Mar 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-461

 

અધ્યાય-૧૭૩-હિરણ્યપુરના દૈત્યોનો વધ 


II अर्जुन उवाच II निवर्तमानेन मया महदद्दष्टं ततोSपरम् I पुरं कामचरं दिव्यं पावकार्कसमप्रभम्  II १ II

અર્જુન બોલ્યો-ત્યાંથી પાછા ફરતી વખતે એક બીજું નગર મારા જોવામાં આવ્યું.તે ઈચ્છાગતિવાળું ને સૂર્ય જેવા પ્રભાવવાળું હતું.તેમાં રત્નનાં વૃક્ષો ને મધુર સ્વરવાળાં પક્ષીઓ હતા,ને ત્યાં પૌલોમ અને કાલકંજ નામે દાનવો

નિત્ય વાસ કરતા હતા.તેમાં સહેલાઈથી પ્રવેશી શકાય તેમ નહોતું.શૂલ,મુશળ,ધનુષ્ય આદિ આયુધોને ધારણ

કરેલા અસુરો તે નગરને ચારે બાજુ વીંટી રહ્યા હતા,ત્યારે માતલિને તે સ્થાન વિષે પૂછ્યું.

માતલિ બોલ્યો-'પૂર્વે પુલોમા નામની દૈત્ય સ્ત્રીએ ને કાલકા નામની અસુર સ્ત્રીએ સહસ્ત્ર વર્ષ સુધી તપ કરીને બ્રહ્મા પાસેથી વરદાન માગ્યું હતું કે-'અમારા પુત્રોનું દુઃખ ઓછું થાય,તેઓ સુરો,રાક્ષસો અને નાગોથી અવધ્ય રહે ને તેમને આકાશમાં વિહરનારું તથા મહાકીર્તિવાળું નગર મળે' ત્યારે બ્રહ્માએ,તે કાલકેયો માટે,સર્વ રત્નોથી ઝળહળતું,દેવો,યક્ષો,ગંધર્વો,નાગો,અસુરો તથા રાક્ષસોથી પણ જીતાય નહીં તેવું નગર નિર્માણ કર્યું.

પૌલોમ ને કાલકેય નામના દાનવોથી વસેલું આ નગર હિરણ્યપુર નામે વિખ્યાત છે.દેવોથી અવધ્ય હોવાને લીધે આ અસુરો ઉદ્વેગ વિના આનંદમાં રહી અહીં નિવાસ કરે છે.પૂર્વે બ્રહ્માએ આ દાનવોનું મૃત્યુ મનુષ્યના હાથે નિર્માણ કર્યું છે,તો હે પાર્થ,આ દુર્જેય કાલકંજોનો તમે વજ્રાસ્ત્રથી નાશ કરો'


આમ કહી,તે રથને હિરણ્યપુરની પાસે લઇ ગયો.મને જોતાં જ તે દૈત્યોએ કવચો બાંધી ને શસ્ત્રો સાથે મારી સામે ધસી આવ્યા ને અનેક જાતના શસ્ત્રોથી મારાં પર પ્રહાર કરવા લાગ્યા,ત્યારે મેં વિદ્યાબળનો આશ્રય લઈને,મહાન બાણધારા છોડીને તેમની શસ્ત્રઝડીને રોકી લીધી.ને તે દૈત્યોને મારવા માંડ્યા.એટલે તેઓએ દાનવી માયા કરીને નગર સાથે જ આકાશમાં ઉડ્યા.તે આકાશમાં ગતિ કરનારું નગર ઘડી ઘડીકમાં ઊંચે નીચે,જતું હતું.

ત્યારે દિવ્યાસ્ત્રથી મંત્રેલાં બાણોની ઝડી વરસાવી ને તેથી તે નગરને ભાંગીને જમીન પર પાડ્યું.


ત્યારે આઠ હજાર ક્રોધી દૈત્યો મારી સામે આવીને મને ઘેરી વળ્યા.ત્યારે મેં વિચાર્યું કે આ દૈત્યોને માનુષી યુદ્ધથી જીતી શકાય તેવું નથી,એટલે મેં દિવ્ય અસ્ત્રોને અનુક્રમે યોજવા માંડ્યા.અનેક દૈત્યોનો સંહાર થયા છતાં,તેઓ મને પીડતા રહ્યા,એટલે મેં રુદ્રદેવનું મનમાં સ્મરણ કરીને 'રૌદ્ર'નામનું અસ્ત્ર યોજ્યું.જે અસ્ત્ર છોડતાંની સાથે જ ત્યાં 

પ્રાણીઓનાં સહસ્ત્ર રૂપો પ્રગટ્યાં.ને તેમના પ્રહારોથી દાનવો નાશ પામવા લાગ્યા.દેવોને ય દુઃસાધ્ય એવું મારું અશક્ય કર્મ જોઈને પ્રસન્નતાથી માતલિએ મને કહ્યું કે-તમે જે કર્મ કર્યું તે ઈન્દ્ર પણ કરવા સમર્થ નથી.આ અવધ્ય એવું આકાશચારી નગર તમે તમારા અનન્ય પરાક્રમથી રગદોળી નાખ્યું છે'


પછી,તે માતલિ મને ઇન્દ્રના સ્થાને લઇ ગયો ને ઇન્દ્રને યુદ્ધની સર્વ વાત કહી સંભળાવી.કે જે સાંભળી ઇન્દ્ર પ્રસન્ન થયા ને મને કહ્યું કે-હે પાર્થ,દેવોને એ ટપી જાય એવું કાર્ય કરીને ને મારા શત્રુને મારીને તેં મને ગુરુદક્ષિણા આપી છે.આ રીતે જ તારે રણમાં સ્થિર રહીને,સાવધાનીથી અસ્ત્રોનો પ્રયોગ કરવો.ત્રણે લોકના જીવો માટે તું રણમાં અસહ્ય છે,યુધિષ્ઠિર તારા બાહુબળથી પ્રાપ્ત થયેલી પૃથ્વીનું પાલન કરશે (75)

અધ્યાય-૧૭૩-સમાપ્ત