Mar 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-454

અધ્યાય-૧૬૩-મેરુ પર્વતનાં દર્શન 


II वैशंपायन उवाच II ततः सूर्योदये धौम्यः कृत्वाSSर्ह्निकमरिंदम I आर्ष्टिषेणेन सहितः पांडवानम्यवर्तत II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,સૂર્યોદય થતાં,ધૌમ્યે નિત્યકર્મ પતાવ્યું ને આર્ષ્ટિષેણને લઈને પાંડવો પાસે આવ્યા,ત્યારે પાંડવોએ તેમના ચરણમાં વંદન કર્યું.ને હાથ જોડીને સર્વ બ્રાહ્મણોનું પૂજન કર્યું.ધૌમ્ય યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે-

'હે મહારાજ,પૂર્વ દિશામાં આ શૈલરાજ મંદર,સાગર સુધીની ભૂમિને ઘેરીને ઉભો છે.પર્વતો,વનના સીમાડાઓ ને અરણ્યોથી શોભી રહેલી આ દિશાનું ઇન્દ્ર તથા કુબેર રક્ષણ કરે છે.ઋષિઓ આને ઇન્દ્ર ને કુબેરનું ધામ કહે છે.

ઋષિઓ,સિદ્ધો,સાધ્યો,દેવતાઓ તથા પ્રજાઓ અહીંથી (પૂર્વથી) ઉદય પામતા સૂર્યની ઉપાસના કરે છે.(7)

ધર્મના વેત્તા યમરાજ,દક્ષિણદિશામાં તેમના પાવનકારી 'સંયમન'ભવનમાં રહે છે.જુઓ,જ્યાં સૂર્ય  જઈને સત્યપૂર્વક સ્થિર રહે છે તે પર્વતરાજને અસ્તાચળ કહે છે.પંડિતો આ પર્વતરાજમાં તથા સમુદ્રમાં રહીને વરુણરાજ સર્વ ભૂતોનું રક્ષણ કરે છે.બ્રહ્મવેત્તાઓની ગતિરૂપ એવો મંગલમય આ મહામેરુ પર્વત ઉત્તર દિશાને અજવાળતો ઉભો છે.

ત્યાં બ્રહ્મસભા છે,ભૂતમાત્રના આત્મા ભગવાન પ્રજાપતિ સર્વ સ્થાવર-જંગમને સર્જતા ત્યાં જ વસે છે.

બ્રહ્માના દક્ષ-આદિ જે સાત પુત્રો કહ્યા છે તેમનું પણ આ નિવાસસ્થાન છે.


અહીં જ વસિષ્ઠ આદિ સપ્તર્ષિઓ રહે છે ને ઉદય પામે છે.મેરુના શિખર પરના આ નિર્મલ ને ઉત્તમ પ્રદેશમાં પિતામહ બ્રહ્મા,દેવોની સાથે રહે છે.પરમસમર્થ અને ઇન્દ્રિયાતીત નારાયણનું સ્થાન બ્રહ્માના સદનની પેલે પર પ્રકાશી રહ્યું છે.દેવો પણ તે શુભ સ્થાનને જોઈ શકતા નથી.કેમ કે સૂર્ય કરતાં પણ તે અધિક તેજોમય છે.

આમ તે નારાયણ-સ્થાન મેરુપર્વત પર પૂર્વ દિશામાં શોભી રહ્યું છે.ભૂતોના અધિપતિ તે સ્વયંભૂ ભગવાન,પ્રાણીમાત્રને પોતાની કાંતિથી પ્રકાશિત કરતા રહીને જાતે પ્રકાશી રહ્યા છે.

હે કુરુશ્રેષ્ઠ,યતિઓની ગતિરૂપ એવા આ સ્થાને બ્રહ્મર્ષિઓ પણ જઈ શકતા નથી તો મહર્ષિઓની શી વાત?

એ તેજ આગળ સર્વ તેજો ઝાંખાં પડે છે કેમ કે અચિંત્ય પ્રભુ પોતે જ ત્યાં વિરાજે છે.પરમ તપથી યુક્ત,શુભ કર્મોથી શુદ્ધ મનવાળા થયેલા.અજ્ઞાનને મોહથી મુક્ત એવા યોગસિદ્ધ યતિ મહાત્માઓ.ભક્તિ વડે,તે હરિને પામે છે.

ને તેઓ આ લોકમાં ફરી આવતા નથી.અચલ,અક્ષય ને અવિનાશી એવા આ સ્થાનને પ્રણામ કરો.(26)


સૂર્ય ને ચંદ્ર,ને સર્વ તારામંડળો પ્રતિદિન આ મેરુની આસપાસ ફરી નિત્ય પ્રદિક્ષણા કરે છે.અસ્તાચલે જઈ,

સંધ્યાકાળ વટાવી,સૂર્ય નારાયણ ઉત્તર દિશાની સીમાએ જાય છે ને મેરુની પ્રદિક્ષણા કરી પાછા પૂર્વમાં આવે છે.

અને પર્વસન્ધિઓમાં માસના અનેક કાળવિભાગ કરતા રહે છે.એ જ રીતે ચંદ્ર પણ નક્ષત્રોની સાથે મેરુની આસપાસ ફરે છે.પછી,સૂર્ય ભગવાન,ઠંડી સર્જવાની ઇચ્છાએ દક્ષિણ દિશા તરફ વળે છે,ને સર્વ પ્રાણીઓ શિયાળાનો અનુભવ કરે છે.ને ઉત્તર તરફ ગતિ કરે છે ત્યારે તે પોતાના તેજથી પ્રાણીઓના તેજને ખેંચી લે છે,

જેથી ઉનાળામાં પરસેવો,થાક,આળસ ને ગ્લાનિ આવે છે.આમ,પ્રજાને પોષણ આપતા તે તેજસ્વી સૂર્ય ભગવાન આ અંતરિક્ષ માર્ગે ફરતા રહીને જળની વૃષ્ટિ પણ કરે છે.

આ રીતે વૃષ્ટિ,વાયુ અને તાપ કરીને તે સૂર્ય ફરી એ ક્રમે જ પાછા ફરે છે,ને કાળચક્રને ફેરવતા રહે છે.તેમની ગતિ સતત હોય છે તે પ્રાણીઓના તેજને ખેંચે છે ને પાછાં તેમને જ આપે છે.તે સર્વ ભૂતોનાં આયુષ્ય ને કર્મોના વિભાગ કરે છે ને તે માટે સદૈવ દિવસ,રાત,કળા,અને કાષ્ઠાને સર્જે છે (42)

અધ્યાય-૧૬૩-સમાપ્ત