Mar 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-468

 

અધ્યાય-૧૮૧-ભીમનો છુટકારો 


II युधिष्ठिर उवाच II भवानेताद्शो लोकं वेदवेदांIगपारगः I ब्रूहि किं कुर्वतः कर्म भवेद्वतिरनुत्तमा I १ II

યુધિષ્ઠિર બોલ્યા-તમે આવી યોનિમાં છો,તો પણ વેદ અને વેદાંગમાં પારંગત છો,

તો કહો,શું કરવાથી મનુષ્યને ઉત્તમ ગતિ મળે?

સર્પ બોલ્યો-હે ભારત,સુપાત્રે દાન આપ્યાથી,પ્રિય વચનો કહેવાથી,સત્ય બોલવાથી 

અને અહિંસા-ધર્મમાં તત્પર રહેવાથી મનુષ્ય સ્વર્ગે જાય છે એવું મારુ માનવું છે.

યુધિષ્ઠિર બોલ્યા-દાન અને સત્ય-એ બેમાં મોટું શું?ને અહિંસા-ને પ્રિય વચન એ બેમાં મોટું નાનું શું?


સર્પ બોલ્યો-દાન,સત્ય આદિ સર્વમાં એ દરેકનું નાનાપણું કે મોટાપણું-એ કાર્યના આધારે જોવાય છે.ક્યારેક દાનયોગ કરતાં સત્ય ચડી જાય છે તો ક્યારેક સત્યવચન કરતાં દાન ચડી જાય છે.એમ ક્યારેક પ્રિયવાક્ય તો ક્યારેક અહિંસા વધી જાય છે.આમ કાર્યની અપેક્ષાએ વસ્તુનું ગૌરવ અથવા લાઘવ ગણાય છે (7)


યુધિષ્ઠિર બોલ્યા-શરીરનો નાશ થયા પછી મનુષ્ય કેવી રીતે સ્વર્ગમાં જાય છે? 

તેને અવશ્ય મળનારું કર્મફળ કેવી રીતે મળે છે?તે વિષયોને કેવી રીતે ભોગવે છે?(8)


સર્પ બોલ્યો-હે રાજન,સ્વકર્મોથી મનુષ્યને,મનુષ્યયોનિ,સ્વર્ગવાસ ને તિર્યગયોનિ એવી ત્રણ પ્રાણી ગતિઓ મળે છે.તેમે જે મનુષ્ય આળસ રાખ્યા વિના અહિંસાયુક્ત દાન-આદિ કર્મો કરે છે તે મનુષ્યલોકમાંથી સ્વર્ગમાં જઈ સુખ ભોગવે છે.ને જે એનાથી ઊલટા કર્મો કરે છે તે મનુષ્યયોનિમાં રહે છે કે તિર્યગયોનિમાં જાય છે.


જે મનુષ્ય,કામ અને ક્રોધથી ભરેલો છે ને હિંસા તથા લોભને આધીન છે તે તિર્યગયોનિમાં જાય છે,ને ત્યાંથી પાછો મનુષ્યયોનિમાં જન્મ ધરવા માટે તેનો તિર્યગયોનિમાંથી છૂટકારો પણ થાય છે.એવું વેદમાં કહેલું છે.

ગાયો ને ઘોડાઓને પણ દેવત્વ મળે છે એવું જોવામાં આવે છે.(13)

આમ કર્મ કરનારો જીવ,આ ત્રણ ગતિઓમાં ફરે છે.બ્રાહ્મણ,તો પોતાના આત્માને નિત્ય પરમાત્મામાં લીન રાખે છે.જયારે દેહાભિમાની જીવાત્મા તો બળવાન કર્મફળને કારણે વારંવાર જન્મ ધારે છે અને સુખદુઃખ ભોગવે છે,

ફળ પ્રત્યે જે નિસ્પૃહ (અનાસક્ત) છે તે જ આ સંસારના લક્ષણને સમજે છે (15)


યુધિષ્ઠિર બોલ્યા-હે સર્પ,શબ્દ,સ્પર્શ,રૂપ,રસ ને ગંધ -એ વિષયોને ગ્રહણ કરવાનું અધિષ્ઠાન શું છે?

બધા વિષયો એકસાથે કેમ ગ્રહણ કરાતા નથી? એ વિશે તમે મને કહો 


સર્પ બોલ્યો-જે આત્મારૂપી પદાર્થ છે તે સ્થૂળ ને સૂક્ષ્મ દેહનો આશ્રય કરીને તથા બુદ્ધિ વગેરેથી યુક્ત થઈને કર્મ અનુસાર ભોગોને ભોગવે છે.ઇન્દ્રિય,બુદ્ધિ અને મન એ ત્રણ આત્માને ભોગ ભોગવવાનાં સાધનો છે.

પોતાના હૃદયરૂપી ક્ષેત્રમાંથી નીકળેલો તે જીવાત્મા વિષયના સ્થાનરૂપ ઇન્દ્રિયોમાં રહેલા મન વડે ક્રમપૂર્વક આ શબ્દ-આદિ વિષયોને ભોગવે છે.આમ મન જ મુખ્ય કારણરૂપ છે.આથી સર્વ વિષયોને એકસાથે ગ્રહણ કરી શકાતા નથી,તે આત્મા બે ભ્રકૃટીની વચ્ચે રહેલો છે અને સારીમાઠી બુદ્ધિને વિવિધ પદાર્થોમાં પ્રેરે છે.

એટલે જ્ઞાન એ બુદ્ધિથી પછી થતો અનુભવ છે.આમ,આ જ્ઞાન એ આત્મપ્રકાશક વિધિ છે.(23)


યુધિષ્ઠિર બોલ્યા-તમે મને મન અને બુદ્ધિનું પરમ લક્ષણ કહો,અધ્યાત્મવેત્તાઓ એને જ શ્રેષ્ઠ કાર્ય ગણાવે છે.


સર્પ બોલ્યો-ઉત્ક્રાંતિ આદિ ધર્મને લીધે બુદ્ધિ સદૈવ આત્માને અનુસરનારી ગણાય છે,આમ તે આત્માને આશ્રયે રહેનારી છે.વિષયોમાં ઇન્દ્રિયોનો સંયોગ થવાથી બુદ્ધિ ઉપજે છે.ત્યારે મન તો ઉત્પન્ન થઇ જ ચૂક્યું હોય છે,આથી બુદ્ધિ જે જે ગુણોને ધારણ કરે છે તે ગુણોને મન પણ ધારણ કરે છે.તમે પણ જાણકાર છો,તો તમે શું માનો છો?


યુધિષ્ઠિર બોલ્યા-હે બુદ્ધિમાન,તમારી આ વિચારણા સુંદર છે,તમે જાણવાનું જાણી ચુક્યા છો,તો પછી મને શા માટે પૂછો છો? સર્વજ્ઞ એવા તમને આ શો મોહ થઇ આવ્યો? તમે શાથી સર્પયોનિને પામ્યા? મને આ મોટો સંદેહ છે 


સર્પ બોલ્યો-મનુષ્ય સારો જ્ઞાની ને શૂર હોય,તો પણ સમૃદ્ધિ તેને ભુલાવી દે છે,સુખમાં રહેલા સર્વ મનુષ્યો મૂર્છામાં પડે છે એમ મારુ માનવું છું.ઐશ્વર્યના મોહથી,હું મદથી ઘેરાઈને નીચે ગબડી પડ્યો હતો.આજે તમે મારુ કાર્ય કર્યું  છે,તમારા જેવા સાધુ સાથે સંભાષણ કરીને મારો શાપ નાશ પામ્યો છે.પૂર્વે હું સ્વર્ગમાં વિમાનમાં વિચરતો હતો,ને અભિમાનથી મત્ત થઇ કોઈને પણ ગણતો નહોતો.ત્રૈલોક્યમાં રહેનારા સર્વ મને કર આપતા હતા,હું જે પ્રાણી પર આંખ માંડતો,તેનું તેજ હું તરત જ હરી લેતો હતો,એવું મારી દૃષ્ટિનું બળ હતું.હજાર બ્રહ્મર્ષિઓ મારી પાલખી ઊંચકી ચાલતા હતા,ને એ જ અનાચારે મને ઐશ્વર્યથી ભ્રષ્ટ કર્યો.


એકવાર અગસ્ત્ય મુનિ,મારી પાલખીએ જોડાયા હતા ત્યારે મેં તેમને પગથી લાત મારી હતી,તેથી અગસ્ત્યે રોષે ભરાઈને મને કહ્યું-'જા,તું સર્પ થઈને નીચે પડ' ત્યારે મેં તેમની માફી માગી ને શાપનું વિમોચન પૂછ્યું.

ત્યારે તેમણે કૃપા કરીને મને કહ્યું હતું કે-'ધર્મરાજ યુધિષ્ઠિર તને આ શાપમાંથી છોડાવશે' એ અગસ્ત્યનું તપોબળ જોઈને હું આશ્ચર્ય જ પામ્યો હતો ને તેથી જ મેં તમને બ્રહ્મ ને બ્રાહ્મણ વિશે પ્રશ્નો પૂછ્યા હતા.

હે મહારાજ,તમારો આ ભાઈ સુખમાં રહો,તમારું મંગલ થાઓ,હું હવે ફરીથી સ્વર્ગમાં જઈશ'


વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે કહીને તે નહુષરાજ,અજગરનું શરીર છોડીને,દિવ્ય શરીર ધારણ કરી સ્વર્ગમાં ગયો.

ભીમને લઈને યુધિષ્ઠિર પાછા આશ્રમમાં આવ્યા,ને એકઠા થયેલ સર્વને બની ગયેલ વૃતાન્ત કહ્યી.

ભીમને ભયમુક્ત થયેલો જોઈને સર્વ પાંડવો આનંદ પામ્યા ને હર્ષથી વિહાર કરવા લાગ્યા.(50)

અધ્યાય-૧૮૧-સમાપ્ત 

આજગર પર્વ સમાપ્ત

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE