Mar 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-462

 

અધ્યાય-૧૭૪-અસ્ત્રદર્શનનો સંકેત 


II अर्जुन उवाच II ततो मामतिविश्वस्तं संरूढशरविक्षतं I देवराजो विगृहेदं काले वचनमब्रवीत II १ II

અર્જુન બોલ્યો-પછી,સમય આવતાં શત્રુઓને જીતવામાં વિશ્વાસપાત્ર પણ બાણોથી ઘાયલ થયેલા 

એવા મને,દેવરાજે કહ્યું કે-'હે ભારત,તારી પાસે હવે સર્વ દિવ્ય અસ્ત્રો છે,જેથી પૃથ્વી પરનો 

કોઈ મનુષ્ય તને પરાજય આપી શકે તેમ નથી.હે પુત્ર,તું સંગ્રામમાં ઉભો હોઈશ ત્યારે 

ભીષ્મ,દ્રોણ,કૃપ,કર્ણ,અને બીજાઓ તારી સોળમા ભાગની કલાની પણ તોલે આવશે નહિ' 

પછી,તેમણે મને અભેદ્ય અને દિવ્ય કવચ,સુવર્ણમયી માળા,દિવ્ય મુગુટ અને દેવદત્ત શંખ આપ્યો.વળી,તેમણે મને

સુંદર અને મૂલ્યવાન દિવ્ય વસ્ત્રો ને આભૂષણો પણ આપ્યાં.આમ,તેમનો સત્કાર પામીને હું સુખે રહેતો હતો.

એક વાર મને ઇન્દ્રે કહ્યું કે-'હે અર્જુન તારો જવાનો સમય થઇ ગયો છે કેમ કે તારા ભાઈઓ તને સંભાર્યા કરે છે'

એટલે ત્યાંથી નીકળી હું ગંધમાદન પર્વતે આવ્યો ત્યારે મેં તમને ભાઈઓથી વીંટાયેલા જોયા.(10)


યુધિષ્ઠિર બોલ્યા-હે ધનંજય ઘણું સારું થયું કે તને અસ્ત્રો મળ્યાં છે.તારાં સદ્ભાગ્ય છે કે તેં ઈંદ્રદેવને પ્રસન્ન કર્યા ને ઉમાદેવી સાથે સાક્ષાત ભગવાન શંકરનાં દર્શન કર્યા છે,તું લોકપાલોનો સમાગમ પામ્યો છે,ને તું પાછો આવ્યો છે એ મારા ભાગ્યની ખાસ બલિહારી છે.આજે મને લાગે છે કે મેં સમગ્ર પૃથ્વી જીતી લીધી છે ને ધૃતરાષ્ટ્રના પુત્રોને વશ કર્યા છે,હે અર્જુન,જે અસ્ત્રોથી તેં નિવાત-કવચોને હણ્યા છે તે અસ્ત્રોને હું જોવા ઈચ્છું છું (15)

અર્જુન બોલ્યો-'તે અસ્ત્રો હું કાલે સવારે બતાવીશ'

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે પોતાની સર્વ વાત કહીને પછી રાતે તે અર્જુન સર્વ ભાઈઓ સાથે ત્યાં સૂતો'(17)

અધ્યાય-૧૭૪-સમાપ્ત