Mar 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-460

 

અધ્યાય-૧૭૧-માયાવી યુદ્ધ 


II अर्जुन उवाच II ततोSश्मवर्ष सुमहत्प्रादुरसित्समंततः I नगमात्रै शिलाखण्डैस्तन्मां दढमपीडयत  II १ II

અર્જુન બોલ્યો-તે સમયે મારા પર ચારે બાજુથી પથ્થરોની મહાન વૃષ્ટિ ચાલી અને પર્વત જેવા શિલાખંડોવાળી તે

ઝડી મને અત્યંત પીડવા લાગી.પણ,તે વૃષ્ટિ પર મેં,મહેન્દ્રાસ્ત્રથી મંત્રેલાં વજ્ર જેવાં બાણોની ઝડી વરસાવી ને તે

પથ્થરોના ચૂરેચૂરા કરી નાખ્યા.આમ,તેનો નાશ થયો ત્યારે મારી સામે મહાપ્રબળ જળવર્ષા થવા લાગી,

ને જોશભેર પવન ફૂંકાવા લાગ્યો,જેના કારણે કશું જ ઓળખાતું નહોતું,

ત્યારે મેં,ઇન્દ્રે ઉપદેશેલા 'વિશોષણ' નામના અસ્ત્રને પ્રયોજ્યું એટલે તે સર્વ જળ શોષાઈ ગયું,

એટલે તે દાનવોએ અગ્નિ ને વાયુની માયા છોડી.જેના સામે મેં 

'સલિલાસ્ત્ર'થી અગ્નિ ને શાંત કર્યો ને  ને 'શૈલાસ્ત્ર' છોડીને વાયુના વેગને બાંધી દીધો.(10)


આમ,મેં તે દાનવોની માયાને જૂઠી કરી,પછી થોડીવારમાં ત્યાં તીવ્ર અંધકાર છવાયો,ત્યારે હરિઅશ્વો પાછા પડ્યા ને માતલિ પણ ગોથાં ખાવા લાગ્યો ને તે બોલ્યો-'મેં મહાઘોર સંગ્રામો ખેડ્યાં છે પણ પૂર્વે મેં ક્યારેય ભાન ખોયું નહોતું,ચોક્કસ બ્રહ્માજીએ જગતનો વિનાશ કરવા જ આ યુદ્ધ યોજ્યું લાગે છે' 


ભયભીત થયેલા તે માતલિને મેં કહ્યું કે-તું ડરીશ નહિ,હવે તું મારા અસ્ત્રો ને ગાંડીવનો પ્રભાવ જો,મારા અસ્ત્રોની માયાથી હું આ દારુણ માયા અને અંધકારને વિખેરી નાખું છું' આમ કહી મેં પ્રાણીમાત્રને મોહ પમાડનારી અસ્ત્રમાયાને દેવોના હિતાર્થે પ્રગટાવી.જેનાથી અસુરોની માયાનો નાશ થવા લાગ્યો.ને અજવાળું થયું.

તે સર્વ દાનવો માયાથી એકાએક અદૃશ્ય થઇ ગયા ને હું તેમને જોઈ શક્યો નહિ (30)

અધ્યાય-૧૭૧-સમાપ્ત 


અધ્યાય-૧૭૨-નિવાત કવચોનો સંહાર 


II अर्जुन उवाच II अद्र्श्यमानास्तै दैत्या योधर्यति स्म मायया I अद्रष्येनास्त्रवीर्येण तानप्यहमयोधयम II १ II

અર્જુન બોલ્યો-પછી,તે દૈત્યો અદૃશ્ય થઈને મારી સામે લડવા લાગ્યા ત્યારે હું પણ અદૃશ્ય અસ્ત્ર પ્રભાવથી તેમની સામે લડવા લાગ્યો.અસ્ત્રમંત્રોથી મંત્રેલાં ને ગાંડીવમાંથી છૂટેલાં મારાં બાણો દૈત્યોનાં માથાં ઉડાડવા લાગ્યા.

પછી,અમુક અદૃશ્ય દૈત્યો આકાશમાંથી પર્વતો વરસાવવા લાગ્યા.ને અમુક દૈત્યો જે જમીનમાં ભરાઈ ગયા હતા તે રથના પૈડાંને ને ઘોડાઓના પગને જકડી રાખવા લાગ્યા.ત્યારે માતલિએ કહ્યું-હે અર્જુન તું વજ્રાસ્ત્ર છોડ'


ત્યારે મેં ઇન્દ્રને પ્રિય એવું વજ્રાસ્ત્ર છોડ્યું ને ગાંડીવથી મેં વજ્ર જેવા બાણોનો વરસાદ કર્યો.જેથી પર્વતોના ચૂરેચૂરા થયા,ને જમીનમાં પેઠેલા દૈત્યો પણ નાશ પામ્યા.આમ તે દૈત્યોનો સંહાર થયો પણ ઘોડાઓને,રથને કે માતલિને 

જરા સરખો પણ ઘા થયો નહોતો તે એક આશ્ચર્ય હતું.માતલિ બોલ્યો-હે અર્જુન,જે પરાક્રમ તારામાં જોવામાં આવ્યું છે તે દેવોમાં પણ નથી' પછી,માતલિએ રથને નગરમાં લીધો.રથને જોઈને સ્ત્રીઓ નાસભાગ કરવા લાગી.


અદભુત ને ઉત્તમ નગરને જોઈને મેં માતલિને પૂછ્યું-આ નગર તો મને અમરાવતી નગરી જેવું લાગે છે'

માતલિ બોલ્યો-આ નગર પહેલાં ઈન્દ્રનું જ હતું.દૈત્યોએ તપ કરીને બ્રહ્માને પ્રસન્ન કરી પોતાના નિવાસ માટે માગી લીધું હતું,ને બ્રહ્મા પાસેથી યુદ્ધમાં દેવોથી અભય માગ્યું હતું,ત્યારે પોતાના હિતની ઈચ્છાથી ઇન્દ્રે,બ્રહ્માને કહ્યું હતું કે-આપ પોતે જ દૈત્યોના નાશની ગોઠવણી કરો' ત્યારે બ્રહ્માએ કહ્યું હતું કે-તું જ બીજા દેહે આ દૈત્યોનો અંત લાવશે' આથી જ ઇન્દ્રે દૈત્યોના વધ માટે તને અસ્ત્રો આપ્યાં,ને તેં આ નિવાત કવચોને માર્યા,કેમ કે આ દૈત્યોને મારવા દેવો પણ સમર્થ નહોતા.કાળને પરિણામે તું અહીં આવ્યો ને તેમનો નાશ કર્યો છે'

અર્જુન બોલ્યો-આમ,તે દૈત્યોને મારીને હું,માતલિ સાથે દેવોના નિવાસસ્થાન સ્વર્ગ તરફ વળ્યો' (35)

અધ્યાય-૧૭૨-સમાપ્ત