ્વેષ થાય તેવું કર્યું છે,તું જો મારુ પ્રિય ઈચ્છતો હૉય તો ફરીથી આવું ના કરતો'

હવે જે રાક્ષસો બચી ગયા હતા તે કુબેરના ધામે પહોંચીને ભયંકર આર્તનાદ કરતા કુબેરને કહેવા લાગ્યા કે-

'હે ધનેશ્વર,એક મનુષ્યે ગિરિરાજને વેગથી મસળી નાખ્યો છે,તમારા સર્વ રક્ષકોને તેણે એકલાએ રણમાં રોળી નાખ્યા છે.તમારો મિત્ર મણિમાન પણ મરી ગયો છે.તો હવે જે કરવું ઘટે તે તમે કરો'

આ વચનો સાંભળી કુબેર ક્રોધે ભરાયો અને પોતાનો રથ તૈયાર કરાવી તેમાં બેસીને ત્યાંથી તે નીકળ્યો.


યક્ષો ને રાક્ષસોથી ઘેરાયેલો તે મહાવેગવાળો રથ પર્વતના શિખરને ઓળંગી પાંડવો પાસે આવી પહોંચ્યો.

કુબેરને જોઈને પાંડવો હર્ષથી રોમાંચિત થયા.અને કુબેર પોતે મહાસત્વશાળી અને દેવોનું કાર્ય કરતા પાંડવોને જોઈને,પ્રસન્ન થઇ પાંડવોએ દેવકાર્ય કરેલું જોઈ સંતોષ પામ્યા.કુબેરને પ્રસન્ન થયેલા જોઈને યક્ષો ને ગંધર્વો પણ ત્યાં શાંતિથી ઉભા રહ્યા,કુબેર નજીક આવ્યા ત્યારે,યુધિષ્ઠિર,નકુલ ને સહદેવ, પોતાને અપરાધી માનતા હોય તેમ કુબેરને વંદન કરીને હાથ જોડીને ઉભા રહ્યા.ત્યારે હાથમાં શસ્ત્રો લઈને યુદ્ધની ઈચ્છાથી સજ્જ પણ જખ્મી થયેલો ભીમ,જરાયે ગ્લાનિ વગર કુબેરની સામે જોઈ રહ્યો હતો.તેને જોઈને કુબેર,યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-

'હે પાર્થ,પ્રાણીમાત્ર જાણે છે કે,તમે સકલ જીવનના કલ્યાણમાં પરાયણ છો.તમે આ પર્વતશિખરે નિર્ભયતાથી નિવાસ કરો.તમારે ભીમસેન પર ક્રોધ કરવો જોઈએ નહિ,કેમ કે એ રાક્ષસો તો પહેલેથી જ કાળથી હણાયેલા હતા.

તે તો નિમિત્તમાત્ર થયો છે.ભીમના આ સાહસથી તમારે શરમાવું જોઈએ નહિ.યક્ષો ને રાક્ષસોનો આમ વિનાશ થશે એ દેવોએ પ્રથમથી જ જોયેલું હતું.મને ભીમસેન પર કોપ નથી,હું તેના પર પ્રસન્ન છું અગાઉ પણ તેના રાક્ષસોના વિનાશ કરવાના કર્મથી મને સંતોષ થયો હતો (46)


'હે ભીમસેન,તારા પ્રત્યે મારા મનમાં કંઈ નથી.કૃષ્ણાના અર્થે આ જે તેં સાહસ કર્યું છે અને મને તથા દેવોને અવમાનીને તેં તારા બાહુબળના આશ્રયથી જે યક્ષો ને રાક્ષસોનો વિનાશ કર્યો છે,તેથી હું તારા પર પ્રસન્ન થયો છું.

આજે હું ઘોર શાપમાંથી છૂટ્યો છું.પૂર્વે અગસ્ત્ય ઋષિએ ક્રોધમાં આવીને મારા કોઈ એક અપરાધ માટે મને શાપ આપ્યો હતો તેનું આજે નિવારણ થયું છે.મારા માટે આ ક્લેશ પૂર્વથી જ નિર્માણ થયેલો હતો'(51)


યુધિષ્ઠિર બોલ્યા-હે ભગવન.અગસ્ત્યે તમને શા માટે શૉ આપ્યો હતો?તે હું સાંભળવા ઈચ્છું છું.મને 

આશ્ચર્ય થાય છે કે તે ઋષિના ક્રોધ વડે તમે ત્યારે સેના ને અનુચરો સાથે કેમ નાશ પામ્યા ન હતા?


કુબેર બોલ્યા-પૂર્વે કુશવતીમાં દેવતાઓની એક સભા થઇ હતી,ત્યારે હું ત્યાં જતો હતો ત્યારે માર્ગમાં મેં અગસ્ત્યને તપ કરતા જોયા.તેમને જોતાં જ મારી સાથે રહેલો મારો મિત્ર ને રાક્ષસોનો અધિપતિ મણિમાન,મુરખાઇથી,

અજ્ઞાનભાવથી,અભિમાનથી અને મોહથી તે મહર્ષિ અગસ્ત્ય પર થૂંક્યો.ત્યારે જાણે સર્વ દિશાઓને બળતા હોય

તેમ,ઋષિ અગસ્ત્યે ક્રોધ કરીને મને કહ્યું કે-'હે ધનેશ્વર,તારા દેખાતા,તારા આ મિત્રે મારી અવજ્ઞા કરીને 

જે આ અપમાન કર્યું છે,તેથી તે તારા આ સૈન્ય સાથે એક મનુષ્યને હાથે વધ પામશે.ને આમ સેનાઓ  

હણાયાથી તું ક્લેશ ભોગવશે ને તે મારનાર મનુષ્યનાં દર્શન કરીને તું પાપમાંથી છૂટી જશે.

તારી આ સેનામાંથી જે કોઈ તારી આજ્ઞાનું પાલન કરશે તે આ ઘોર પાપને પામશે નહિ' 

હે યુધિષ્ઠિર,પૂર્વે આમ જે શાપ આપ્યો હતો તેમાંથી ભીમે મને છોડાવ્યો છે (63)

અધ્યાય-૧૬૧-સમાપ્ત